ઈલેક્ટોરલ બોન્ડ મામલે SBIને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો, કાલે સાંજ સુધીમાં આપવો પડશે બધો ડેટા

મુંબઇઃ ઈલેક્ટોરલ બોન્ડની માહિતી આપવામાં SBIના વિલંબ પર સુપ્રીમ કોર્ટ નારાજ છે. સુપ્રીમ કોર્ટે આજે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને તેના આદેશનું પાલન ન કરવા અને 6 માર્ચ સુધીમાં ઈલેક્ટોરલ બોન્ડ ડોનરની વિગતો ઈન્ડિયા ઈલેક્શન કમિશન (EC)ને જાહેર ન કરવા બદલ ફટકાર લગાવી હતી.
12 એપ્રિલ, 2019 થી તમામ ઇલેક્ટોરલ બોન્ડની ખરીદીની વિગતો ઇસીને આપવા માટે સમયમર્યાદા વધારવાની માંગ કરતી ધિરાણકર્તા SBIની અરજી પર કોર્ટમાં સુનાવણી હતી. SBI વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ ઈલેક્ટોરલ બોન્ડ વિશે માહિતી આપવા માટે વધુ સમય માંગ્યો હતો. સુનાવણી દરમિયાન સાલ્વેએ કહ્યું હતું કે કોર્ટે એસબીઆઈને બોન્ડની ખરીદી અંગે માહિતી આપવાનો નિર્દેશ આપ્યો છે. પરંતુ મામલો એટલો ગુપ્ત છે કે આ પ્રક્રિયામાં ઘણો સમય લાગશે. સાલ્વેની દલીલ બાદ સર્વોચ્ચ અદાલતે બેંકની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું હતું કે, અગાઉ આ મામલે અમે 15 ફેબ્રુઆરીએ સુનાવણી કરી હતી અને તમને વિગતો જાહેર કરવા નિર્દેશ આપી દીધો હતો. હવે આપણે 11 માર્ચે મળ્યાં છીએ. આ દરમિયાન 26 દિવસ વીતી ગયા છે. એસબીઆઈ દ્વારા અમારા નિર્દેશો પર શું કાર્યવાહી કરવામાં આવી તે જવાબ આપશો? ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ કહ્યું હતું કે, “જ્યારે તમે આ રીતે વધુ સમય માગવા માટે આવો છો ત્યારે તે ગંભીર બાબત છે. અમારો ચુકાદો સ્પષ્ટ હતો.” સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, “એસબીઆઈએ ફક્ત સીલબંધ કવર ખોલવાનું છે. એની વિગતો એકત્રિત કરવાની છે અને ચૂંટણી પંચને માહિતી આપવાની છે.”
હરીશ સાલ્વેએ દલીલ કરી હતી કે આ મામલે અમે કોઇ ભૂલ કરવા નથી માગતા. ઉતાવળે આંકડા જાહેર કરવામાં ભૂલ થશે તો દેશભરમાં હોબાળો મચી જશે, જે અમે ટાળવા માગીએ છીએ. જેના જવાબમાં જસ્ટિસ ખન્નાએ જણાવ્યું હતું કે, તમારી પાસે કેવાયસી છે, તમે દેશની નંબર 1 બેન્ક છો. તમે તેને મેનેજ કરી લેશો તેવી અમને આશા છે.
ઈલેક્ટોરલ બોન્ડ મામલે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં કોર્ટે કહ્યું હતું કે મોટી રકમના ડોનેશનને છુપાવવા એ ગેરબંધારણીય છે. સરકારને પૈસા ક્યાંથી મળે છે એ જાણવાનો પણ સૌને અધિકાર છે. કોર્ટે બેંકને 24 કલાકનો સમય આપ્યો છે અને ઈલેક્ટોરલ બોન્ડની બધી માહિતી આપવા જણાવ્યું છે.
ઈલેક્ટોરલ બોન્ડ મામલે જે 5 જજોની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે, જેમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ છે.