ઉત્સવ

ડોક્યુ-સિરીઝ ઉકેલી રહી છે એક જૂનાં કૌભાંડની ક્રાઈમ કુંડળી

ત્રિકોણનો ચોથો ખૂણો – વિક્રમ વકીલ

હર્ષદ મહેતાના શેરબજાર કૌભાંડ પરથી બનેલી વેબસિરીઝ અને ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યા પછી સ્ટેમ્પ પેપર કૌભાંડ અથવા તો તેલગી કૌભાંડ તરીકે ઓળખાતા કેસ પરથી પણ વેબસિરીઝ બની. તેલગીના કૌભાંડ પરની વેબસિરીઝ બન્યા પહેલાં ઘણાને તેલગીના આ કૌભાંડ વિશે કદાચ પૂરી જાણકારી નહોતી.

બનાવટી સ્ટેમ્પ પેપરો છાપીને અબજો રૂપિયાનું કૌભાંડ આચરનારાના મુખ્ય પાત્ર તરીકે અબ્દુલ કરીમ તેલગી હતો. 2001ના વર્ષમાં આ કૌભાંડ બહાર પડ્યું પછી આખા દેશમાં ઊહાપોહ મચી ગયો હતો. વર્ષ 2017ના જેલવાસ દરમિયાન જ તેલગીનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું. નવાઈની વાત એ છે કે 2008માં નાસિકની સેશન્સ કોર્ટે અબ્દુલ તેલગી અને બીજા છને કોઈ યોગ્ય કે પૂરતા પુરાવા ન હોવાથી નિર્દોષ જાહેર કર્યા હતા.

કર્ણાટકના ખાનપુર ખાતે જન્મેલા તેલગીના પિતા ભારતીય રેલવેમાં નોકરી કરતા હતા. પૈસાની તંગીને કારણે નાનપણમાં તેલગી શાકભાજી અને ફળો વેચતો હતો. જો કે એણે ત્યાર પછી બીકોમની ડિગ્રી પણ મેળવી હતી. મુંબઈ આવ્યા પછી એણે બનાવટી પાસપોર્ટ બનાવવાનું કામ પણ થોડા સમય સુધી કર્યું. સાઉદી આરબ જઈને ત્યાં એણે ટ્રાવેલ એજન્સી ખોલી હતી અને ત્યાં પણ એણે નાના-મોટા ફ્રોડ કર્યા હતા. ત્યાર પછી મુંબઈ આવીને પણ એ સુધર્યો નહીં અને છેતરપિંડીના ગુનામાં પોલીસે એને જેલ ભેગો કર્યો. ત્યાં એની મુલાકાત રામરતન સોની સાથે થઈ હતી. રામરતન, સરકારી સ્ટેમ્પ પેપર વેચવાનું કામ કરતો હતો. એ જ ઘડીએ તેલગીના ફળદ્રુપ ભેજામાં એક મોટા કૌભાંડે આકાર લીધો હતો.

સામાન્ય રીતે રૂપિયાની બનાવટી નોટ છાપીને વેચવાનું કામ સહેલું નથી. કારણ એ છે કે રૂપિયાનું ચલણ ઘણા હાથોમાંથી પસાર થતું હોવાથી પકડાઈ જવાનો ડર વધુ હોય છે.

બીજી તરફ, દેશમાં દરરોજ વિવિધ કાયદાઓને લીધે કરોડો રૂપિયાના સ્ટેમ્પ પેપરોનું વેચાણ થાય છે. એકવાર સ્ટેમ્પ પેપરનો ઉપયોગ થઈ ગયા પછી વર્ષો સુધી એને કબાટમાંથી કાઢવાની જરૂર પડતી નથી.

આ વાત તેલગીએ બરાબર નોંધી લીધી અને સમજી ગયો કે બનાવટી સ્ટેમ્પ પેપર છાપીને વેચવામાં કોઈ ખાસ જોખમ નથી. સ્ટેમ્પ પેપર ઓરિજનલ છે કે નહીં એની પણ કોઈ તપાસ કરતું નથી. બનાવટી સ્ટેમ્પ પેપરની સાથે તેલગી કેટલાંક ઓરિજનલ સ્ટેમ્પ પેપર પણ રાખતો હતો.
1996ના વર્ષમાં તેલગીએ સ્ટેમ્પ પેપર છાપવા માટે પોતાનું પ્રેસ પણ ઊભું કર્યું હતું. ઓરિજનલ સ્ટેમ્પ પેપર નાશિક ખાતે છપાતા હતા. કાયદો એવો છે કે, ચલણી નોટો અને સ્ટેમ્પ પેપર છાપતી અને જૂની થઈ ગયેલી પ્રેસની મશીનરીને ફરીથી વેચવામાં નથી આવતી, પરંતુ એનો નાશ કરવામાં આવે છે. તેલગીએ કોઈપણ રીતે આ મશીનો અકબંધ ખરીદ્યા અને એના પર સ્ટેમ્પ પેપર છાપવાનું ચાલુ કર્યું.

