વિપુલ ચૌધરીનું વિવાદાસ્પદ નિવેદન, ‘પાટીદાર સમાજમાં ફક્ત રૂપિયાને જ મહત્વ’, પટેલોમાં જબરદસ્ત રોષ
મહેસાણા: ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ લોકસભા ચૂંટણી પહેલા પાટીદારો પર એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મહેસાણામાં મહેસાણામાં અર્બુદા ભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં પૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરી દ્વારા પાટીદાર સંસ્થાઓને લઈ વિવાદિત નિવેદન કરાતા પાટીદારોમાં રોષ ફેલાયો છે. મહેસાણાના અર્બુદા ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે, કડવા પાટીદાર- લેઉવા પાટીદાર સમાજ એટલો બધો વેપારી થઈ ગયો છે અને એટલા બધા કરોડોપતિ થઈ ગયા છે કે, એમની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોઈ એસટીમાં જાય એવો કોઈ કાર્યકર એમની કારોબારીમાં રહ્યો નથી. ત્યાં ફક્તને ફક્ત રૂપિયાનું મહત્વ છે, સેવાનું મહત્વ ઘટતું જતું હોય તેવું દેખાઈ રહ્યું છે. વિપુલ ચૌધરીના આ નિવેદનને લઈ હાલ તો પાટીદારોમાં રોષ ફાટી નીકળ્યો છે અને વિપુલ ચૌધરી માફી માગે તેવી માગ કરવામાં આવી રહી છે.
વિપુલ ચૌધરીએ વધમાં જણાવ્યું કે, કડવા અને લેઉવા પાટીદાર વેપારી થઈ ગયા છે. કોઈ પાટીદારો આજે પશુ પાલન કરતા કે ઘરમાં ગાય-ભેંસ રાખતા જોવા નહી મળે. પશુપાલન કરતાં પાટીદારને સગપણ કરવું હોય તો વેવાઈ શોધવો પણ મુશ્કેલ થઈ ગયું છે. એસટી બસમાં જતા કોઈ કાર્યકરને પાટીદાર સમાજની સંસ્થાઓની કારોબારીમાં સ્થાન પણ આપવામાં આવતું નથી.
વિપુલ ચૌધરીએ તેમના સંગઠનનું નામ પણ બદલ્યું છે તેમણે જાહેરાત કરી હતી કે, અર્બુદા સેના હવે અર્બુદા સેવા સમિતિ તરીકે કામ કરશે. અમે ગુજરાતના 11 જિલ્લાના 50 તાલુકાના 1253 ગામોમાં ઘરદીઠ સભ્ય નોંધવાનો પ્રયાસ કરીશું. સવા લાખ સભ્યોની નોંધણી કરવાનો અમારો લક્ષ્યાંક છે. તેમણે લોકોને સંબોધતા કહ્યું કે આપણે શરૂઆત દેશના પાટનગરથી કરીશું, દેશના પાટનગર સુધી પહોંચીશું. પ્રજાનો મત ભૂતકાળ કરતા વધુ ભાજપ જોડે છે તેથી અર્બુદા સેવા સમિતિ સરકારને પૂરે પૂરૂ સમર્થન આપશે.