વીક એન્ડ

જૂની નિરાશા નવી આશા

સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા

સ્થાપત્યના ક્ષેત્રમાં ક્યાંક આશાનું કિરણ છે તો ક્યાંક નિરાશાનો મહાસાગર છે. આવું લગભગ દરેક ક્ષેત્રમાં છે. મર્યાદા વધુ છે, સંભાવના ઓછી છે. જેવું હોવું જોઈએ તેવું થતું નથી અને જે થાય છે તે સ્વીકારવું પડે છે. જ્યાં સંવેદનશીલતા હોવી જોઈએ ત્યાં યાંત્રિકતા દેખાય છે અને જ્યાં માત્ર યાંત્રિકતા જરૂરી છે ત્યાં વાતોના ઢગલા થઈ જાય છે. રાત્રીએ સૂરજના પ્રકાશ જેવી રોશની કરાય છે અને દિવસે બારી પર પડદા ઢાંકી દેવામાં આવે છે. પ્રશ્નો તો છે જ પણ આ ઉકેલ સ્વીકાર્ય નથી.

શેનો પ્રચાર પ્રસાર કરવો તે મીડિયા નક્કી કરે છે. સ્થાપત્યની કઈ રચનાને મંચ ઉપર બેસાડી દેવી અને કઈ રચનાને નીચે ઉતારી દેવી તે નિર્ણય મર્યાદિત લોકોના હાથમાં છે – અને એમ જણાય છે કે તે લોકોનો એક એજન્ડા છે. ભપકાદાર અને કંઈક અંશે દંભી કહી શકાય તેવી રચના વધુ પ્રશંસા પામે છે. અહીં પણ માર્કેટિગ અને પીઆર કામ કરી જાય છે. ચોક્કસ વર્ગના લોકો સાથે જો સંબંધો સારા હોય તો ચોક્કસ લાભ થતો હોય છે. એકને પ્રાઈઝ આપવા માટે અન્ય ચારને આપવા પડે તો આપી દેવાય છે. આ વાત સમાજના દરેક ક્ષેત્રને લાગુ પડે છે અને સ્થાપત્ય તેમાં અપવાદ નથી.

સાંપ્રત સમયમાં થતું આવ્યું છે તેમ નિષ્ઠાપૂર્વક કાર્યરત રહેનારને યોગ્ય મંચ મળતું નથી. વ્યવસાયિક સેવાઓ માટે `પુરસ્કાર’ માટે નક્કી થયેલ ધારા ધોરણનો ક્યારેક છડેચોક ભંગ થતો હોય છે. વચમાં એવો તબક્કો હતો કે શૈક્ષણિક સંસ્થાઓની માત્ર સંખ્યા ગણાતી હતી, તેની ગુણવત્તા બાબતે જે કંઈ ચિંતા જણાતી હતી તે માત્ર ઉપરછલ્લી હતી. સમય એવો આવ્યો કે વિવિધ સંસ્થાઓને વિદ્યાર્થીઓ જ નહોતા મળતા. સ્થાપત્યની શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો વારો આવ્યો – અને તેનાથી સ્થાપિત થયું કે અગાઉ પ્રકારની શૈક્ષણિક સંસ્થાની સંખ્યામાં ફુગાવો હતો. પરપોટો ફૂટી ગયો.

લોકોની વિચારસરણી બદલાઈ છે. હવે ઓછા સમયગાળામાં ઇચ્છિત પરિણામ મેળવવું હોય છે. કોઈપણ એક બાબત પ્રત્યેનો લગાવ લાંબા સમય સુધી હવે નથી ટકતો. આજની વાત આજે અને કાલની વાત કાલેનો અભિગમ પ્રચલિત થતો જાય છે. લાંબા ગાળાનું આયોજન પણ ટૂંકા ગાળાનું હોય છે. પરિણામ માટે પ્રતીક્ષા કરવાની તૈયારી નથી.ક્યાંક ફાસ્ટ ફૂડ જેવી લાગણી સ્થાપત્યના કેટલાક ક્ષેત્રમાં પણ પ્રવર્તમાન થતી લાગે છે. સમાજ બદલાય છે અને તેની અસર સ્થાપત્ય પર તો પડે જ.

