સંસારને સહન કરે, આંતરશત્રુનું દહન કરે તે સાધુ!
વિશેષ – રાજેશ યાજ્ઞિક
શ્રીમદ્ ભાગવતમાં ભગવાન, અર્જુનને કહે છે,
પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ ,
ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે
ભગવાન શા માટે આ પૃથ્વી પર વારંવાર અવતરે છે? જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનો દુષ્પ્રભાવ વધે છે ત્યારે ત્યારે ભગવાન, સાધુઓના રક્ષણ માટે અને દુષ્ટોના વિનાશ માટે આ પૃથ્વી પર અવતાર લે છે. આપણે ત્યાં ઋષિ, મુનિ, સાધુ, સન્યાસી, તપસ્વી, યોગી, સંત અને મહાત્મા, જેવા અનેક વિશેષણો વપરાય છે. દરેકનો કોઈ ને કોઈ ભાવાર્થ છે, જે સમજવાની જરૂર છે. તો સાધુ એટલે કોણ? જેમણે ભગવા વસ્ત્રો પહેરી લીધા છે, સંસારનો ત્યાગ કર્યો છે, માત્ર આત્મ સાધનામાં લીન રહે અને પોતાનો મોક્ષ સાધી લે એ સાધુ? જી ના, કેમકે ભગવાને જે અવતારો લીધા તેમાં આ વ્યાખ્યાને બંધબેસે તેમનું જ રક્ષણ નથી કર્યું. પણ પૃથ્વીથી લઈને ભક્તો સુધીનું રક્ષણ કર્યું છે. સાધુ શબ્દના અનેક અર્થ છે. સાધુનો અર્થ છે, જે વ્યક્તિ સાધના કરે છે તેને સાધુ કહેવાય છે. અચ્છા, અહીં નોંધવા જેવી વાત એ કે સાધના એટલે માત્ર ધર્મ સાધના નહિ. તેઓ સમાજથી દૂર, એકાંતમાં અથવા ક્યારેક સમાજમાં જ રહેતા અને અમુક વિષય પર ધ્યાન કરતા અને તે વિષયમાં ચોક્કસ જ્ઞાન પ્રાપ્ત કરતા. વિષય અથવા તેના આધ્યાત્મિક અભ્યાસમાં તેમની નિપુણતાના કારણે તેમને સાધુ કહેવામાં આવતા હતા. આધુનિક સમયમાં, “સાધુ” પણ એક પ્રતીકાત્મક શબ્દ છે જેનો ઉપયોગ સારા અને ખરાબ લોકો વચ્ચે તફાવત કરવા માટે થાય છે. સામાન્ય ભાષામાં, “સાધ” નો અર્થ છે સીધો અને દુષ્ટતાથી મુક્ત. સંસ્કૃતમાં સાધુ શબ્દનો અર્થ સજ્જન છે. લગુ સિદ્ધાંત કૌમુદીમાં લખ્યું છે – “સાધનોતિ પરાકાર્યમિતિ સાધુ”, એટલે કે જે બીજા માટે કામ કરે છે તે સંત છે. સાધુ માટે પણ કહેવામાં આવ્યું છે, “આત્મદશા સાધે”, એટલે કે જેઓ સાંસારિક સ્થિતિથી મુક્ત છે અને આત્મદશા કેળવે છે તેને સાધુ કહેવામાં આવે છે. સાધુનો અર્થ પણ સારો એવો થાય છે. જે વ્યક્તિએ પોતાના છ અવગુણો – વાસના, ક્રોધ, લોભ, અભિમાન, આસક્તિ અને ઈર્ષ્યાનો ત્યાગ કર્યો હોય તેને સાધુ કહેવાય છે. નાટ્યશાસ્ત્ર અધ્યાય 27 અનુસાર સાધુ શબ્દ ઉદ્ગારવાચક તરીકે “ઉત્તમ”ના સંદર્ભમાં પણ વપરાય છે, જ્યારે કોઈના કથન અથવા વર્તનને વાચા દ્વારા બિરદાવું હોય ત્યારે પણ “સાધુ, સાધુ!” બોલાય છે. તેનો અર્થ આપણે એ પણ કરી શકીએ કે ગુણની ઉત્તમતાને પ્રાપ્ત વ્યક્તિને પણ આપણે સાધુ કહી શકીએ, ભલે તે સંસારી ત્યાગી સન્યાસી ન હોય.
