ઈડીની કાર્યવાહી પછી રોહિત પવારે અજિત પવાર પર તાક્યું નિશાન, કરી મોટી ટીકા
મુંબઈઃ ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ ‘બારામતી એગ્રો લિમિટેડ’ની માલિકીની ફેક્ટરી ‘કન્નડ સહકારી કારખાના લિ.’ની ૧૬૧.૩૦ એકર જમીન, પ્લાન્ટ, મશીનરી અને બિલ્ડિંગ વગેરે જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી.
ઇડીની કાર્યવાહી બાદ રોહિત પવારે કહ્યું હતું કે મેં ઇડી દ્વારા મારી કંપની પર લેવામાં આવેલી કાર્યવાહી વિશેનું ટ્વીટ વાંચ્યું અને વિચાર્યું કે શું મારે હવે ભાજપમાં જોડાવું જોઈએ?.પણ ભાજપે યાદ રાખવું જોઈએ કે ઝૂકનારા અને રડનારાઓ ગયા, હવે માત્ર લડવૈયાઓ જ રહ્યા છે અને અમે અંત સુધી લડીશું અને જીતીશું!
મારા જેવા સ્વાભિમાની મરાઠી માણસને ઘૂંટણિયે લાવવાનું સપનું જોનારાઓએ તો સ્વપ્ન જ જોવું રહ્યું! આ કાર્યવાહી પરથી એ પણ જોવા મળે છે કે આગામી બે-ત્રણ દિવસમાં આચારસંહિતા લાગુ થઈ જશે.
રોહિત પવારે અજિત પવારને સંબોધીને આગળ કહ્યું હતું કે પણ શું તમારામાં એ કહેવાની હિંમત છે કે તમે કયા ‘સંઘર્ષ’ અને ‘ધરણા’ દ્વારા સામ્રાજ્યનું ‘સિંચન’ કર્યું છે? આજે તમને અને તમારા નવા મિત્રને મારી સામેની કાર્યવાહીથી ગલીપચી થઈ શકે છે, પરંતુ લોકસભાની ચૂંટણીમાં જનતા તમારી ભૂલો બતાવવામાં નિષ્ફળ નહીં જાય. તમને જોઈએ તે મંત્રીપદ અને ટિકિટ માટે સો વાર દિલ્હી જશો, પરંતુ મહારાષ્ટ્રના મુદ્દાઓ પર તમે ક્યારેય દિલ્હીમાં અવાજ ઉઠાવ્યો નથી.
ઇડીએ કહ્યું હતું કે આ સંપત્તિની કુલ રકમ ૫૦.૨૦ કરોડ છે. આરોપ છે કે રોહિત પવારની બારામતી એગ્રો અને અન્ય કંપનીઓએ શંકાસ્પદ વ્યવહારોમાં મિલીભગત કરી અને હરાજી દ્વારા ખોટ કરતી સાકરની ફેક્ટરીઓ ખરીદી કન્નડ કોઓપરેટિવ સુગર ફેક્ટરીને રોહિત પવારની બારામતી એગ્રો કંપનીએ રૂ. ૫૦ કરોડમાં ખરીદી હતી. હવે ઇડી એ પણ તપાસ કરી રહી છે કે કન્નડ કોઓપરેટિવ સુગર ફેક્ટરી ખરીદવા માટે બારામતી એગ્રો પાસે પૈસા ક્યાંથી આવ્યા?