રામલલ્લાનો ક્યારે અભિષેક કરશે સૂર્યદેવઃ જાણો અહીં આવેલી વૈજ્ઞાનિકોની ટીમે શું કહ્યું
રામ મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠક શુક્રવારથી શરૂ થઈ હતી. આમાં ભાગ લેવા માટે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા અને સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI) રૂરકીના વૈજ્ઞાનિકો પણ અયોધ્યા પહોંચ્યા હતા. નોંધનીય છે કે CBRI રૂરકીના વૈજ્ઞાનિકોની ટીમે અયોધ્યામાં શ્રી રામના દિવ્ય ભવ્ય મંદિરના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. નૃપેન્દ્ર મિશ્રા અને CBRI ના એન્જિનિયરોએ મંદિર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સૂર્યના કિરણોથી રામલલાના અભિષેકની યોજના અંગે પણ ચર્ચા કરી હતી. રામ મંદિરના પાયા સિવાય સ્ટ્રક્ચરલ ડિઝાઈન, સૂર્ય તિલક અને સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. સીબીઆરઆઈના વૈજ્ઞાનિકો હાલમાં રામ નવમી પર સૂર્યના કિરણોથી રામલલાના તિલકની યોજના પર કામ કરી રહ્યા છે.
દર વર્ષે રામ નવમીના દિવસે ભગવાન શ્રી રામની મૂર્તિના મસ્તક પર સૂર્ય કિરણોથી તિલક કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સીબીઆરઆઈના વૈજ્ઞાનિકોએ સૂર્ય કિરણોના અભિષેક માટે સાધનો ક્યાં અને કેવી રીતે સ્થાપિત કરવા તે અંગે વિચારણા કરી હતી. ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની મૂર્તિ સુધી સૂર્યના કિરણોને પાઈપિંગ અને ઓપ્ટો-મિકેનિકલ સિસ્ટમ દ્વારા પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આ વર્ષએ રામનવમીના દિવસે ગર્ભગૃહમાં સ્થાપિત રાનમલલાની મૂર્તિના મસ્તક પર સૂર્ય કિરણોથી તિલક થઇ શકશે કે નહીં એ અંગે વૈજ્ઞાનિકો હજુ કંઈ કહેવા તૈયાર નથી.
રામ જન્મભૂમિ સંકુલમાં ભગવાન રામના સમકાલીન મહર્ષિ વાલ્મીકિ, વશિષ્ઠ, અગસ્ત્ય, વિશ્વામિત્ર, નિષાદરાજ, શબરી અને અહિલ્યાના મંદિરો બાંધવામાં આવવાના છે, જેનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.