ધર્મતેજ

ચારણ કવયિત્રી પુનમતિઆઈ: નારીશક્તિની પરિચાયક દુહાકવિતા

ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની

ભારતીય કવયિત્રી પરંપરામાં વેદની ૠચાઓના ગાનથી કે ઉપનિષ્ાદકાલીન ગાર્ગી, મૈત્રેયીથી માંડીને આજ સુધી અનેક ઉજળાં ઉદાહરણો ઉપલબ્ધ છે. ઊંડી કોઠાસૂઝ, ગૌરવપૂર્ણ અને ગરિમાપૂર્ણ વિવેકી વ્યકિતમત્તા અને હૃદયસ્પર્શી-ભાવવાહી કવિતાને કારણે આ કવયિત્રીનાં સ્થાન અને માન વિશ્વસાહિત્યનાં મહિલા સર્જકો સાથે તુલનાવવા જેવાં છે, એથી આપણાં આ નારીરત્નો વિશ્વનારી રત્નોમાં પણ આગવાં સ્થાન-માન પાપ્ત કરશે.
ચારણી સાહિત્યમાં કેટલાક દુહાઓ અને રચનાઓ ચારણી સાહિત્યની અનોખી ઉપલબ્ધિ છે. અહીં પુનમતિઆઈનાં નામ છાપના દુહાઓને આધારે એમના ચરિત્રની રેખાઓ દોરીને નારી શક્તિની સર્જનાત્મક અને કોઠાસૂઝ દર્શાવવાનો ઉપક્રમ છે.
મહિલા દુહાગીર-દુહા રચયિતાની એક મોટી પરંપરા છે. ચારણી આઈ પરંપરામાં આઈ પુના કે પુનમતિઆઈ નામથી સુખ્યાત ચારણ સન્નારીના રચેલા દુહા-ગીત પરંપરામાં આજે પણ જીવંત છે. દુહાનો અર્થ હોય એ એક વિગત થઈ, પણ દુહાની સાથે એનો એક વિશિષ્ટ સંદર્ભ જોડાયેલો હોય છે. દુહાની રચના પાછળનું પરિબળ-પરિસ્થિતિ સંદર્ભ જાણવાથી, દુહાના સર્જનની પશ્ચાદ્ભૂ જાણવાથી, દુહાનો મર્મ ખરા અર્થમાં પમાય છે.
મૂળ બરડામાં પણ પશુપાલનાર્થે ગીરના જાંબુર નેસમાં આવીને સ્થિર થયેલાં પુનમતિઆઈ અને તેનો પતિ આલસુર બન્ને આનંદથી પભુભજન, અતિથિ સત્કાર અને પશુપાલનમાં ક્રિયાશીલ રહીને સમય પસાર કરતા. એમાં શીતળારોગની મહામારીમાં આલસુરની ભેંસુંનું ખાડું અટવાયું અને મરણને શરણ થયું. આખી જિંદગી દૂધ-દહીં-છાસ રોટલો ખાઈને-ખવરાવીને જેમણે વર્ષ્ાો ગુજારેલ છે એને દૂધ માગવાનો વારો આવ્યો. આથી પતિ આલસુર ખિન્ન રહ્યા કરે. શૂન્યમનસ્ક થઈ જાય. પત્ની આઈ પુનમતિબાઈએ પતિની મન:સ્થિતિ જાણીને કહ્યું કે, તમે દેવીપુત્ર-ચારણ છો, સોંડરા આહીરને ત્યાં લગ્નપસંગ છે. તમે ત્યાં જઈને તમને એક દુહો આપું છું, તમે આ દુહો ડાયરામાં કહેજો એટલે તમને દાનમાં ભેંસુંનું ખાડું અવશ્ય મળશે.
તુ રાખ્ય તો રિશે, ન તો રેણાત ઘર રેશે નહીં;
દુબળપણ દીસે, ચાંદર વિનાનું સોંડરા.
