મનોરંજન

યાદ કિયા દિલને…ડાકુઓ પણ ફીદા હતા તેમની કલમના જાદુ પર એટલે જ…

જેમના લખેલા ગીતોની યાદી બનાવીએ તો ટોપ 100માં પણ ક્યા ગીત લેવા અને ક્યા નહીં તેવી અસંમજસ ઊભી થાય તેવા કલમના જાદુગર સાહિર લુધિયાનવીનો આજે જન્મદિવસ છે.

તેમનો જન્મ 8 માર્ચ, 1921ના રોજ કરીમપુરા, લુધિયાણા પંજાબમાં થયો હતો. પંજાબી મુસ્લિમ પરિવારમાં જન્મેલા સાહિરનું સાચું નામ અબ્દુલ છે. સાહિરે પોતાનું શિક્ષણ લુધિયાણાની ખાલસા હાઈસ્કૂલમાં કર્યું હતું. તેઓ તેમના કૉલેજના દિવસો દરમિયાન તેમના ગીતો અને કવિતાઓના ફેન્સ ઘણા હતા.

20મી સદીના ખૂબ જ લોકપ્રિય એવા સાહિરની ફિલ્મી કરિયર 1949માં આવેલી ફિલ્મ આઝાદી કી રાહથી થઈ. તેમણે આ ફિલ્મ માટે ચાર ગીતો લખ્યા હતા. તે પછી તેણે 1951માં આવેલી ફિલ્મ નૌજવાન માટે ગીતો લખ્યા. જોકે તેમના જીવનની બાઝી પલટી દેવાનંદની ફિલ્મ બાઝી થી. ત્યારબાદ ગુરુદત્ત, એસ.ડી.બર્મન અને સાહિરની ત્રિપુટી બની ગઈ. બર્મન સાથે સાહિરની છેલ્લી ફિલ્મ પ્યાસા હતી. આ ફિલ્મનું નિર્દેશન ગુરુ દત્તે કર્યું હતું. તેમજ ગુરુ દત્તે તેમાં કવિની ભૂમિકા ભજવી હતી. પ્યાસા વર્ષ 1957માં રીલિઝ થઈ હતી, આ ફિલ્મના નિર્માણ દરમિયાન બર્મન અને સાહિર વચ્ચે કેટલાક મતભેદો હતા, જેના કારણે બંને અલગ થઈ ગયા હતા.

સાહિરે રવિ, રોશન, ખય્યામ અને દત્તા નાયક સહિત ઘણા લોકો સાથે કામ કર્યું છે. તે જ સમયે, દત્તા નાયકને સાહિરની કવિતાઓ અને શાયરી ખૂબ ગમતી હતી, જેના કારણે સાહિરે તેમની સાથે ઘણી ફિલ્મો માટે ગીતો લખ્યા હતા. તેણે મિલાપ, ચંદ્રકાંતા, ઇઝ્ઝત, દાસ્તાન અને યશ ચોપરાની દાગ માટે પણ ગીતો લખ્યા હતા. યશ ચોપરાની ક્લાસિક કભી કભીના ગીતો પણ સાહિરની કલમની જ કમાલ છે.

જોકે આજે આપણે વાત કરવાના છીએ ડાકૂઓ કઈ રીતે સાહિરના ફેન હતા. તો વાત જાણે એમ છે કે એક દિવસ સાહિર લુધિયાણા જઈ રહ્યા હતા. તે સમયે પ્રખ્યાત નવલકથાકાર કૃષ્ણ ચંદર પણ તેમની સાથે હતા. તે સમયે જેમના નામથી લોકો કાંપતા તે ડાકુ માન સિંહે મધ્યપ્રદેશના શિવપુરી પાસે સાહિરની કાર રોકીને બધાને બંધક બનાવી લીધા હતા. જ્યારે બધાને બાનમાં લેવામાં આવ્યા ત્યારે સાહિરે ડાકુઓ સાથે વાત કરી અને તેમને કહ્યું કે તેણે જ ફિલ્મ મુઝે જીને દો માટે ગીતો લખ્યા હતા, જે ડાકુઓ પર આધારિત હતી. આ સાંભળીને ડાકુ માનસિંહે બધાને માન આપીને છોડી દીધા.

તેમના જીવન સાથે જોડાયેલી બીજી એક પણ છે જે ઓછા લોકો જાણે છે. વાસ્તવમાં એવું કહેવાય છે કે સાહિરે લતા મંગેશકર પાસેથી વધુ ફીની માંગણી કરી હતી, તેણે કહ્યું હતું કે જો તેમને લતા કરતા ઓછામાં ઓછો એક રૂપિયો વધુ આપવામાં આવે. જેના કારણે તેમની વચ્ચે ખટાશ ઊભી થઈ ગઈ હતી. જોકે આ મામલે બન્ને ક્યારેય જાહેરમાં બોલ્યા નથી.

સાહિરે 25મી ઓક્ટોબર 1980માં 59 વર્ષની ઉંમરે આ દુનિયા છોડી દીધી હતી. સાહિરના મૃત્યુ સમયે તેમના ખાસ મિત્ર જાવેદ અખ્તર તેમની સાથે હતા.

પલ દો પલના નહીં પણ દરેક પલના શાયર સાહિરને સ્મરણાંજલિ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button