આમચી મુંબઈ

શૅરબજારમાં રોકાણ પર સારા વળતરની લાલચે 1.12 કરોડની છેતરપિંડી કરનારો પકડાયો

સાયબર પોલીસે 33 બૅન્ક ખાતાઓમાં 82 લાખ રૂપિયા સીલ કર્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શૅરબજારમાં રોકાણ કરવા પર આકર્ષક વળતરની લાલચે સિનિયર સિટિઝન સાથે 1.12 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા પ્રકરણે આરોપીને બાન્દ્રાથી પકડી પાડ્યો હતો. આરોપીએ બોગસ કંપનીઓને નામે વિવિધ બૅન્કોમાં ખોલેલાં 33 ખાતાંમાં સાયબર પોલીસે 82 લાખ રૂપિયા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર થતા રોક્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

વેસ્ટ રિજન સાયબર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ ભરત દીપક ચવ્હાણ (34) તરીકે થઈ હતી. બાન્દ્રા પૂર્વના ખેરવાડી સ્થિત ટીચર્સ કૉલોની નજીક રહેતા ચવ્હાણ પાસેથી પોલીસે ગુનામાં વપરાયેલો મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર સાયબર ઠગ ટોળકીએ સંદીપ દેશપાંડે (68) સાથે ડિસેમ્બર, 2023થી ફેબ્રુઆરી, 2024 દરમિયાન કથિત છેતરપિંડી કરી હતી. ફરિયાદીને ઑનલાઈન શૅરબજાર સંબંધિત નોટિફિકેશન મોકલવામાં આવી હતી. આરોપીની લાલચમાં સપડાયેલા ફરિયાદીને બાદમાં એક વ્હૉટ્સઍપ ગ્રૂપમાં એડ કરવામાં આવ્યા હતા. આ ગ્રૂપમાં શૅર માર્કેટિંગ સંબંધી વિગતો આપવામાં આવતી હતી.

શૅરબજારમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચમાં ફરિયાદીએ રોકાણ કર્યું હતું. આરોપીઓએ બનાવટી વેબસાઈટ તૈયાર કરી તેના પર ફરિયાદીનું એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ટ પર ફરિયાદીએ ટ્રાન્સફર કરેલી રકમ અને શૅર્સ ખરીદ-વેચાણ પછીના નફાની વિગતો દર્શાવવામાં આવતી હતી. જોકે બાદમાં ફરિયાદીએ રૂપિયા ચૂકવવા સંબંધી પ્રક્રિયા હાથ ધરતાં તેમને ટૅક્સ ભરવાનું કહેવામાં આવ્યું હતું. વિવિધ કારણો રજૂ કરીને વારંવાર રૂપિયાની માગણી કરવામાં આવતાં ફરિયાદીને શંકા ગઈ હતી.

દેશપાંડેએ 1.12 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં સાયબર પોલીસે તપાસ હાથ ધરી હતી. ગુનામાં ઉપયોગમાં લેવાયેલાં બૅન્ક ખાતાઓની વિગતોને આધારે પોલીસની ટીમ ચવ્હાણ સુધી પહોંચી હતી. આ પ્રકરણે છેતરપિંડીથી નાણાં મેળવવા માટે આરોપીઓએ બનાવટી કંપનીને નામે બૅન્કોમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવ્યાં હતાં. પોલીસે આવાં 33 ખાતાં શોધી કાઢ્યાં હતાં, જેમાં 82 લાખ રૂપિયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ ચવ્હાણના સાથીઓની શોધ ચલાવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button