નેશનલ
મધ્યપ્રદેશ સરકારની મહત્વપૂર્ણ ઇમારત રાજ્ય સચિવાલયમાં લાગી ભીષણ આગ

ભોપાલમાં આવેલા વલ્લભ ભવન રાજ્ય સચિવાલયમાં આજે એક વિશાળ આગ ફાટી નીકળી હોવાની માહિતી મળી છે. રાજ્ય સરકાર માટે આ ઇમારત ઘણી મહત્વપૂર્ણ ગણાય છે. આગને કારણે સરકારી દસ્તાવેજો પણ બળીને રાખ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. સમાચાર એજન્સી એએનઆઇ દ્વારા શએર કરવામાં આવેલા વીડિયોમાં કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ ઇમારતના ચોથા માળે આગ લાગી છે. આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આઘ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. આગ ઊંચાઇ પર લાગી હોવાથી તેને બુઝાવવામાં અગ્નિશમન દળના જવાનોને ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. આગ કેવી રીતે લાગી એની હાલમાં કોઇ માહિતી મળી નથી. હજી સુધી જાનહાનિના કોઇ અહેવાલ જાણવા મળ્યા નથી. વધુ તપાસ ચાલુ છે.