ટોપ ન્યૂઝમનોરંજન

એક સાથે બે અભિનેત્રી બહેનોના નિધન

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ઘણા આઘાતજનક સમાચાર જાણવા મળ્યા છે. ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ ડોલી સોહીનું સર્વાઇકલ કેન્સરને કારણે નિધન થયું છે. ડોલી સોહીની બહેન અને અભિનેત્રી અમનદીપનું નિધન ડોલીના મૃત્યુના થોડા કલાકો પહેલા જ થયું હતું. આમ અચાનક એક સાથે બંને બહેનના મૃત્યુ થતા પરિવારને માથે આભ તૂટી પડ્યું છે. તેઓ કંઇ પણ બોલવાની સ્થિતિમાં નથી.

થોડા કલાકો પહેલા જ સમાચાર આવ્યા હતા કે ડોલીની બહેન અને અભિનેત્રી અમનદીપ સોહી નથી રહ્યા. તે જ સમયે, તેમના મૃત્યુના થોડા કલાકો પછી વધુ એક ચોંકાવનારા સમાચારે બધાને હચમચાવી દીધા હતા. અમનદીપ બાદ હવે ડોલી સોહીનું પણ નિધન થયું છે. ડોલી સોહી સર્વાઇકલ કેન્સરથી પીડિત હતી.


અમનદીપની વાત કરીએ તો કમળાના કારણે તેને ફેબ્રુઆરીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ રોગને કારણે તેની ગૂંચવણો વધી ગઇ હતી અને આખરે તેની કિડની ફેલ થઈ ગઈ અને અંતે તેનું નિધન થયું હતું. અમનદીપ સોહીની વાત કરીએ તો તેણે ‘બદતમીઝ દિલ’થી લઈને રામાયણ સુધી ઘણી પ્રખ્યાત ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. તેણે ઝી ટીવીની સીરિયલ રામાયણમાં ‘મંદોદરી’નું પાત્ર ભજવ્યું હતું.


અમનદીપ સોનીની બહેન ડોલી સોહી સર્વાઇકલ કેન્સરથી પીડિત હતી. થોડા દિવસો પહેલા તેને શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર બાદ તેમની તબિયત સુધારા પર હતી. તબિયતના કારણે તેણે પોતાનો શો ઝનક પણ છોડવો પડ્યો હતો. કીમોથેરાપી પછી તે લાંબા સમય સુધી શૂટિંગ કરી શકી ન હતી. ડોલીએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી કામ કર્યું. અભિનેત્રીએ NRI અવનીત ધનોઆ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેમના સંબંધો ઝાઝા ટક્યા નહોતા. અભિનેત્રી તેની પુત્રી એમિલી સાથે રહેતી હતી.


આમ અચાનક કલાકોના ગાળામાં મનોરંજન જગતની બે પાણીદાર અભિનેત્રીના નિધનના સમાચારથી સહુ હચમચી ગયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button