આખી જિંદગી પશુપાલનમાં, ઢોર-ઢાંખર ચારવામાં જ ગુજારી હોય દેવીપુત્ર-ચારણ કવિરાજનો સ્વાંગ સજીને નીકળવાનું માથે આવ્યું એટલે પત્નીનો બનાવી દીધેલો દુહો ભુલાઈ ન જાય એ હેતુથી સતત દુહાની રટણા કરતો, પાઠ કરીને ગોખતાં-ગોખતાં વાટ પકડી સોંડરાના ગામની. રસ્તે એક નેસમાં રાત્રિ રોકાવાનું થયું, ત્યાં પણ રાત્રે દુહો ગોખ્યા કરે. આલસુરનો દુહો યજમાન ચારણ પાલુએ સાંભળ્યો. પાલુને થયું કે આવો ચોટદાર દુહો સોંડરાને જઈને હું જ કહું એટલે મને જ દશોંદ દાન કે પસાવ પાપ્ત થાય.
આલસુર પહોંચે એ પહેલાં પાલુ ચારણ સોંડરાની ડેલીએ પહોંચી ગયો. કસુંબો કરી રહેલા ડાયરામાં પાલુએ દુહો મૂક્યો :
તુ રાખ્ય તો રિશે, ન તો રેણાત ઘર રેશે નહીં;
દુબળપણ દીસે, ચાંદર વિનાનું સોંડરા…..(1)
સોંડરો આહીર તો લગ્નપસંગે પોતાના નામને દિપાવતો-બિરદાવતો દુહો સાંભળીને હર્ષ્ામાં આવી જઈને એક્સો ભેંસનું ખાડું દાનમાં દીધું ને ચારણને આતિથ્ય કરવા ઉતારે મોકલ્યા. થોડીવારે આલસુરભા પધાર્યા અને આઈ પુનમતિબાઈએ રચી આપેલ દુહો કહ્યો.
ડાયરામાંથી કોઈએ કહ્યું કે ભા દુહો તો ભારે ચોટદાર છે પણ આજ આ બીજીવાર સાંભળ્યો. પણ ઘરે પસંગ છે એટલે આશા લઈને આવેલ ચારણને ખાલી હાથે કાંય મોકલાય? એવા ભાવથી સોંડરાએ એક્સો ગાડર-ઘેટાનું દાન જાહેર ર્ક્યું. ઘેટાનું વાઘ લઈને આલસૂરભા નેસમાં આવ્યો. ગાડર જોઈને આઈને પણ વિચાર થયો કે સોંડરો આહીર આવું દાન આપે નહીં. આલસુર પાસેથી વાતચીતમાંથી આઈ પુનાબાઈએ રાત્રિરોકાણની, પાલુની અને ડાયરાની વાત જાણી અને સમજી લીધું કે પોતાના રચેલા દુહાથી ખરું દાન તો કોઈ બીજો ચારણ એટલે કે પાલુભા લઈ ગયા.
પછી તો આઈ પુનાબાઈ પોતે આલસુરની સાથે સોંડરા આહીરને ઘેર ગયા. ડેલીએ ડાયરાએ આઈને પધારેલા જોઈને અહોભાવ વ્યક્ત ર્ક્યો. આઈનાં પગલાંને વધાવ્યાં. ત્યારે એ સમયે ડાયરા સમક્ષ્ા આઈએ કહેલા દુહા આજે પણ કંઠસ્થ પરંપરામાં જળવાયેલા સાંભળવા છે.
સો સો સાળવિયું, સો દોય સંતાપ;
મિયું વિના ખાટ, સોંડણશી છલકે નહીં…(ર)
એક્સો જેટલા સાળા-ગાડદર-ઘેંટાં છે, પણ એ એક્સોને દોહવાથી સંતાપ થાય છે. હે સોંડરાજી-ભેંસ વગર દૂધનું માટલું છલકાય નહીં એ હકીક્ત છે.
તું મળતે મળ્યાં, સગા દિ સેલો થયો;
ઠરિયું ઠેબાના, ચારેય આંખ્યું સોંડરા…(3)
હે સોંડરા આહીર તું જયારથી મળ્યો છે અને સગો સ્નેહી થયો છે ત્યારથી અમારી આ ચારેય આંખ્યું ઠરી છે.
