ઠાકરે જૂથને ફટકોઃ રવિન્દ્ર વાયકર આખરે શિંદેની શિવસેનામાં!
મુંબઈ: લોકસભાની ચૂંટણીને લઈ મહારાષ્ટ્ર સહિત દેશના રાજકારણમાં ગરમાવો છે, જેમાં કોંગ્રેસમાંથી ભાજપ અને ભાજપમાંથી કોંગ્રેસમાં જવાનું ચાલુ છે. મહારાષ્ટ્રમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના રડાર પર રહેલા ઠાકરે જૂથના વિધાનસભ્ય રવિન્દ્ર વાયકર આજે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના પાર્ટીમાં જોડાયા હતા. રવિન્દ્ર વાયકર મુંબઈના જોગેશ્વરી પૂર્વ વિધાનસભા મતવિસ્તારના વિધાનસભ્ય છે.
રવિન્દ્ર વાયકર પર જોગેશ્વરીમાં અનામત જમીન પર પરવાનગી લીધા વિના ગેરકાયદે હોટેલ બનાવવાનો આરોપ છે. લોકસભાની ચૂંટણીમાં વાયકરનો શિંદે જૂથમાં પ્રવેશ ઠાકરે માટે આંચકો છે. ઠાકરે જૂથે પણ વારંવાર દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક દિવસોમાં રવિન્દ્ર વાયકર પર પક્ષ બદલવાનું ઘણું દબાણ છે.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેદાન માટે આરક્ષિત ૮,૦૦૦ ચોરસ મીટરના પ્લોટ પર ફાઈવ સ્ટાર હોટેલના ગેરકાયદે બાંધકામના સંબંધમાં શિવસેના ઉદ્ધવ જૂથના વિધાનસભ્ય રવિન્દ્ર વાયકરની તપાસ ઇડી દ્વારા ચાલી રહી છે. રવિન્દ્ર વાયકરને છેતરપિંડી કરીને ફાઇવ સ્ટાર હોટલ બનાવવાના કેસમાં ધરપકડનો ડર હતો. તેમણે લાગણી વ્યક્ત કરી હતી કે મેં કોઈ ખોટું કામ કર્યું નથી પરંતુ તેમ છતાં રાજકીય કારણોસર મારી તપાસ થઈ રહી છે.
વાયકર એ મૂંઝવણમાં હતાં કે જેલમાં જવું કે શિંદે જૂથમાં જોડાવું? આવી લાગણી તેમણે કેટલાક પદાધિકારીઓ સમક્ષ વ્યક્ત કરી હોવાનું કહેવાય છે. પરંતુ આ દરમિયાન, તેમનું મન શિવસેના શિંદે જૂથની તરફેણમાં આવ્યું હોવાથી અહેવાલ છે કે તમે આ વાંચતા હશો ત્યાં સુધીમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં વર્ષા નિવાસસ્થાનમાં તેમનો સત્તાવાર પ્રવેશ છે.
અમારા સાથી શિવસેનાના નેતા ધારાસભ્ય રવિન્દ્ર વાયકર છેલ્લા કેટલાક દિવસોથી ઇડીની તપાસને કારણે ભારે દબાણ હેઠળ હતા. આગામી થોડા દિવસોમાં શિવસેના છોડી દો, અથવા જેલમાં જાવ એવી ધમકી આપવામાં આવી રહી હતી. આ આતંકવાદ છે. આ પ્રકારનું રાજકારણ પહેલા ક્યારેય થયું નથી’ એમ સાંસદ સંજય રાઉતે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું.