Israel-Biden: “નેતન્યાહૂનું વલણ ઇઝરાયેલને નુકસાન પહોંચાડી રહ્યું છે”, જો બાઈડેનનું નિવેદન
વોશિંગ્ટન: ઇઝરાયલે ગાઝા પર હુમલો કર્યા બાદથી અમેરિકા સતત ઈઝરાયલના પક્ષે રહ્યું છે. યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેન(Joe Biden) પણ સતત ઇઝરાયલ(Israel) તરફી વલણ દાખવી રહ્યા હતા. પરંતુ હવે બાઈડેને પહેલીવાર ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ નિવેદન આપ્યું છે. બાઈડેને શનિવારે એક ઈન્ટરવ્યું દરમિયાન જણાવ્યું હતું કે ગાઝામાં યુદ્ધ માટે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો અભિગમ ઇઝરાયેલને મદદ કરવાને બદલે ઇઝરાયેલને વધુ નુકસાન પહોંચાડી રહ્યું છે.
બાઈડેન હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન, તેમણે કહ્યું, નેતન્યાહૂને ઇઝરાયલની રક્ષા કરવાનો અધિકાર છે…પરંતુ તેમણે જે પગલાં લીધા છે તેના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે, જેના પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. એક રેડ લાઈન હોવી હોઈએ. જોકે હું ક્યારેય ઇઝરાયલનો સાથ નહીં છોડું. ઇઝરાયેલ રક્ષણ પણ મહત્વનું છે.
ઇઝરાયલના સતત હુમલાને કારણે ગાઝામાં 30 હજારથી વધુ પેલેસ્ટીનિયન નાગરિકોના મોત થયા છે, જેમાં મોટાભાગે બાળકો અને સ્ત્રીઓનો સમાવેશ થાય છે. ઇઝરાયલની ઘેરાબંધીને કારણે ગાઝામાં ગંભીર માનવીય સંકટ ઉભું થયું છે. સતત હુમલાઓને કારણે ગાઝાના સામાન્ય લોકો સુધી આંતરરાષ્ટ્રીય મદદ પણ પહોંચી નથી રહી.
આવી સ્થિતિમાં નેતન્યાહૂની આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા થઈ રહી છે. હવે અમેરિકન રાષ્ટ્રપતિએ પણ ઈઝરાયેલના વડાપ્રધાનની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે.