માથેરાનવાસીઓને જોઈએ ઓપ્શનલ રૂટ, વર્ષોથી સ્થાનિકો વેઠી રહ્યા છે ત્રાસ…
માથેરાન એ મુંબઈ નજીક આવેલું સસ્તુ સસ્તું અને રમણીય હિલ સ્ટેશન છે. પરંતુ માથેરાન આવવા-જવા માટે એક જ રૂટ છે અને એ રૂટ પર જ લોકોએ આધાર રાખવો પડે છે. જેને કારણે માથેરાનવાસીઓ વર્ષોથી પર્યાયી માર્ગની માગણી કરી રહ્યા છે અને એ માટે અનેક વખત રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવ્યું છે. જેની અસર અહીંના પર્યટન પર જોવા મળે છે. માથેરાન આવવા-જવા માટે બીજો પર્યાયી માર્ગ ઉપલબ્ધ થઈ શકે અને એ માટે પ્રશાસને યોગ્ય ઉપાય યોજના કરવાની જરૂર છે એવો મત સ્થાનિકો દ્વારા વ્યક્ત કરાઈ રહ્યો છે.
કર્જત-ભૂતવલી માર્ગે માથેરાન પહોંચવા માટે રોપ-વે જેવો એકાદ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ લાંબા સમયથી પ્રલંબિત છે. એ સમયે તત્કાલિન મુખ્ય પ્રધાન છગન ભૂજબળે તેમની માથેરાન મુલાકાત દરમિયાન, રોપ-વે પ્રકલ્પ શરૂ કરવામાં આવશે એવું આશ્વાસન નાગરિકોને આપ્યું હતું. પરંતુ પર્યાવરણવાદીઓની કેટલીક શરતોને કારણે આ પ્રોજેક્ટ લંબાઈ ગયો છે.
પનવેલ-ધોદાણી માર્ગે માથેરાનનો એમએમઆરડીએની મદદથી થનારો ફિનિક્યુલર રેલવેના પ્રોજેક્ટનો પણ વોટબેંકના પોલિટિક્ને કારણે તાલુકાના વિધાનસભ્ય દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પરિણામે આ પ્રોજેક્ટ પણ ફાઈલોમાં ધૂળ ખાઈ રહ્યો છે.
26મી જુલાઈના મુંબઈમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને કારણે માથેરાનના ઘાટવાળા રસ્તા પર ભેખડો ધસી પડીને આ રૂટ બંધ થઈ ગયો હતો. ટોય ટ્રેનના ટ્રેક પણ વહી ગયા હોવાને કારણે બે વર્ષ સુધી આ ટોયટ્રેન સેવા બંધ રાખવામાં આવી હતી. એ સમયે માથેરાનવાસીઓનો દુનિયા સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો.
નેરળ-માથેરાન એક જ રૂટ હોવાને કારણે સ્થાનિકોએ ઘણી વખત હેરાન થવાનો વારો આવે છે. જેને કારણે અમારા હકનો બીજો રૂટ અમને પ્રશાસને બનાવી જ આપવો પડશે એવી માગણી સ્થાનિકો દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહી છે.
માથેરાનને જો પર્યાયી માર્ગ મળશે તો એનો સૌથી મોટો ફાયદો પર્યટનને જ થવાનો છે. આજે પણ માથેરાનના આશરે પચ્ચીસ હજાર લોકો માથેરાન અને ટુરિઝમ પર જ આજીવિકા રળી રહ્યા છે. જો માથેરાનને બીજો રૂટ મળશે તો પર્યટનને ગતિ મળશે અને સ્થાનિકોની આજીવિકામાં પણ વૃદ્ધિ જોવા મળશે, એવો વિશ્વાસવ્યક્ત કરાઈ રહ્યો છે.