આમચી મુંબઈ
મુંબઈગરા માટે મંગળવારથી કોસ્ટલ રોડ ખુલ્લો મુકાશે
અઠવાડિયાના પાંચ દિવસ અને દરરોજ સવારના આઠથી રાતના આઠ વાગ્યા સુધી પ્રવાસ કરી શકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાની આતુરતાનો અંત આવ્યો છે. આખરે મંગળવારથી વાહનચાલકો માટે કોસ્ટલ રોડ ખુલ્લો મુકવામાં આવવાનો છે. વરલીથી મરીન ડ્રાઈવ સુધી દક્ષિણ તરફથી લેનનું સોમવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કોસ્ટલ રોડનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ મંગળવારથી વાહનચાલકો માટે રસ્તો ખુલ્લો મુકાશે.
મુંબઈ મહાનગરપાલિકાનો અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતો કોસ્ટલ રોડનો મંગળવારથી વાહનચાલકો ઉપયોગ કરી શકશે. લગભગ સાડા તેર હજાર કરોડ રૂપિયાથી પણ વધુ ખર્ચે બનેલો કોસ્ટલ રોડ શરૂઆતમાં જોકે અઠવાડિયાના માત્ર પાંચ દિવસ એટલે કે સોમવારથી શુક્રવાર જ રસ્તો વાહનો માટે ખુલ્લો રહેશે અને તે પણ માત્ર સવારના આઠવાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી રોડ ખુલ્લો રહેશે. શનિવાર અને રવિવારે કોસ્ટલ રોડ બંધ રહેશે.