નેશનલ

UP:ગાઝિયાબાદના મસુરીમાં એક દલિત શિક્ષિકા સાથે મારામારી, મહિલા હેડમાસ્ટર સામે નોંધાઈ ફરિયાદ

ગાઝિયાબાદ જિલ્લાના મસૂરી વિસ્તારમાં એક સ્કૂલની મહિલા હેડ માસ્ટરની સામે પોતાની જ સ્કૂલની એક દલિત શિક્ષિકા સાથે મારામારી કરવા અને તેને જાતિસૂચક શબ્દો કહેવાના આરોપ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે જયપ્રકાશ નારાયણ સર્વોદય વિદ્યાલય, મસુરીની એક કોમ્પ્યુટર શિક્ષિકાને અન્ય વિષયોના ક્લાસ લેવાનો ઈન્કાર કરતા ગુસ્સે થયેલા મહિલા હેડ માસ્ટરે કથિત રીતે મારપીટ કરી હતી.

નિગરાવઠી ગામની રહેવાસી દલિત શિક્ષિકા આંશિક દ્વારા પોલીસને ફરિયાદ કરાઈ તેમાં જણાવવામાં આવ્યું છે કે 4 માર્ચના રોજ હેડ માસ્ટર પૂનમ કુશવાહએ તેને કોમ્ય્યુટરનો વિષય ભણાવવાના બદલે અન્ય વિષય વિદ્યાર્થીઓને ભણાવવા કહ્યું હતું. આંશિકાએ પોલીસને જણાવ્યું કે આ સંબંધમાં તેણે ઉચ્ચ અધિકારી સમક્ષ ફરિયાદ કરી હતી.

આંશિકાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તે કોમ્પ્યુટર કામ કરવા ગઈ તો હેડ માસ્ટર ત્યાં પહોંચ્યા અને તેના વાળ પકડીને તેને ઘસડીને મારવાનું શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે હેડ માસ્ટરે આંશિકા માટે જાતિસુચક શબ્દો પણ વાપર્યા હતા.

આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મસુરીના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર નરેશ કુમારે જણાવ્યું કે પિડીતાની ફરિયાદ પર કલમ 323 (જાણી જોઈને ઘાયલ કરવા), 506 ( ગુનાયુક્ત ધમકી) અને અનુસુચિત જાતિ જનજાતિ નિવારણ કાનુન હેઠળ ફરિયાદ નોંધીને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button