વૈશ્વિક શૈલીની ધૂનમાં સ્થાનિક ઓળખ લુપ્ત થતી જાય છે. બાંધકામની સામગ્રી અને તેના વપરાશની તકનિક પણ વૈશ્વિક બની રહ્યા છે. દુનિયાના દરેક ખૂણામાં બાંધકામની દરેક સામગ્રી મળતી હોય તેમ જણાય છે, અને તેથી સ્થાનિક સામગ્રીનો વપરાશ પણ ઓછો જોવા મળે છે. આબોહવાના વિપરીત પરિબળોને નિયંત્રિત રાખવા અનિચ્છનીય માત્રામાં ઊર્જા વાપરવી પડે તે પ્રકારની રચના પર પસંદગી ઢોળવામાં આવે છે. ઉનાળામાં પણ ભરબપોરે લાઈટ ચાલુ કરવી પડે છે અને શિયાળામાં પણ પંખાની જરૂરિયાત જણાય છે. વ્યવસાયિક સમીકરણ આધારિત મર્યાદિત સમયમાં જ્યારે રચના નિર્ધારિત કરવાની થાય ત્યારે કેટલીક બાબતો સાથે ચોક્કસ બાંધછોડ કરાય છે. પરિસ્થિતિ કંઈક અંશે નિરાશાજનક તો છે જ.

છતાં પણ એકંદરે પરિસ્થિતિ સારી છે. સમાજમાં ચોક્કસ પ્રકારની જાગ્રતતા અને સંવેદનશીલતા સ્થપાય તે માટે ઘણા લોકો પોતાની રીતે પ્રયત્નો કરતા રહે છે. દંભને બદલે શુદ્ધ યથાર્થતાને મહત્ત્વ આપવાના પ્રયત્નો પણ થાય છે. વ્યાપારી ગણિતને બાજુમાં મૂકી સર્જનાત્મકતાને પ્રખરતાથી પ્રસ્તુત કરાય છે. મળેલી સંભાવનામાંથી શ્રેષ્ઠની પસંદગી કરાય છે. મર્યાદાઓથી બાધિત થયા બાદ પણ, જે કંઈ પ્રવર્તમાન સંજોગો હોય તેમાં ઉત્તમ પરિણામ લાવવાના પ્રયત્ન થાય છે. આ અને આવા પ્રત્યેક પ્રયત્ન નવી આશા જન્માવે છે.

તક્નિકી પ્રગતિ થતી રહી છે. નવી નવી સામગ્રી બજારમાં આવ્યા કરે છે. સમાજનો અભિગમ પણ કંઈક અંશે બદલાતો જણાય છે. વૈશ્વિક સંપર્કને કારણે પણ નવા નવા પ્રયોગો પ્રત્યે ઝુકાવ વધતો જાય છે. એઆઈના ક્ષેત્રમાં થયેલ પ્રગતિને કારણે સંભાવના વધી જાય છે. નવાં નવાં ઉપકરણો તથા સોફ્ટવેર વધુ જટિલ રચનાને સરળ બનાવી મૂકે છે. જેની પહેલા કલ્પના ન થઈ શકે તેવા વિચારોને આજે અમલમાં મૂકી શકાય છે. એમ લાગે કે ક્યાંક સપનાની દુનિયા વાસ્તવિકતા ધારણ કરી રહી છે. આઇટી ક્ષેત્રમાં થયેલા વિકાસ માનવ જીવનમાં અનેક પ્રકારની સંભાવના ઊભી કરી છે. સ્વાભાવિક છે કે આ બધાની હકારાત્મક અસર સ્થાપત્ય પર પણ પડે જ.

પરંપરાને ફરીથી સ્થાપિત કરવાના પ્રયત્નો પણ થાય છે. નાટકીય ધોરણે તો નાટકીય ધોરણે, ક્યાંક પર્યાવરણ અને ઊર્જા માટે સંવેદનશીલતા હોવી જોઈએ તેવું સ્થાપિત પણ થાય છે. વ્યાપારી મીડિયાને કાઉન્ટર કરવા સોશિયલ મીડિયા ખરેખર પ્રશંસા કરવા જેવી વાતો સમાજ સમક્ષ લાવે છે. યુવાનોમાં પોતાની જાતને સ્થાપિત કરવાનો અનેરો ઉત્સાહ જોવા મળે છે, જેને કારણે નવી આશાનું કિરણ દેખાય છે.

જે જે વ્યાવસાયિક ક્ષેત્ર સ્થાપત્ય સાથે સંકળાયેલા છે તેમાં થતી પ્રગતિની અસર પણ સ્થાપત્ય પર થાય છે. આ બધા ક્ષેત્રની ભૂમિકા કંઈક અલગ જ હોય છે. અહીં વિવિધતા અને ભિન્નતા જોવા મળે. આને કારણે સ્થાપત્યમાં ચોક્કસ પ્રકારની રચનાને પ્રોત્સાહન મળે છે. અહીં પરસ્પર એકબીજા સાથે કામ કરવાની જે જરૂરિયાત ઊભી થતી હોય છે તેનાથી સ્થાપત્યનું `પર્ફોમન્સ’ પણ ચોક્કસ સુધરે છે.

સ્થાપત્યની ગુણવત્તા સુધારવા કેટલાક લોકો જાણે ધૂણી ધખાવીને બેઠા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button