હિમાચલના બળવાખોર ધારાસભ્યો પહોંચ્યા સુપ્રીમમાં, ગેરલાયક ઠરાવવાના અધ્યક્ષના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભાજપની તરફેણમાં મતદાન કરનારા કોંગ્રેસના 6 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. કોંગ્રેસના આ બળવાખોર ધારાસભ્યોએ ગેરલાયક ઠરાવવાના વિધાનસભાના સ્પિકરના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સર્વોચ્ચ અદાવક આ કેસની સુનાવણી આગામી 12 માર્ચે કરશે. તમામ બળવાખોર ધારાસભ્યો ઉત્તરાખંડના ઋષિકેશ સ્થિત એક હોટલમાં પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ હોટલમાં કુલ 9 ધારાસભ્યો હાજર છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ આરોપ લગાવ્યો છે કે ભાજપ બળવાખોર ધારાસભ્યોને ગાઈડ કરી રહી છે.
સ્પીકરે ગેરલાયક ઠેરવ્યા
કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો રાજીન્દર રાણા, ઈન્દર દત્ત લખનપાલ, સુધીર શર્મા, દેવિન્દર કુમાર ભુટ્ટુ, રવિન્દ્ર ઠાકુર અને ચૈતન્ય શર્માએ પાર્ટી વ્હીપનું ઉલ્લંઘન કરીને ભાજપની તરફેણમાં મતદાન કર્યું હતું. સ્પીકરે તેમની સામે કાર્યવાહી કરી અને તેમને ગેરલાયક ઠેરવ્યા હતા. આ મામલે તમામ ધારાસભ્યો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ ધારાસભ્યોની સાથે ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ હાજર છે. તેમની સાથે અપક્ષ ધારાસભ્યો હોશિયાર સિંહ, કેએલ ઠાકુર અને આશિ શર્મા પણ હાજર છે.
મુખ્યમંત્રી સુખુનો ભાજપ પર આરોપ
મુખ્યમંત્રી સુખુએ બળવાખોર ધારાસભ્યો પર પ્રહાર કર્યા છે. સીએમ સુખુએ કહ્યું કે બળવાખોર ધારાસભ્યોએ પાર્ટી અને તેમના વિસ્તારના લોકોનો વિશ્વાસ તોડ્યો છે. આ ધારાસભ્યોએ અંતરાત્માનો અવાજ સાંભળ્યો નથી. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે આ બળવાખોર ધારાસભ્યો માટે ચાર્ટર્ડ પ્લેન મોકલ્યું છે. આ ધારાસભ્યોને ઋષિકેશની એક ફાઈવ સ્ટાર હોટલમાં રાખવામાં આવ્યા છે, ભાજપ કાવતરું રચી રહ્યું છે. હિમાચલમાં હાલની સ્થિતિની વાત કરીએ તો કોંગ્રેસના 34 અને ભાજપના 25 ધારાસભ્યો છે.