શ્રીમદ્ ભાગવતમાં કપિલ મુનિએ માતા દેવહૂતિને સાધુના લક્ષણો વર્ણવ્યા છે,
તિતિક્ષવ: કાણીકા: સુહૃદ: સર્વદેહિનામ્
અજાતશત્રવ: શાન્તા: સાધવ: સાધુભૂષણા:
સાધુના લક્ષણ શું છે એ ધ્યાન આપવા જેવી વાત છે. પહેલું સૂત્ર તિતિક્ષવ: છે.
સાધુ તિતિક્ષાવાન હોવા જોઈએ. સહન કરનાર. કોઈ તમને ગમે તેટલો ત્રાસ આપે, સહન કરો. પણ તેનો અર્થ એ નથી કે ડરને કારણે સહન કરો. એમ નહીં, પરંતુ તમારી પાસે લડવાની સંપૂર્ણ શક્તિ હોય તો પણ પીડા સહન કરો, તો સાધુ.
કોઈ તમને ગાળો આપે છે અને તમે તેના કરતા નબળા છો એટલે તમે ચૂપચાપ સહન કરો છો તો તે સાધુતા નથી. જો તમારી પાસે પ્રતિકાર કરવાની શક્તિ છે, છતાં તમે તેને સહન કરો છો, તો તમે સાધુ છો.
બીજું લક્ષણ છે કારુણીકા:
જેની અંદરથી કરુણા હોય. અને કરુણા કેવી હોવી જોઈએ? સર્વદેહિનામ્ . તમામ જીવો પ્રત્યે. એવું નહીં કે કોઈ ગાયની પૂજા કરે અને ઘરમાં કૂતરું આવે તો લાકડી ફટકારે . ગાયની ખૂબ કાળજી છે અને કૂતરા પ્રત્યે આટલી દુશ્મનાવટ?. ના, સર્વદેહિનામ્. બધા જીવો માટે કરુણા રાખે.
અજાતશત્રવ:
ત્રીજી વાત એ કે જેને કોઈ દુશ્મન ન હોય. પરંતુ આજકાલ દરેકને દુશ્મનો હોય છે, તેથી જ ઘણા સાધુઓને બોડીગાર્ડ રાખવા પડે છે. સાધુઓને પણ દુશ્મનો હોય છે. પણ જે કોઈને પોતાનો દુશ્મન નથી માનતો તે અજાતશત્રુ છે.
વધુ એક લક્ષણ કહ્યું. શાન્તા:
જે શાંત હોય. સાધુ વ્યક્તિ જો ઉદ્વિગ્ન હોય તો સાધનામાં તેનું મન કેવી રીતે ચોંટે? જો અધ્યાત્મના ક્ષેત્રમાં હોય તો શાંત ચિત્ત વિના અધ્યાત્મના ગહન અર્થ ન સમજાય. કોઈના વાણી કે વર્તનથી વિક્ષિપ્ત થવાને બદલે જેનું ચિત્ત શાંત રહે તે જ સાધુ.
ત્યાર બાદ કહ્યું સાધવ:
સાધવ: એટલે ‘સાધનોતિ પર કાર્યમ’
જે બીજાનું કામ કરે છે. જે તમારા સુખ-દુ:ખમાં મદદ કરે તેને કહે સાધુ. જે તમારી ઉદાસીનતાને દૂર કરે છે, તે સાધુ છે.
જે સેવાભાવી છે. જે પરોપકાર માટે પોતાનું જીવન બલિદાન આપે છે. રામચરિત માનસમાં તુલસીદાસ કહે છે,
પર ઉપકાર બચન મન કાયા
સંત સહજ સુભાઉ ખગરાયા
જે વિચારો, વાણી અને કર્મ દ્વારા સારું કરે છે તે સાધુ છે. આવા સંતને સંત તુલસીએ વંદન કર્યા છે. જે પોતે દુ:ખી હોવા છતાં બીજાને ખુશ કરે છે. તે જ તો સાધુ છે.
આ લક્ષણો સાધુના ભૂષણ છે એમ કપિલ મુનિએ માતા દેવહુતિને કહ્યું. હે સાધ્વી ! એવા સર્વસંગ પરિત્યાગી મહાપુરુષો જ સાધુ છે . તમારે ફક્ત તેમના સંગની ઇચ્છા રાખવી જોઈએ. કારણ કે તેઓ જ આસક્તિથી ઉત્પન્ન થતાં દોષોને હરિ લે છે. ઉ