છાજા મહિલો છોડ, વધીને વાગડ થિયો;
કાંપો ન વાળે કોય, શેય લણેવા સોંડરા…(4)
તારી સાથેના સ્નેહરૂપી સંબંધનો છોડવો હવે વગડાઉ વૃક્ષ્ા જેમ ફૂલ્યો ને ફાલ્યો છે. હે સોંડરાજી એને કાપો વાળીને કોઈ પણ લણી લઈ શકે તેમ નથી.
કળુળ પડિયો કાળ, આકાશી રોજી ઉતરી;
ધીંગી અમણી ઢાલ, ચારેય હાંસે સોંડરા…(પ)
કઠણ દુષ્કાળ પડયો, અંકાશી રોજી ઉપર સમય પસાર કરવાનું બન્યું છે. અમારી ઢાલ તો ભારે ધીંગી છે અને અમને ખાતરી છે કે સોંડરાના ચારેય હાથ અમારી ઉપર સ્નેહરૂપે વરસે છે.
ઘર ઘરના દીવા ઘણાં, કુળનો દીવો કોય;
ઊગે અજવાળું હોય, સૂરજ દેવાંશી સોંડરા…(6)
દરેક માણસ પોતાના ઘરનો તો દીપક હોય પણ એ દીપકમાંથી કુળદીપક તો કોક જ બને. જેમના ઉગવાથી અજવાળું પથરાઈ જતું હોય એવા દેવાંશી-સોંડરા આહીર તું અમારે સૂરજ સમાન છે.
આઈના મુખેથી આવી ઉત્તમ દુહા રચનાઓ એક પછી એક સાંભળીને ડેલીનો ડાયરો સ્તબ્ધ થઈ ગયો. હોકા, કસુંબા એને ઠેકાણે પડયા રહ્યા. સોંડરો આહીર ભક્તિથી, પૂરા આદરથી પરિસ્થિતિને પામી ગયા અને આઈને કહ્યું : આઈ, આ નવચંદરી ભેંસુંના ખાડામાંથી જેટલા ઉપર હાથ મૂકો એ તમારી. પૂનમતિઆઈએ માત્ર દશ જ ભેંસો ઉપર હાથ મૂક્યો. સોંડરાએ પુન: આઈને ખૂબ વિનવ્યા ત્યારે માંડ એક વધારાની ભેંસ ઉપર હાથ મૂકીને અગિયાર ભેંસું હાંકીને પોતાને નેસ પધાર્યા અને આખી જિંદગી હરિસ્મરણમાં અને આતિથ્ય સત્કારમાં રત રહ્યાં.
પૂનાદે આઈનો એક બીજો વધારાનો દુહો પણ કંઠસ્થ પરંપરામાં મળે છે. સોંડરો આહીર આઈને પાદર સુધી વળાવવા આવ્યા. પાદરની નદીમાં ઊગેલા છૈયાને સંબોધીને વિદાય લેતી વખતે પણ સોંડરાને એક વધારાનો દુહો કહેલો :
આ વખતે આહીર, રવરવતે રાખત નહીં;
તો વણપાણીએ વીર, છૈયો ઊગી જાત સોંડરા…(7)
હે સોંડરા આહીર આ વખતે તે અમારી સામે ઉદારતાથી ન જોયું હોત તો સતત રડીને વગર પાણીએ ઊગી જનારા છૈયા જેવી અમારી હાલત થઈ હોત એ હકીક્ત છે. પુનમતિઆઈ ચારણના સાત દુહા એના વળોટ, વિષ્ાય અને બંધારણને કારણે દુહાના અભ્યાસના ઉદાહરણમાં પણ પયોજાતા રહે છે. એની સાથે સંકળાયેલી ચરિત્રમૂલક વિગતોના સંદર્ભોમાં આ દુહાને અવલોકીએ ત્યારે એને આ સંદર્ભ એક જીવંત-ચૈતન્યસભર પરિમાણ બક્ષ્ો છે. નારીશક્તિ, ચિત્તનો – ઊંડી સૂઝનો પરિચય કરાવતા દુહા એક નિરક્ષ્ાર ચારણ આઈના ઉમદા અને ઓજસ્વી વ્યક્તિત્વના પણ દ્યોતક છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button