જીત નિશ્ચિત કરવા શરદ પવાર કટ્ટર હરીફને પચીસ વર્ષે મળ્યા
શરદ પવારે અને અનંતરાવ થોપટેની મુલાકાતની રાજકીય વર્તુળમાં ચર્ચા
મુંબઈ: શરદ પવાર પોતાના પુત્રી તેમ જ સાંસદ સુપ્રિયા સુળે આગામી લોકસભાની ચૂંટણીમાં કોઇપણ ભોગે જીતે એ માટે બધા જ પ્રયાસ કરી રહ્યા છે તેવું જણાય છે. સુપ્રિયા સુળેની જીત સુનિશ્ચિત કરવા માટે શરદ પવાર પોતાના કટ્ટર હરીફને મળ્યા હોવાથી આવી ચર્ચા થઇ રહી છે.
શનિવારે શરદ પવાર એક સમયના પોતાના કટ્ટર હરીફ મનાતા અનંતરાવ થોપટેને મળ્યા હતા. ભોર ખાતે ખેડૂતોની સભામાં મહાવિકાસ આઘાડીના નેતા હાજર રહ્યા હતા. શરદ પવાર પણ આ સભામાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જોકે, સભા શરૂ થાય એ પૂર્વે પવાર વિધાનસભ્ય સંગ્રામ થોપટેના નિવાસસ્થાને ગયા હતા અને ત્યાં અનંતરાવ થોપટેની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કૉંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાત પણ ત્યાં હાજર હતા. શરદ પવારે અનંતરાવ થોપટેની તબિયત વિશે પૂછ્યું હતું.
નોંધનીય છે કે થોડા દિવસ પૂર્વે અજિત પવાર અને સુનેત્રા પવાર પણ અનંતરાવ થોપટેની મુલાકાતે પહોંચ્યા હતા. એનસીપીના બંને જૂથના સુપ્રીમોએ અનંતરાવ થોપટેની મુલાકાત લીધી હોવાને પગલે આગામી લોકસભાની ચૂંટણીમાં તેમના સમર્થન વિશે વાતચીત થઇ હોય તેવી ચર્ચા પણ ચાલી રહી છે.