‘Facebook Post’ પર કોમેન્ટને કારણે રાજસ્થાનના ભરતપુરમાં ગોળીબાર અને પથ્થરમારો, જાણો શું છે મામલો
ભરતપુર: એક ફેસબુક પોસ્ટ પર કરવામાં આવેલી કોમેન્ટને કારણે રાજસ્થાનના ભરતપુર પાસે આવેલા કામાં વિસ્તારમાં બે ટોળા વચ્ચે મારામારી થતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. ફેસબુક પોસ્ટ પર વિવાદાસ્પદ કમેન્ટ બાદ બે જૂથો વચ્ચે પથ્થરમારો અને ગોળીબાર થયો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. બાદમાં પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. આ કેસમાં 10થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.
અહેવાલો અનુસાર, આ મામલો કામાં પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા કુલવાના ગામનો છે. ત્યાં ત્રણ દિવસ પહેલા સુબ્બા અને તૈયબ નામના બે શખ્સો વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ બંને પક્ષના લોકો એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા. પછી કોઈક રીતે આ મામલો ગ્રામજનોએ શાંત કરાવ્યો હતો. ત્યાર બાદ ઝઘડા અંગે ફેસબુક પર એક પોસ્ટ કરવામાં આવી. આ પોસ્ટ પર વાંધાજનક કમેન્ટ્સ કરવામાં આવી હતી, ત્યાર બાદ મામલો ફરી વણસ્યો હતો.
શુક્રવારે આ બંને પક્ષ તરફથી ગોળીબાર અને પથ્થરમારો થયો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મામલો શાંત પાડ્યો હતો અને ઘટનામાં સંડોવાયેલા 12થી વધુ સ્ત્રી-પુરુષોને કસ્ટડીમાં લેવાયા હતા. આ સાથે પોલીસ અન્ય આરોપીઓને શોધવા માટે નજીકના ઘરો અને ખેતરોમાં દરોડા પાડી રહી છે.
અહેવાલો મુજબ પોલીસને બે દિવસ પહેલા સમગ્ર મામલાની માહિતી મળી હતી. પરંતુ તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જો પોલીસે આ અંગે સમયસર કાર્યવાહી કરી હોત તો કદાચ શુક્રવારની ઘટના બની ન હોત. હાલ ગામમાં શાંતિ છે.