ધર્મતેજ

અક્ષરબ્રહ્મ: પરમાત્માને પામવાનો સેતુ

ગીતા મહિમા – સારંગપ્રીત

ગત અંકમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની સમજ આપીને હવે ભગવાન કૃષ્ણ અક્ષરબ્રહ્મનો મહિમા કહે છે તે જાણીએ.
ભગવાન શ્રીકૃષ્ણ તત્ત્વની વાત કરતા
કહે છે –

“ज्ञेयं यत्तत्प्रवक्ष्यामि यज्जात्वामृतमश्रुते ।
अनादिमत्परं बह्म न सत्तन्नासदुच्यते
॥ 13 / 12॥


હવે જે જાણવા યોગ્ય તત્ત્વ છે તે વિશે તને કહું છું, જેનો સાક્ષાત્કાર કરીને મનુષ્ય અમૃતત્ત્વને પામે છે. જે અનાદિ છે, હું જેનાથી પર છું અને જે મારા પારાયણ છે, તે અક્ષર બ્રહ્મ છે. તે અક્ષરબ્રહ્મ સ્થૂળ કાર્ય નથી કે સૂક્ષ્મ પ્રકૃતિપ કારણ પણ નથી. પરંતુ તત્ત્વત: તે બન્નેથી ભિન્ન છે.
ભારતીય દર્શનશાસ્ત્રને આધારે આપણે આત્મા-પરમાત્મા કે બ્રહ્મ- પરબ્રહ્મ જેવા શબ્દોથી સુપેરે પરિચિત છીએ. અને કદાચ અધ્યાત્મમાં ચિ હોય તો તે વિશે થોડી જાણકારી પણ રાખીએ છીએ. પરંતુ આત્મા-પરમાત્મા અને બ્રહ્મ- પરબ્રહ્મની શબ્દજોડને આપણે ઘણી વખત સરખી સમજી લઈએ છીએ. સાથે સાથે આત્મા અને બ્રહ્મને પણ એક સરખાં સમજી લઈએ છીએ, જે વસ્તુત: સરખાં નથી.
પહેલાં તો તત્ત્વ' એટલે શું? તે સમજી લઈએ. તત્ત્વ એટલે આ સમગ્ર સૃષ્ટિમાં જે કંઈ છે, ગોચર કે અગોચર, જડ કે ચેતન, એ સર્વે અંતે તો મૂળભૂત પાંચ સ્વરૂપમાં વિભાજિત થાય છે - જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ મૂળભૂત પાંચ સ્વરૂપો, જે અનાદિ છે. અહીં શ્લોકમાં ભગવાનજાણવા યોગ્ય તત્ત્વ’ એટલે કે જીવ, ઈશ્વર અને માયાથી પર એવા અક્ષરબ્રહ્મ' તત્ત્વની વાત કરે છે. જે અનાદિ છે અને જીવ કે ઈશ્વર તેને અનુસરી, પ્રસન્ન કરી, તદ્ભાવને પામી મોક્ષને પામે છે. એટલેકે બ્રહ્મત્વને પામે છે. આ અનાદિ અક્ષરબ્રહ્મનું સામર્થ્ય અકલ્પનીય છે. ભગવાન શ્રીકૃષ્ણ તેનું આગળના શ્લોકોમાં અદ્ભુત વર્ણન કરે છે. આ અક્ષરબ્રહ્મ ચિદાકાશ રૂપે સર્વત્ર વ્યાપીને રહેલું છે. સર્વત્ર છે, બધું સાંભળી શકે છે. જીવ-પ્રાણી માત્રની અંદર અને બહાર સર્વત્ર વ્યાપક છે. સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ અને વિરાટથી પણ વિરાટ એવું તેમનું સ્વરૂપ છે. તેઓ સર્વેની ઉત્પત્તિ, પાલન અને પ્રલયનું કારણ છે. સૂર્ય-ચંદ્ર તેમના પ્રકાશથી પ્રકાશિત છે. તે જ્ઞાનસ્વરૂપ છે અને જ્ઞાનથી જાણી શકાય તેવું છે. સૌના પ્રાણ છે. આવા