વેપાર

ફેડરલ દ્વારા વર્ષના મધ્યથી વ્યાજદરમાં કપાતના આશાવાદે વૈશ્વિક સોનામાં વન વૅ તેજી

આ સપ્તાહમાં અત્યાર સુધીમાં પાંચ મહિનાનો સૌથી મોટો 3.5 ટકાનો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ગઈકાલે આ વર્ષના મધ્ય આસપાસ વ્યાજદરમાં કપાતનો સંકેત આપતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 2164.09 ડૉલરની ઊંચી સપાટીએ પહોંચીને પાછા ફર્યા હતા. વધુમાં આજે લંડન ખાતે પણ સત્રના આરંભે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના જોબ ડેટા પર સ્થિર હોવા છતાં હાજર અને વાયદામાં તેજી આગળ ધપી હતી અને ભાવ પાંચ મહિનાની ઊંચી સપાટી આસપાસ રહ્યા હતા. તેમ જ ચાંદીના ભાવમાં પણ 0.9 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો.
આજે સ્થાનિકમાં મહાશિવરાત્રી નિમિત્તે જાહેર રજા હોવાને કારણે સ્થાનિક બજારનાં અગ્રણી એક્સચેન્જ ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન દ્વારા સોના-ચાંદીના ભાવની સત્તાવાર ધોરણે જાહેરાત કરવામાં નહોતી આવી. ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 2164.09 ડૉલરની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ પાછા ફર્યા હતા અને આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને રોકાણકારોની નજર અમેરિકાના જોબ ડેટા પર સ્થિર થઈ હોવા છતાં ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહેતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા વધીને આૈંસદીઠ 2168.28 ડૉલર અને વાયદામાં ભાવ 0.5 ટકા વધીને આૈંસદીઠ 2175.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, હાજર ભાવમાં અત્યાર સુધીમાં સાપ્તાહિક ધોરણે પાંચ મહિનાનો સૌથી મોટો 3.50 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે વધુ 0.9 ટકા વધીને આૈંસદીઠ 24.53 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે જણાવ્યું હતું કે ફુગાવામાં ઘટાડો થઈ રહ્યો હોવાનો વિશ્વાસ સંપાદિત કરવાથી અમે બહુ દૂર નથી. આમ ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા બજાર વર્તુળોના વિશ્વાસમાં વધારો થતાં સોનામાં મક્કમ વલણ જોવા મળી
રહ્યું છે. તેમ જ વ્યાજદરમાં કપાતના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી રહેતી હોવાથી ભાવમાં સપ્તાહ દરમિયાન નોંધપાત્ર તેજી જોવા મળી હોવાનું મેટલ્સ ફોકસનાં મૅનૅજિંગ ડિરેક્ટર નિકોસ કવલિસે જણાવતા ઉમેર્યું હતું કે આ ઉપરાંત તાજેતરમાં ઈક્વિટી માર્કેટમાં તેજીનું વલણ રહ્યું હોવાથી અમુક રોકાણકારોએ તેના પોર્ટફોલિયોનું રિબેલેન્સિંગ કરતાં અમુક ભંડોળ સોનામાં વિકેન્દ્રિત કર્યું હોવાને કારણે પણ સોનાની તેજીને ટેકો મળ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button