MERCના એક નિર્ણયથી આ દિવસથી મુંબઈગરાના ખિસ્સા પર ચાલશે કાતર, વીજદરમાં ધરખમ વધારો
દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ શહેરમાં છેલ્લાં કેટલાક સમયથી ઉકળાટમાંથી અપરંપાર વધારો થયો છે અને એની સાથે જ મુંબઈગરાની ચિંતામાં પણ વધારો થયો છે. આનું કારણ છે વીજદરમાં વધારો કરવાનો નિર્ણય. આગામી કેટલાક દિવસમાં મુંબઈમાં વીજદરમાં વૃદ્ધિ કરવામાં આવવાની હોઈ નાગરિકોના ઈલેક્ટ્રિસિટી બિલમાં વૃદ્ધિ થશે. વીજદર વૃદ્ધિના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હોવાથી મુંબઈગરાને હવે વીજદર વધારાની માર સહન કરવાનો વારો આવ્યો છે. આ વધારાને કારણે મુંબઈગરાનું આર્થિક બજેટ ખોરવાઈ જશે એ વાત નક્કી…
મળી રહેલી માહિતી અનુસાર શહેરમાં હાલમાં વીજળીના ભાવમાં 24 ટકાનો વધારો જોવા મળશે. મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિકસિટી રેગ્યુલેટરી કમિશન તરફથી ટાટા પાવરના વીજદરમાં વૃદ્ધિ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે, જેને કારણે વીજદરમાં વધારો કરવામાં આવશે. 2024-25 માટે આ ભાવવધારો લાગુ કરવામાં આવ્યો હોઈ પહેલી એપ્રિલથી નવા દર પ્રમાણે વીજળીનું બિલ આવશે.
વીજદર વધારાનો આ નિર્ણય સર્વસામાન્ય નાગરિકો પર સૌથી વધુ જોવા મળશે. જે ગ્રાહકો દ્વારા 100 યુનિટથી ઓછો વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે તેમના પર આ દર વધારાની સૌથી વધુ અસર જોવા મળશે, કારણ કે હવેથી તેમણે એક યુનિટ માટે 1.65 રૂપિયાને બદલે 4.96 રૂપિયા પ્રતિ યુનિટ ચૂકવવાની તૈયારી રાખવી પડશે. આ ભાવવધારા દરમિયાન પણ પણ 500 યુનિટ કે તેથી વધારે વીજળી વાપરનારા ગ્રાહકોને રાહત આપવામાં આવી છે કારણ કે આ ગ્રાહકો માટે વીજળીનો દર પ્રતિ યુનિટ 8.35 રૂપિયાથી ઘટીને 7.94 રૂપિયા પર આવી ગયો છે.
હાલમાં ટાટા ગ્રુપ પાસેથી 927 કરોડ રૂપિયાનું એરિયર રકમ ભરવા માટે આ દર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને પહેલી એપ્રિલથી આ દરવધારો લાગુ કરવામાં આવશે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ટાટા ગ્રુપ દ્વારા 12 ટકા વીજદર વધારાની માગણી કરવામાં આવી હતી, પરંતુ મંડળે છે 24 ટકા વધારાને જ માન્યતા આપવામાં આવી છે. પરિણામે હવે મુંબઈગરાનો આર્થિક બજેટ ખોરવાઈ જશે, એ વાત તો ચોક્કસ છે.