વોટ ફોર નોટ લાંચના વિશેષાધિકાર પર ન્યાય તંત્રનો હથોડો !
કવર સ્ટોરી – વિજય વ્યાસ
અગાઉ અપાયેલા હાસ્યાસ્પદ ચુકાદાને પલટાવીને તાજેતરમાં સર્વોચ્ચ કોર્ટે લોકશાહી અને બંધારણ બંનેની આબરુ બચાવી લીધી છે. હવે નોટ લઈને વોટ આપનારા સાંસદ ને વિધાનસભ્ય પર કેસ થઈ શકશે.
દેશભરમાં અત્યારે લોકસભાની ચૂંટણીને લગતી રાજકીય પ્રવૃત્તિઓનો ધમધમાટ ચોતરફ ચાલે છે તેથી સુપ્રીમ કોર્ટે આપેલા એક ઐતિહાસિક ચુકાદા તરફ લોકોનું બહુ ધ્યાન ગયું નથી ને ચર્ચા પણ ખાસ થઈ નથી.
દેશના ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની સાત જજની બંધારણીય બેંચે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે કે, કોઈ સાંસદ કે ધારાસભ્ય લાંચ લઈને સંસદ કે વિધાનસભામાં ભાષણ આપે કે મત આપે તો એ અપરાધ કહેવાય. `વોટ ફોર નોટ’ કરનારા સાંસદ કે ધારાસભ્ય સામે કોર્ટમાં ક્રિમિનલ કેસ થઈ શકે છે કેમ કે લાંચ લેવી એ સાંસદ કે ધારાસભ્યનો વિશેષાધિકાર નથી. લાંચ લેવી સંસદ કે વિધાનસભાઓના વિશેષાધિકારની વ્યાખ્યામાં સમાવિષ્ટ નથી.
આ ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે સાંસદો અને ધારાસભ્યોને વિશેષાધિકારના બહાને ગૃહમાં ભ્રષ્ટાચાર આચરવા અપાયેલો પરવાનો છિનવી લીધો છે. સાથે સાથે સુપ્રીમ કોર્ટે જ 1998માં આપેલા નરસિંહરાવ વર્સીસ સ્ટેટ (સીબીઆઈ) કેસના ચુકાદાને પણ બદલી નાંખ્યો છે. 1993માં નરસિંહરાવ દ્વારા પોતાની સરકાર બચાવવા માટે કેટલાક સાંસદોને લાંચ અપાઈ હતી. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચે એ વખતના કેસમાં ચુકાદો આપેલો કે, બંધારણની કલમ 105 (2) હેઠળ સાંસદો અને વિધાનસભ્યોને ગૃહમાં કરેલા કોઈ પણ કૃત્ય સામે કાનૂની રક્ષણ મળે છે તેથી લાંચ લેનારા સાંસદો સામે ક્રિમિનલ કેસ ના ચલાવી શકાય…
આ એકદમ હાસ્યાસ્પદ અને લોકશાહીની મજાક ઉડાવનારો ચુકાદો હતો, પણ સુપ્રીમ કોર્ટ નક્કી કરે તેની સામે કોઈ શું કરી શકે?સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ચુકાદો આપેલો તેથી તેની સામે અપીલ પણ કરી શકાય કેમ નહોતી. તેના કારણે આ કેસ બંધ થઈ ગયેલો.
સદનસીબે આ જ પ્રકારનો બીજો કેસ સીતા સોરેનનો આવતાં સુપ્રીમ કોર્ટને જૂના ચુકાદાની સમીક્ષાની તક મળી ગઈ. સીતા સોરેનનો કેસ બંધારણીય બેંચને સોંપાયેલો. બંધારણીય બેંચે સીતાના કેસમાં 1998ના હાસ્યાસ્પદ ચુકાદાને પલટાવીને લોકશાહી અને બંધારણ બંનેની આબરું બચાવી લીધી છે.
સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક ચુકાદાને સમજવા માટે થોડાક ઊંડાણમાં ઊતરીને નરસિંહરાવ વર્સીસ સ્ટેટ (સીબીઆઈ) કેસ સમજવો જરી છે. એ કેસમાં નરસિંહરાવ સરકાર સામે 1993માં લવાયેલી અવિશ્વાસની દરખાસ્તને લગતો હતો. લોકસભાની1991ની ચૂંટણીમાં 251બેઠક સાથે કૉંગ્રેસ સૌથી મોટો પક્ષ બન્યો,
પણ સ્પષ્ટ બહુમતી નહોતી તેથી અપક્ષો અને નાના નાના પક્ષોનો ટેકો લઈને કૉંગ્રેસે નરસિંહરાવના નેતૃત્વમાં સરકાર રચી હતી.
નરસિંહરાવ સરકારે સત્તામાં આવતાં જ આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવીને વિદેશી રોકાણકારો માટે ભારતના દરવાજા ખોલી દીધા હતા. ડાબેરી પક્ષો આ આર્થિક સુધારાની વિરુદ્ધ હતા. તેમને લાગતું હતું કે, આર્થિક સુધારા દ્વારા નરસિંહરાવ દેશને વેચી રહ્યા છે અને વિદેશીઓને હવાલે કરી રહ્યા છે તેથી આ સરકારને ઘરભેગી કરવી જોઈએ. આ માન્યતાના કારણે ડાબેરી પક્ષોએ નરસિંહરાવ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાનું નક્કી કર્યું અને સીપીએમના અજોય મુખરજીએ 26 જુલાઈ, 1993ના દિવસે નરસિંહરાવ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો.
નરસિંહરાવ પાસે એ વખતે 251 સાંસદો હતા. એ વખતે લોકસભામાં કુલ 528 સભ્યો હતા તેથી સરકાર બચાવવા માટે બીજા 13 વોટની જરૂર હતી. બધાંને લાગતું હતું કે, નરસિંહરાવ સરકાર ગબડી પડશે, પણ રાવ મોટા ખેલાડી સાબિત થયા. બે દિવસની ચર્ચા પછી 28 જુલાઈએ મતદાન થયું ત્યારે નરસિંહરાવ સરકારની તરફેણમાં 265 મત પડ્યા, જ્યારે વિરુદ્ધમાં 251 મત પડતાં નરસિંહરાવ સરકાર બચી ગઈ. શિબુ સોરેનની આગેવાનીમાં ઝારખંડ મુક્તિ મોરચા' (જેએમએમ) ના છ સાંસદઅને
જનતા દળ’ના ચાર સાંસદે નરસિંહરાવ સરકારની તરફેણમાં મતદાન કરીને સરકારને ઉગારી લીધેલી.
નરસિંહરાવની મુત્સદ્ીગીરીના ત્યારે બહુ વખાણ થયેલાં, પણ ત્રણ વર્ષ પછી બહાર આવ્યું કે, જેએમએમ'ના ચાર સાંસદે લાંચ લઈને રાવને ટેકો આપ્યો હતો. એ વખતે કેન્દ્રમાં દેવ ગોડાની જનતા દળની સરકાર હતી તેથી સીબીઆઈને તપાસ સોંપાઈ. સીબીઆઇએ જેએમએમ' પ્રમુખ શિબુ સોરેન સહિત છ સાંસદ સામે એફઆઇઆર નોંધાવીને કેસ કર્યો હતો. આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને1998માં ચુકાદો આવ્યો ત્યારે કોર્ટે સ્વીકાર્યું હતું કે,
જેએમએમ’ નેતાઓએ લાંચ લઈને વોટ આપ્યો છે પણ બંધારણની કલમ 105 (2) તેમજ 140 હેઠળ સાંસદો અને વિધાનસભ્યોને ગૃહમાં કરેલા કોઈ પણ કૃત્ય સામે કાનૂની રક્ષણ મળે છે તેથી લાંચ લેનારા સાંસદો સામે ક્રિમિનલ કેસ ના ચલાવી શકાય.
1998માં પાંચ ન્યાયાધીશની બંધારણીય બેન્ચે ત્રણ વિરુદ્ધ બેની બહુમતી સાથે ચુકાદો આપેલો કે, ગૃહને સંબંધિત કામગીરી માટે લાંચ લેવા બદલ જનપ્રતિનિધિઓ સામે લાંચ લેવાનો કેસ ના કરી શકાય. જ્યારે હમણાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે, બંધારણની કલમ 105 (2) તેમજ 140 હેઠળ સાંસદો અને વિધાનસભ્યોને ગૂહમાં આપેલાં નિવેદન કે ભાષણ સામે રક્ષણ આપે છે, લાંચ લેવા સામે નહીં.
પેલા વિવાદાસ્પદ ચુકાદાને બદલવાની તક જેના કારણે મળી એ સીતા સોરેન યોગાનુયોગ શિબુ સોરેનનાં પૂત્રવધૂ જ છે. શિબુ સોરેનના સૌથી મોટા પુત્ર દુર્ગાની પત્ની સીતા સોરેને 2012માં રાજ્યસભાની ચૂંટણી વખતે મતના બદલામાં નાણાં લીધેલાં. આ કેસમાં નવ મહિના જેલની હવા ખાઈ આવેલી સીતા અત્યારે જામીન પર બહાર છે, પણ એની સામે કેસ ચાલતો હતો. આ કેસમાં સીતા સોરેને 1998ના ચુકાદાના આધારે પોતાને નિર્દોષ ઠેરવવા માગણી કરેલી. 2019ના માર્ચમાં સુપ્રીમ કોર્ટે આ કેસ પાંચ જજની બંધારણીય બેંચને સોંપેલો. 2023ના સપ્ટેમ્બરમાં આ કેસ સુનાવણી માટે આવ્યો ત્યારે પાંચ જજની બેંચે તેને સાત જજની બંધારણીય બેંચને સોંપવાનો નિર્ણય લીધો. આ બેંચે જ અત્યારે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાની દૂરોગામી અસરો પડશે. રાજ્યસભામાં સવાલો પૂછવા માટે 2005મા લાંચ લેનારા દસ સાંસદથી માંડીને `તૃણમૂલ કોંગ્રેસ’નાં મહુઆ મોઈત્રા સુધીનાં બધાં સામે હવે ક્રિમિનલ કેસ કરી શકાશે.
12ડિસેમ્બર, 2005ના રોજ એક ખાનગી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં બહાર આવેલું કે ભાજપના છ,બસપાના ત્રણ, કોંગ્રેસ અને રાજદના એક-એક સાંસદે ગૃહમાં સવાલ પૂછવા માટે લાંચ લીધી હતી, પણ એમના કહેવાતા વિશેષાધિકારને કારણે એમના પર કોઈ કેસ ન થયો કે કાર્યવાહી પણ ન થઈ. હવે એ બધાની સામે કેસ કરવાનો રસ્તો પણ ખૂલી ગયો છે.
સીબીઆઈ અને સરકાર હવે કોની કોની સામે કેસ કરે છે એ જોવાનું રહે છે, પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાએ બધાં સામે ક્રિમિનલ કેસના દરવાજા ખોલી દીધા છે. હવે સાંસદો કે ધારાસભ્યો ગૃહમાં ભાષણ આપવા કે વોટ આપવા માટે લાંચ નહીં લઈ શકે તેથી રાજકીય પક્ષોને પણ બળવાખોરો સામે પગલાં લેવા મોટું શસ્ત્ર મળી ગયું છે. નાણાં લઈને દગો આપનારા સાંસદ કે ધારાસભ્યને પાઠ ભણાવવા માટે પક્ષ સભ્ય વિદ્ધ પોલીસમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી શકશે.