IND vs ENG: જેમ્સ એન્ડરસને રચ્યો ઈતિહાસ, આ મહાન ખેલાડીઓના ક્લબમાં નામ નોંધાવ્યું
ધરમશાલા: ભારત સામે ચાલી રહેલી પાંચમી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસ(James Anderson) ને ઈતિહાસ રચ્યો હતો. કુલદીપ યાદવની વિકેટ લેતાની સાથે એન્ડરસને તેની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીની 700 વિકેટ(700 wickets) પૂરી કરી હતી. આ સાથે 700 વિકેટ લેનાર તે વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર બન્યો છે.
700 વિકેટ સાથે એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા લોબરોની યાદીમાં ત્રીજા સ્થાને છે. આ લિસ્ટમાં શ્રીલંકાના પૂર્વ સ્પિનર મુથૈયા મુરલીધરન ટોપ પર છે, જેમણે ટેસ્ટ કરિયરમાં 800 વિકેટ લીધી હતી. આ સિવાય આ લિસ્ટમાં બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર શેન વોર્ન છે, જેમના નામે ટેસ્ટમાં 708 વિકેટ છે. હવે એન્ડરસને 700 ટેસ્ટ વિકેટના ક્લબમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ ક્લબમાં તે એક માત્ર ફાસ્ટ બોલર છે.
એન્ડરસન 187મી ટેસ્ટ રમી રહ્યી છે, તેણે 348મી ઇનિંગમાં તેની 700મી વિકેટ લીધી હતી. એન્ડરસનને ટેસ્ટ ક્રિકેટ રમતા બે દાયકાથી વધુ સમય થઈ ગયો છે. તેણે મે 2003માં ઝિમ્બાબ્વે સામે લોર્ડ્સમાં રમાયેલી મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. હાલ 41 વર્ષીય એન્ડરસન યુવા બોલરો માટે પ્રેરણારૂપ બની ગયો છે, કેમ કે આ ઉંમરે ફાસ્ટ બોલર તરીકે રમવું સરળ નથી.
ભારત સામેની આ સીરીઝની શરૂઆત પહેલા એન્ડરસનના નામે ટેસ્ટ ક્રિકેટમાં 690 વિકેટ હતી. અગાઉના ચાર મેચમાં તેને 8 વિકેટ લીધી હતી. એન્ડરસને 698 વિકેટ સાથે પાંચમી ટેસ્ટની શરૂઆત કરી હતી, જોકે તેણે 700 વિકેટ પૂરી કરવા રાહ જોવી પડી હતી, ભારતની મજબુત બેટિંગને કારણે એન્ડરસનને વિકેટ લેવામાં તકલીફ પડી હતી. શુભમન ગીલને આઉટ કરીને તેણે 699મી વિકેટ લીધી હતી, ત્યાર બાદ કુલદીપ યાદવ અને બુમરાહે એન્ડરસનને લાંબી રાહ જોવડાવી હતી. કુલદીપ યાદવની વેકેટ લઇને અંતે તેને 700મી વિકેટ લીધી હતી.