સ્પોર્ટસ

રિષભ પંતના ચાહકો માટે બૅડ ન્યૂઝ

નવી દિલ્હી: વિકેટકીપર-બૅટર રિષભ પંતને ડિસેમ્બર 2022માં એટલો ભયંકર કાર અકસ્માત નડ્યો કે તે 16 મહિના થઈ જવા છતાં હજી પૂરેપૂરો ફિટ નથી થઈ શક્યો.

બે મહિના પહેલાં એવી આશા હતી કે તે માર્ચ, 2024ની આઇપીએલમાં રમશે, પરંતુ હજી તેને બેન્ગલૂરુમાં બીસીસીઆઇની જે નૅશનલ ઍકેડેમી છે એમાંથી ક્લિયરન્સ ન મળ્યું હોવાથી તેનું નામ બાવીસમી માર્ચે શરૂ થનારી આઇપીએલ માટેની દિલ્હી કૅપિટલ્સની સ્ક્વૉડમાં નથી સમાવવામાં આવ્યું.

પંતને ઍક્સિડન્ટમાં અનેક જગ્યાએ ઈજા થઈ હતી. ખાસ કરીને તેણે ઘૂંટણમાં સર્જરી કરાવવી પડી હતી અને ઘણા મહિનાઓ પછી કાખઘોડીની મદદથી ચાલતો થયો હતો. જોકે ઍકેડેમીના નિષ્ણાતો કહે છે કે પંત હજી મૅચ-રેડી નથી થઈ શક્યો. પંત વિકેટકીપર છે અને ઘૂંટણમાં સર્જરી કરાવી હોવાથી કમબૅક બાદ શરૂઆતમાં તે થોડો સમય વિકેટકીપિંગ નહીં કરી શકે એવું મનાય છે.

પંત 2022 સુધી દિલ્હી કૅપિટલ્સનો કૅપ્ટન હતો. તેને આ વખતે મુખ્ય સ્ક્વૉડમાં સામેલ નથી કરવામાં આવ્યો, પરંતુ એક્સ્ટ્રા-પ્લેયર તરીકે તેનું નામ લિસ્ટમાં ઉમેરવા દિલ્હી કૅપિટલ્સનું મૅનેજમેન્ટ બીસીસીઆઇને વિનંતી કરી શકશે.

હજી થોડા જ દિવસ પહેલાં દિલ્હી કૅપિટલ્સના ડિરેકટર સૌરવ ગાંગુલીએ જાહેર કર્યું હતું કે પંત 2024ની આઇપીએલ રમશે, પણ વિકેટકીપિંગ નહીં કરે. ટીમના માલિક પાર્થ જિંદાલે તો પંતને કૅપ્ટન તરીકે પણ જાહેર કરી દીધો હતો. એવી પણ ધારણા હતી કે તેને માત્ર ‘ઇમ્પૅક્ટ પ્લેયર’ તરીકે રમાડવામાં આવશે. જોકે હવે તો ઍકેડેમીનો સંદેશ જોતાં લાગે છે કે પંત 2023ની જેમ કદાચ ફરી આખી આઇપીએલ ગુમાવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button