પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર દીકરી બનશે દેશની ‘ફર્સ્ટ લેડી’
‘ફર્સ્ટ લેડી’નું નામ આવે એટલે જ આપણા મગજમાં એક વિચાર આવે કે તેઓ રાષ્ટ્રપતિના પત્ની છે અને આ વિચાર ખોટો પણ નથી કારણ કે સામાન્ય રીતે રાષ્ટ્રપતિના પત્નીને જ દેશના ‘ફર્સ્ટ લેડી’ ગણાવાય છે, પણ પાકિસ્તાનમાં આ સામાન્ય નિયમમાં ફેરફાર થયો છે. હવે આ પદ રાષ્ટ્રપતિની પુત્રીને આપવામાં આવી રહ્યું છે. દેશના નવનિયુક્ત રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ઔપચારિક રીતે તેમની પુત્રી આસિફા ભુટ્ટો ઝરદારીને દેશની પ્રથમ મહિલા તરીકે માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના પત્ની બેનઝીર ભૂટ્ટો ઝરદારીની 27 ડિસેમ્બર, 2007ના રોજ રાવલપિંડી ખાતે બિલાલ નામના 15 વર્ષના આત્મઘાતી બોમ્બર દ્વારા હત્યા કરવામાં આવી હતી.
પાક્સ્તાનના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ વાર છે કે દેશના રાષ્ટ્રપતિએ પ્રથમ મહિલા પદ માટે પોતાની પુત્રીના નામની જાહેરાત કરવાનો નિર્ણય લીધો હોય. ઝરદારીના આ નિર્ણયને કારણે તેમની પુત્રી આસિફા ‘ફર્સ્ટ લેડી’ના પ્રતિષ્ઠિત પદ પર પહોંચી ગયા છે. આસિફા ભુટ્ટો ઝરદારીને ‘ફર્સ્ટ લેડી’ મુજબ પ્રોટોકોલ અને વિશેષાધિકારો આપવામાં આવશે.
રવિવારે, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના સહ-અધ્યક્ષ આસિફ ઝરદારીએ પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. લશ્કરી વડાઓને બાદ કરતા ઝરદારી એકમાત્ર નાગરિક ઉમેદવાર છે જેઓ બીજી વખત દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. આ પહેલા તેઓ 2008 થી 2013 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ રહ્યા હતા.
ઝરદારીએ શનિવારે તેમના હરીફ અને પશ્તુનખા મિલ્લી અવામી પાર્ટી (PKMAP)ના વડા મહમૂદ ખાન અચકઝાઈને હરાવવા માટે 411 ચૂંટણી મત મેળવ્યા હતા, જેઓ માત્ર 181 મત મેળવી શક્યા હતા.