નવેમ્બર 2001માં અજમેર ખાતેથી તેલગીની ધરપકડ થઈ. બેંગલૂરુ ખાતે એણે વેચેલા બોગસ સ્ટેમ્પ પેપર પકડાઈ જવાથી પગેરું તેલગી સુધી પહોંચ્યું હતું. છેવટે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો. કૌભાંડના પૈસાથી તેલગીએ દેશભરમાં 36 મિલકતો ખરીદી હતી. 18 જેટલાં શહેરોમાં એના 100 જેટલા બેંક એકાઉન્ટ હતા. મુંબઈના `ટોપાઝ’ નામના ડાન્સબારમાં જઈને એક જ રાતમાં ડાન્સબાળાઓ પર એણે 93 લાખ રૂપિયા ઉડાવ્યા હતા…!

આ આખા કૌભાંડની કિમત લગભગ રૂ. 30,000 કરોડ જેટલી હતી. બનાવટી સ્ટેમ્પ પેપર દેશભરમાં વેચવા માટે એણે માર્કેટિગનો મોટો સ્ટાફ પણ રાખ્યો હતો. 2006ના વર્ષમાં એને અને એના સાથીઓને 30 વર્ષની સજા થઈ હતી. તેલગીનો જ્યારે નાર્કો એનાલીસીસ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે રાષ્ટ્રીય કક્ષાના ખૂબ જ મોટા મહારાષ્ટ્રના રાજકારણી વતી પોતે કામ કરતો હોવાનું તેલગીએ કબૂલ કર્યું હતું. નવાઈની વાત એ છે કે આટલો મોટો પુરાવો હોવા છતા પેલા રાજકારણી હજી સુધી જેલની બહાર છે અને દિવસેને દિવસે વધુ શક્તિશાળી થતા જાય છે.

કેટલાકનું માનવું છે કે તેલગી પોતે સ્ટેમ્પ પેપર છાપતો હતો એ વાત ઉપજાવી કાઢેલી છે. ખરેખર તો નાશિકના પ્રેસમાંથી પેલા રાજકારણી મોટા પાયે સ્ટેમ્પ પેપરની ચોરીઓ કરાવીને તેલગી મારફતે દેશ આખામાં વેચતા હતા. સત્ય જે હોય તે, પરંતુ તેલગી વિશેની વેબ સિરીઝને કારણે જૂનું કૌભાંડ ફરીથી પ્રકાશમાં આવ્યું!

જાણો, આ માણસ શા માટે
300 કિલોમીટર વ્હિલચેર ચલાવીને મંદિરે ગયો…?
કોચીમાં રહેતા અમનગટ્ટુચેલીલે અકસ્માતમાં એનો એક પગ ગુમાવી દીધો હતો. બીજા પગે પરેલિસિસ છે. મોટાભાગનો એનો સમય વ્હિલચેર પર વીતે છે. પોતાના ગામથી દર્શન માટે સબરીમાલા મંદિર જવા માટે અમનગટ્ટુ છેલ્લા 10 દિવસથી વ્હિલચેર પર યાત્રા કરી રહ્યો છે. કોઈપણ હિસાબે એ સબરીમાલા મંદિર પહોંચવા માંગે છે. એને આશા છે કે મંદિર જઈને દર્શન કરવાથી એના ગામ મલ્લાપૂરમની મુસ્લિમ શિક્ષિકાની તમામ સમસ્યા દૂર થશે. પોતે ઘર વગરનો હતો ત્યારે આ શિક્ષિકાએ એને આશરો આપ્યો હતો. મજૂરીકામ કરતા અમનગટ્ટુને અકસ્માત થયો ત્યારે ત્રણ પુત્રી અને પુત્ર સહિતનુ એનુ કુટુંબ ભારે તકલીફમા મુકાઈ ગયું હતું.

સરકારી કોલેજનાં આસિસ્ટન્ટ પ્રોફેસર એમ. પી. સમિરાએ કેટલાક સ્વયં સેવકોની મદદથી અમનગટ્ટુને પાકુ મકાન બનાવી આપ્યું. અમનગટ્ટુ એટલે સમિરાને જ ભગવાન માને છે. સબરીમાલા મંદિર સુધીના લાંબા અંતરનો ડર અમનગટ્ટુને ડરાવતો નથી. મંદિરની તળેટી સુધી પહોંચ્યા પછી અમનગટ્ટુએ ડુંગર તો વ્હિલચેરની મદદ વગર ચઢવો પડશે, પરંતુ દિલમાં પૂરતી આસ્થા- આશા ને ઉમંગ હોવાથી એને આ પ્રવાસ વિકટ લાગતો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button