નેશનલ

બે તૃતીયાંશ બહુમતી આપો બદલી નાખીશું બંધારણ’, ભાજપના સાંસદ અનંત હેગડેના નિવેદનથી વિવાદ

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Elections 2024)ને લઈને ભાજપના નેતાઓનો આત્મવિશ્વાસ બુલંદ છે, ભાજપના કેટલાક નેતાઓ વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. જેમ કે ભાજપના સાંસદ અનંત કુમાર હેગડેએ મોટું નિવેદન આપ્યું છે કે તેમણે કહ્યું કે “જો ભાજપ બે તૃતિયાંશ બેઠકો સાથે સત્તામાં આવશે તો બંધારણમાં કેટલાક મોટા ફેરફારો કરશે.” હવે તેમના આ નિવેદનને લઈને સમગ્ર દેશમાં ભાજપની જોરદાર ટીકા થઈ રહી છે. અનંત કુમારે કહ્યું છે કે બંધારણમાં સુધારો કરવા અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી વિકૃતિઓને સુધારવા માટે ભાજપને સંસદના બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતની જરૂર છે. મહત્વની બાબત તો એ છે કે અનંત હેગડે અગાઉ પણ બંધારણીય સુધારા અંગે નિવેદન આપી ચૂક્યા છે.

અનંત કુમાર હેગડેને ભાજપના મજબૂત નેતા માનવામાં આવે છે અને કર્ણાટકમાંથી છ વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. તેમણે કહ્યું કે જો બંધારણમાં ફેરફાર કરવા હોય તો તેના માટે પાર્ટીને 20થી વધુ રાજ્યોમાં સત્તા પર આવવું પડશે.

કોંગ્રેસ પર બંધારણને વિકૃત કરવાનો આરોપ

એક રેલીને સંબોધતા સાંસદ અનંત કુમાર હેગડેએ કહ્યું કે કોંગ્રેસે મૂળભૂત રીતે બંધારણને વિકૃત કર્યું છે. ખાસ કરીને એવા કાયદા કે જેનો હેતુ હિંદુ સમાજને દબાવવાનો છે. જો કે આ બધું બદલી શકીએ તેટલી અમારી પાસે બહુમતી નથી. જો તમે આગામી લોકસભા ચૂંટણીમાં અમને બે તૃતિયાંશ બહુમતી આપો તો અમે તેને બદલી નાખીશું. અનંતકુમાર હેગડેએ લોકસભાની ચૂંટણીને લઈને કહ્યું કે જો રાજ્યસભામાં કોંગ્રેસની સંખ્યા વધે તો ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કોઈ પણ બંધારણીય સુધારા સંસદમાં પાસ થશે નહીં.

આ વખતે 400ને પાર શા માટે?

અનંત કુમારે કહ્યું કે આ વખતે 400ને પાર શા માટે? ભાજપનું આ ગણિત સમજાવતા તેમણે કહ્યું કે લોકસભામાં અમારી પાસે બે તૃતીયાંશ બહુમતી છે, પરંતુ રાજ્યસભામાં અમારી પાસે નથી. અમારી પાસે ત્યાં પૂરતી બહુમતી નથી. હેગડેએ કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવાથી NDAને રાજ્યસભામાં સમાન બહુમતી મેળવવામાં અને બે તૃતિયાંશ રાજ્યોમાં સત્તા પર આવવામાં મદદ મળશે. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં કર્ણાટકમાં કોંગ્રેસે ત્રણ બેઠકો જીતી હતી. જ્યારે ભાજપને માત્ર એક બેઠક મળી હતી. એનડીએના બે ધારાસભ્યોએ તો તેમના ઉમેદવાર વિરુદ્ધ ક્રોસ વોટિંગ પણ કર્યું હતું.

આ ઉપરાંત અનંત કુમારે CAAના અમલને લઈને પણ કહ્યું છે કે હવે સરકાર તેને એક સુધારા દ્વારા લાગુ કરવાની યોજના બનાવી રહી છે. નહીં તો કાયદો અને વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની જશે અને દેશવિરોધીઓ બેકાબુ બની જશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button