સરફરાઝ ખાનનો સચિન-સૂર્યા જેવો રૅમ્પ શૉટ
ધરમશાલા: મુંબઈનો બૅટર સરફરાઝ ખાન 15મી ફેબ્રુઆરીએ રાજકોટમાં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યા બાદ રવીન્દ્ર જાડેજાની ભૂલને કારણે રનઆઉટ થતાં પહેલાં 62 રનની શાનદાર ઇનિંગ્સ સાથે છવાઈ ગયો ત્યાર પછી બીજા દાવમાં અણનમ 68 રનની મૅચ-વિનિંગ ઇનિંગ્સ પણ રમ્યો હતો. જોકે શુક્રવારે છેલ્લી ટેસ્ટમાં બીજા દિવસે પ્રથમ દાવની ધમાકેદાર હાફ સેન્ચુરી (56 રન) દરમ્યાન તેણે થોડી અલગ રીતે આકર્ષણ જમાવ્યું હતું.
સરફરાઝે 60 બૉલની ઇનિંગ્સમાં એક સિક્સર અને આઠ ફોર ફટકારી હતી. એક તબક્કે સરફરાઝે સચિન તેન્ડુલકર અને સૂર્યકુમાર યાદવની સ્ટાઇલમાં રૅમ્પ શૉટ માર્યો હતો. માર્ક વૂડે સામાન્ય કરતાં વધુ પેસ સાથે બૉલ ફેંક્યો તો સરફરાઝે યુક્તિપૂર્વક અને કલાત્મક રીતે બૉલને રૅમ્પ શૉટની સ્ટાઇલમાં બૅટ પર લીધો હતો અને ફોર ફટકારી દીધી હતી.
પતિનો આ શૉટ જોઈને એક સ્ટૅન્ડમાં બેઠેલી તેની પત્ની રોહાના જહૂર ચોંકી ગઈ હતી. અહીં ખાસ જણાવવાનું કે 15મી ફેબ્રુઆરીએ સરફરાઝને ટેસ્ટ કૅપ સોંપવામાં આવી ત્યારે તેના પિતા તેમ જ તેની (સરફરાઝની) પત્ની રોહાના ભાવુક થઈ ગયા હતા.