અદ્ભુત સામર્થ્ય ધરાવતા હોવાથી આ અક્ષરબ્રહ્મને જ કેટલાંક પરબ્રહ્મ સમજી બેસે છે. અને એટલે જ ભગવાન શ્રીકૃષ્ણમત્પરમ’ શબ્દથી, પોતે આવા સમર્થ અક્ષરબ્રહ્મથી પણ પર છે તેમ જણાવે છે. પરમાત્માનું સામર્થ્ય તો અનંત છે, અવર્ણનીય છે. અતિ સામર્થ્યવાન અક્ષરબ્રહ્મ પણ તેમને આધીન રહીને કાર્ય કરે છે. આમ પરબ્રહ્મ અને અક્ષરબ્રહ્મ, એ બંને તત્ત્વો એક બીજાથી નોખાં છે.
મુંડક ઉપનિષદ પણ આ અક્ષરબ્રહ્મનો મહિમા ગાતાં કહે છે કે આપણાં સર્વની આગળ આ અમૃતમય અવિનાશી અક્ષરબ્રહ્મ છે. પાછળ અક્ષરબ્રહ્મ છે. દક્ષિણે અને ઉત્તરે પણ અક્ષરબ્રહ્મ છે. ઉપર અને નીચે બધે જ અક્ષરબ્રહ્મ છે… આ અક્ષરબ્રહ્મ તો આપણા સૌના પ્રાણ છે આપણું મન છે. ભગવાન સ્વામીનારાયણ પણ વચનામૃતમાં આ અક્ષરબ્રહ્મને જગતના આધારપ કહે છે.
માનો કે તમારે ન્યૂયોર્ક જવું છે. તમે ન્યુયોર્ક વિશેની સંપૂર્ણ માહિતી પણ તમારી પાસે છે. પણ જો તમને ત્યાં કેવી રીતે અને કયા રસ્તે પહોંચાય તે વિશે જાણકારી નથી તો ન્યૂયોર્ક વિશે માહિતી હોવાં છતાં તમે ત્યાં પહોંચી નથી શકવાના. તેમ માનો કે આપણે પરમાત્માને વિશે સંપૂર્ણ જરૂરી જ્ઞાન ધરાવીએ છીએ, પણ જો તેને કેવી રીતે પામી શકાય તે અંગેનું જ્ઞાન નથી ધરાવતા તો પરમાત્માને પામવાના પ્રયત્નોમાં અંતે તો ગોથાં ખાવાનો વારો જ આવે છે. અને એટલે જ ભગવાન શ્રીકૃષ્ણ અહીં જાણવા યોગ્ય તત્ત્વ એટલે કે બ્રહ્મ' ની સચોટ ઓળખાણ આપી સમજાવે છે કે બ્રહ્મ તત્ત્વ આત્મા અને પરમાત્મા, એ બન્નેથી ભિન્ન તત્ત્વ છે. આત્માથી ઉચ્ચ અને પરમાત્માથી નિમ્ન એવાં આ તત્ત્વને જાણવું જરૂરી છે, કારણ આ તત્ત્વ આત્મા અને પરમાત્મા વચ્ચેની કડીરૂપ છે. આત્માને પરમાત્મા સુધી પહોંચાડવા સેતુરૂપ કાર્ય કરે છે. પરમાત્માને પામવાનો માર્ગ છે. આપણી ભારતભૂમિ શંકરાચાર્ય, નિમ્બકાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય જેવાં આચાર્યોની પ્રજ્ઞાથી રસાયેલી, કેળવાયેલી અને ઉપકૃત છે. જેમના દ્વારા અપાયેલાં દર્શનશાસ્ત્રે અગોચર વિશ્વ અને આત્મા પરમાત્માનું જ્ઞાન સામાન્ય લોકો સમક્ષ ખુલ્લું મૂક્યું. તેમાં આગળ સ્વામીનારાયણ ભગવાનેઅક્ષરપુષોત્તમ દર્શન’ પ્રસ્તુત કરી માયાથી પર એવા અક્ષરબ્રહ્મ અને અક્ષરબ્રહ્મથી પણ પર એવાં પરબ્રહ્મ – એ બે તત્ત્વોની સમજણ આધ્યાત્મજગતને આપી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button