ઝૂંપડપટ્ટી પુનઃવિકાસ: આવતીકાલથી ઘાટકોપરમાં સર્વેક્ષણનો થશે આરંભ
મુંબઈ: ઘાટકોપરમાં રમાબાઈ આંબેડકર નગર ઝૂંપડપટ્ટી વિસ્તારનો પુનઃવિકાસ કરવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા પરિસરનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે વિસ્તારમાં રહેતા નાગરિકો ત્યાંના મૂળ રહેવાસી છે કે નહીં એ બાબતની પણ માહિતી આ સર્વેમાં સામેલ કરવામાં આવશે. આ સર્વેની શરુઆત આવતીકાલથી કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
એમએમઆરડીએ દ્વારા ઈસ્ટર્ન ફ્રી-વેના ઘાટકોપરથી થાણે આ માર્ગનો વિસ્તાર કરવા માટે રમાબાઈ આંબેડકર નગરની ઝૂંપડપટ્ટી માર્ગમાં અડચણ નિર્માણ કરી રહી છે, જેને લીધે આ ઝૂંપડપટ્ટીનો પુનઃવિકાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રમાબાઈ આંબેડકર નગરમાં 16,575 જેટલા ઝૂંપડા હોવાનું એમએમઆરડીએના સર્વેમાં જણાવાયું હતું.
એમએમઆરડીએ એસઆરએ સાથે મળીને ઝૂંપડપટ્ટીના પુનઃવિકાસનું કામ હાથ ધરવાની સાથે ત્યાંના નાગરિકોનું પુનર્વસન પણ કરવામાં આવશે. એક અધિકારીએ માહિતી આપી હતી કે આ પુનઃવિકાસનું કામ શરૂ કરવા માટે દરેક ઝૂંપડાનો સર્વે, ત્યાંના રહેવાસીઓની પાત્રતા નિશ્ચિત કરવાની સાથે દરેક ઝૂંપડાઓને ખાલી કરવા અને લોકોને ઘર આપવાની જવાબદારી એમએમઆરડીએની છે. પાંચમી માર્ચે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં એમએમઆરડીએ અને એસઆરએ વચ્ચે કરાર કરવામાં આવશે.
ઘાટકોપર ખાતે આવેલા આ ઝૂંપડાઓના સર્વેનું કામ શરૂ થશે. 2016માં કરવામાં આવેલા સર્વેમાં અહીંના ઝૂંપડાઓના સર્વેક્ષણકરી દરેક લોકોનું બાયોમેટ્રિક્સ કરવામાં આવ્યું હતું અને હવે છેલ્લા આઠ વર્ષમાં ઝૂંપડાઓના ખરીદી વેચાણ પર પણ એક યાદી તૈયાર કરવામાં આવવાની છે. આ સર્વે એકથી દોઢ મહિનામાં પૂર્ણ થઈ જશે એવી માહિતી એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી.