સ્પોર્ટસ

ભારતે બ્રિટિશરોના બાઝબૉલનું બૅન્ડ બજાવી દીધું

વિજયના ‘ચોક્કા’ સાથે ટીમ ઇન્ડિયાએ સિરીઝ 4-1થી જીતી લીધી: કુલદીપ મૅચનો અને યશસ્વી સિરીઝનો પુરસ્કાર-વિજેતા

ધરમશાલા: ભારતે અહીં ઇંગ્લૅન્ડને ત્રીજા જ દિવસે સતત ચોથી ટેસ્ટમાં પણ હરાવીને સિરીઝ 4-1થી જીતી લીધી હતી. રવિચન્દ્રન અશ્ર્વિને તેની 100મી ટેસ્ટમાં પ્રથમ દાવની ચાર વિકેટ બાદ બીજા દાવમાં પાંચ વિકેટના તરખાટ સાથે મૅચમાં કુલ નવ વિકેટ લીધી અને બ્રિટિશરોની ટીમને ઘાતક ફટકો માર્યો હતો. બાઝબૉલ (આક્રમક સ્ટાઇલથી બૅટિંગ કરવાનો અપ્રોચ)ના અભિગમ સાથે ઇંગ્લૅન્ડની ટીમ ભારતમાં આવી હતી અને હૈદરાબાદની પ્રથમ ટેસ્ટ જીતી લીધા પછી તેઓ જાણે અહંકારમાં ડૂબી ગયા હતા. વિશાખાપટ્ટનમની બીજી ટેસ્ટથી ભારતે જીતવાનું શરૂ કર્યું હતું અને શનિવારે ધરમશાલાની પાંચમી ટેસ્ટ સુધી તેઓ રોહિતસેનાની વિજયકૂચ રોકી ન શક્યા અને 1-4ની નામોશી સાથે હવે સ્વદેશ પાછા જઈ રહ્યા છે.
ભારતે સિરીઝમાં બીજી ટેસ્ટ વિશાખાપટ્ટનમમાં, ત્રીજી રાજકોટમાં, ચોથી રાંચીમાં અને હવે પાંચમી ધરમશાલામાં જીતી લીધી.

શનિવારે ભારતે પાંચમી અને છેલ્લી ટેસ્ટ એક ઇનિંગ્સ અને 64 રનથી જીતી લીધી હતી. પહેલા દાવમાં પાંચ વિકેટના તરખાટ સાથે બ્રિટિશરોની કમર ભાંગી નાખનાર લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવે મૅચમાં કુલ સાત વિકેટ (72 રનમાં પાંચ, 40 રનમાં બે વિકેટ) લીધી હતી અને તેને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. સિરીઝમાં બે ડબલ સેન્ચુરી સહિત સૌથી વધુ 712 રન બનાવ્યા હતા અને એ બદલ તેમ જ સિરીઝ-વિનિંગ પફોર્મન્સ બદલ તેને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

ભારતનો પ્રથમ દાવ જે શુક્રવારના બીજા દિવસની રમતને અંતે 473/8 હતો એમાં બીજા માત્ર ચાર રનનો ઉમેરો થઈ શક્યો હતો અને આખો દાવ 477 રનના સ્કોર સમાપ્ત થઈ ગયો હતો.

શુક્રવારના નૉટઆઉટ બૅટર જસપ્રીત બુમરાહે તેના 20મા રને અને કુલદીપ યાદવે 30મા રને વિકેટ ગુમાવી હતી.
બ્રિટિશ સ્પિનર શોએબ બશીરે સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી, જ્યારે શુક્રવારે કરીઅરની 699મી વિકેટ લીધા પછી શનિવારે જેમ્સ ઍન્ડરસને કુલદીપના રૂપમાં 700મી વિકેટ લીધી હતી. તેણે દાવમાં કુલ બે તેમ જ સ્પિનર ટૉમ હાર્ટલીએ પણ બે વિકેટ લીધી હતી.

ભારતે પહેલા દાવમાં 259 રનની સરસાઈ લીધી હતી અને ધાર્યા પ્રમાણે બેન સ્ટૉક્સની ટીમ એ લીડ ઊતાર્યા પહેલાં જ ફક્ત 195 રનના સ્કોરે ઑલઆઉટ થતાં ભારતનો એક ઇનિંગ્સથી વિજય થયો હતો. જો રૂટ 170 મિનિટ સુધી ક્રીઝમાં રહીને 84 રનની લડાયક ઇનિંગ્સ રમ્યો હતો. 128 બૉલની ઇનિંગ્સમાં તેણે 12 ફોર ફટકારી હતી. જોકે 10મી વિકેટ તેની પડી હતી. કુલદીપના બૉલમાં બુમરાહે તેનો કૅચ પકડ્યો હતો. 100મી ટેસ્ટ રમનાર જૉની બેરસ્ટૉના 39 રન ટીમમાં સેક્ધડ-હાઇએસ્ટ હતા.

રોહિત શર્મા પીઠના દુખાવાને કારણે ફીલ્ડિંગમાં નહોતો આવ્યો અને તેની ગેરહાજરીમાં બુમરાહે સુકાન સંભાળીને તેમ જ ભારતને ત્રીજા જ દિવસે વિજય સુધી પહોંચાડીને શાનદાર કૅપ્ટન્સીનું ઉદાહરણ આપ્યું હતું.ભારતે બ્રિટિશરોના બાઝબૉલનું બૅન્ડ બજાવી દીધું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button