નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સૌથી મોટી જાહેરાત કરતા દેશમાં સિટિઝનશિપ ઍમેન્ડમેન્ટ ઍક્ટ (CAA) ૨૦૧૯ને સોમવારથી અમલી બનાવવામાં આવ્યો છે. આ કાયદો પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાનથી સ્થળાંતર કરીને આવેલા બિનમુસ્લિમ લોકોને ભારતનું નાગરિકત્વ અપાવવામાં મદદ કરશે. સીએએના નિયમોને લગતું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું.
આ કાયદો અમલી બનતા મોદી સરકાર હવે ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ અગાઉ પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાન્તિાનથી સ્થળાંતર કરીને આવેલા હિન્દુ, શિખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ જેવા બિનમુસ્લિમોને ભારતનું નાગરિકત્વ આપવાની શરૂઆત કરશે.
ડિસેમ્બર ૨૦૧૯માં સીએએને મંજૂરી આપી દેવામાં આવી હતી અને ત્યાર બાદ રાષ્ટ્રપતિએ પણ તેને મંજૂરી આપી દીધી હતી, પરંતુ દેશના અનેક વિસ્તારમાં તેનો વિરોધ થયો હતો. સીએએવિરોધી પ્રદર્શન તેમ જ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ૧૦૦ કરતાં પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
આ કાયદાના મલ અંગે જાહેરનામું બહાર પાડવામાં ન આવ્યું હોવાને કારણે તે અત્યાર સુધી અમલી નહોતો બની શક્યો. સંસદીય બાબતોની પરિચય પુસ્તિકામાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગયાના છ મહિનામાં જે તે કાયદાના નિયમો ઘડી કાઢવા જોઈએ અથવા તો લોકસભા ને રાજ્યસભાની સબઑર્ડિનેટ લેજિસ્લેશન અંગેની કમિટી પાસે સરકારે એક્સટેન્શન માગવું જોઈએ. આ કાયદાના નિયમો ઘડી કાઢવા વર્ષ ૨૦૨૦થી ગૃહ ખાતુ કમિટી પાસે સમયાંતરે એક્સટેન્શન લઈ રહ્યું છે.
સંપૂર્ણ પ્રક્રિયા ઑનલાઈન હોવાને કારણે અરજકર્તાઓની સગવડ માટે ગૃહ ખાતાએ પોર્ટલ તૈયાર કર્યું છે. કોઈપણ પ્રવાસી દસ્તાવેજ વિના ક્યા વરસે તે ભારતમાં દાખલ થયો હતો તેની અરજકર્તાએ જાણકારી આપવાની રહેશે.
અરજકર્તા પાસે કોઈ દસ્તાવેજ માગવામાં નહીં આવે, એમ અધિકારીઓએ કહ્યું હતું. ૨૭ ડિસેમ્બર ૨૦૨૩ના કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે સીએએનો અમલ કોઈ અટકાવી નહીં શકે કેમ કે એ દેશનો કાયદો છે. કાયદાને લઈને લોકોને ગેરમાર્ગે દોરવાનો પણ અમિત શાહે પ. બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી પર આક્ષેપ કર્યો હતો.
કોલકાતામાં પક્ષની બેઠકને સંબોધન કરતાં અમિત શાહે કહ્યું હતું કે સીએએનો અમલ કરવા ભાજપ પ્રતિબદ્ધ છે. મમતા બેનરજીના વડપણ હેઠળની ટીએમસી આરંભથી જ સીએએનો વિરોધ કરી રહી હોવાનું તેમણે કહ્યું હતું.
વિવાદાસ્પદ સીએએનો અમલ કરવાનું વચન એ લોકસભા કે પ. બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનો ચૂંટણી એજન્ડા નહોતો, એમ તેમણે કહ્યું હતું. ભાજપના નેતાઓ સીએએના મુદ્દાને પ. બંગાળમાં ભાજપના ઉદયનું પરિબળ માને છે.
દરમિયાન, છેલ્લાં બે વર્ષમાં ૩૦ કરતા પણ વધુ જિલ્લા મેજિસ્ટ્રેટ, નવ રાજ્યના ગૃહ સચિવને પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાનથી સ્થળાંતર કરીને આવેલા બિનમુસ્લિમ લોકોને સિટિઝનશિપ ઍક્ટ ૧૯૫૫ અંતર્ગત ભારતનું નાગરિકત્વ આપવાની સત્તા આપવામાં આવી છે.
વર્ષ ૨૦૨૧-૨૨ના ગૃહ ખાતાના અહેવાલ મુજબ પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાનથી સ્થળાંતર કરીને આવેલા બિનમુસ્લિમોમાંથી ૧,૪૧૪ લોકોને પહેલી એપ્રિલ ૨૦૨૧થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ દરમિયાન ભારતનું નાગરિકત્વ આપવામાં આવ્યું હતું.
Taboola Feed