આજથી ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, 15.20 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, હેલ્પલાઈન નંબર જાહેર
ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે, જે 26 માર્ચ સુધી ચાલશે. આ વર્ષે ધોરણ 10માં ગુજરાત બોર્ડની પરીક્ષા માટે 9.20 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે, જેમાં 1.65 લાખ રિપીટર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 12મા કોમર્સ પ્રવાહમાં 4.90 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, જેમાં 75 હજાર રિપીટ થયેલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેવી જ રીતે 12મા સાયન્સની પરીક્ષા માટે 1.30 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ વખતે કુલ 130 કેદીઓ માટે ચાર જેલોમાં બોર્ડ પરીક્ષા કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે, જેમાં ધોરણ 10માં 73 કેદીઓ અને ધોરણ 12માં 57 કેદીઓનો સમાવેશ થાય છે.
બોર્ડની પરીક્ષાના પેપર રાજ્યના તમામ જિલ્લાના સ્ટ્રોંગ રુમ સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. છબરડા વિના પરીક્ષા કરાવવા માટે પોલીસકર્મીની તૈનાત કરવામાં આવી છે. તમામ કેન્દ્રો પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે અને સ્ટ્રોન્ગ રુમની દેખરેખમાં બોર્ડ પરીક્ષાઓ આયોજીત થશે.
ગુજરાત બોર્ડની 10માં ધોરણની પરીક્ષાનો સમય સવારે 10.00 વાગ્યાથી બપોરના 1.15 વાગ્યા સુધી રહેશે. 12માં ધોરણ કોમર્સ સ્ટ્રીમની પરીક્ષાનો સવારે અને બપોરે અલગ અલગ સમયે લેવામાં આવશે. જેમાં સવારનો સમય 10.30 વાગ્યાથી 1.45 વાગ્યા અને બપોરનો સમય 3.00થી 6.15 સુધીનો રહેશે. આવી જ રીતે સાયન્સ સ્ટ્રીમ ધોરણ 12ની પરીક્ષાનો ટાઈમ 11 માર્ચથી શરુ થશે જે 22 માર્ચ સુધી રહેશે. તેનો સમય બપોરે 3.00 વાગ્યાથી સાંજના 6.30 સુધી રહેશે. જો કોઈ વિદ્યાર્થી ટ્રાફિક જામમાં ફસાઈ જાય તો, હેલ્પલાઈન નંબર 1095 પર મદદ લઈ શકશે.
વિદ્યાર્થીઓ સાનુકૂળ વ્યવસ્થા વચ્ચે પરીક્ષા આપે તે માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી દીધી છે. અમદાવાદ ગ્રામ્યમાં વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા મળે તેનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ વિદ્યાર્થીઓને અફવાઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.
ગેરરીતિ અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ 10માં 84 ઝોનમાં 981 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થી પરીક્ષા આપશે. તથા ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 વિદ્યાર્થી પરીક્ષા આપશે. 56 ઝોનમાં 663 કેન્દ્રો પર પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે.