સતત બીજા વર્ષે Oscarમાં રાજામૌલીની ‘RRR’નો જલવો રહ્યો કાયમ
એસએસ રાજામૌલીની ફિલ્મ RRR સાલ 2022માં રજૂ થઇ હતી, જેમાં જુનિયર એનટીઆર અને રામચરણ મુખ્ય ભૂમિકામાં નજરે આવ્યા હતા. આ ફિલ્મને દર્શકોએ ભરપૂર પ્રેમ આપ્યો હતો અને સુંડલેને સુંડલે વધાવી લીધી હતી. RRRનો જલવો ગયા વર્ષે Oscarમાં પણ જોવા મળ્યો હતો, જ્યારે ફિલ્મના ગીત ‘નાટુ-નાટુ’ને બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે આ વર્ષે પણ Oscar એવોર્ડમાં RRRનો જલવો કાયમ રહ્યો હતો અને ફિલ્મના એક્શન સીનને દેખાડવામાં આવ્યો હતો.
‘RRR મૂવીઝે’ X (અગાઉ ટ્વિટર) પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઓસ્કાર એવોર્ડ્સમાં વિશ્વભરના સિનેમાના સૌથી મહાન સ્ટન્ટ્સ અને એક્શન સીન વચ્ચે સમારંભ દરમિયાન જુનિયર એનટીઆર અને રામ ચરણના RRRનું એક દ્રશ્ય પણ બતાવવામાં આવ્યું હતું. આને શેર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, “ખુશી છે કે એકેડમીએ RRR ફિલ્મની એક્શન સિક્વન્સને વિશ્વ સિનેમાની શ્રેષ્ઠ સ્ટંટ સિક્વન્સનો એક ભાગ બનાવી અને તેને શ્રદ્ધાંજલિ આપી.”
આ સાથે ફિલ્મનું ગીત ‘નાટુ-નાટુ’ પણ ફરી એકવાર ઓસ્કાર એવોર્ડમાં રજૂ કરવામાં આવ્યું હતું. એવોર્ડ શોમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ પ્રેઝન્ટેશન દરમિયાન, ગીતના દ્રશ્યો મોટી સ્ક્રીન પર બતાવવામાં આવ્યા હતા. RRR મૂવીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ X પર તેનો વીડિયો પણ શેર કર્યો છે. આ સાથે તેણે લખ્યું છે કે, ‘ઓસ્કારના સ્ટેજ પર ફરી એકવાર નટુ-નટુ.’ આ ગીત સ્ક્રીન પર એક નહીં પરંતુ બે વખત વગાડવામાં આવ્યું હતું.
ઑસ્કર એવોર્ડ 2024ની વાત કરીએ તો આ વખતે ઑસ્કારમાં ક્રિસ્ટોફર નોલાનની ઓપનહાઇમરે બાજી મારી લીધી છે. આ ફિલ્મને 13 કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું, જેમાંથી ઓપનહાઇમરે એલગ અલગ કેટેગરીમાં સાત એવોર્ડ જીતી લીધા હતા.