મેટિની

પ્રિયંકા ચોપરા આ ગ્લોબલ આઈકનના તૂટેલાં સંબંધનો સંતાપ

અનેક ક્ષેત્રે સ્વયંસિદ્ધા બનેલી આ નારીએ એનાં પુસ્તક અનફિનિશ્ડમાં ક્યા સંબંધના તૂટેલાં તાંતણાંનો સંકેત મળે છે?

ફિલ્મનામા -નરેશ શાહ

આવું કોણ કરતું હશે ? મેં અગાઉની બ્યુટી કોન્ટેસ્ટમાં છોકરીઓને આવું કરતા જોઈ હતી, પણ મને એ બિલકુલ ગમ્યું નહોતું. હું તો ટોમબોય જ હતી. ઝાડ પરથી અને સાઇકલ પરથી પડી જવાની અને મારા પગ પર થયેલી ઈજાના નિશાન પણ હતા. મારી સ્કીન ડ્રાય હતી અને તેના પર સ્ટ્રેચ માર્કસ હતા. હું મારા પાછળના શરીર બાબતે પણ ભારે સેલ્ફ કોન્શિયસ હતી, કારણકે (શરીરના) જે હિસ્સાને હું જોઈ શક્તી નહોતી, ને હું નહોતી ઈચ્છતી કે કોઈ અન્ય એ જુએ (બ્યુટી કોન્ટેસ્ટના એ રાઉન્ડમાં) હું એટલી ગભરાયેલી હતી કે ‘મેં મારા હિપ્સ (કૂલા) ને ટાઈટ રાખ્યા, જેમ કૂતરો પોતાની પૂંછડી દબાવીને રાખે તેમ ! ’

‘મિસ ઈન્ડિયા’ અને ‘મિસ વર્લ્ડ’ના ખ્યાતનામ ખિતાબ મેળવીને દેશ-વિદેશના ફિલ્મજગતમાં સફળ હિરોઈનોની સાથે અનેક ક્ષેત્રમાં સ્વયંસિદ્ધા બનેલી પ્રિયંકા ચોપરાના આ શબ્દો વાંચીએ ત્યારે બ્યુટી કોન્ટેસ્ટમાં સ્વિમિંગ સૂટ સાથે હાઈ હિલ્સના સેન્ડલ પહેરીને થતાં રાઉન્ડની નિરર્થક્તા અને અકળામણ સમજાય અને એ રીતે જુઓ તો પ્રિયંકા ચોપરા (અને કંઈક અંશે કાજોલ પણ)નો ટોમબોયનો મિજાજ સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે.

બેશક, પ્રિયંકા હવે માત્ર હિન્દી સિનેમાની સફળ હિરોઈન જ નથી રહી, પણ છેલ્લા પાંચ-સાત વરસમાં એ ગ્લોબલ આયકન બની ગઈ છે. ગાયક-સંગીતકાર નિક જોનસ સાથેનાં લગ્ન- ક્વોન્ટિકો વેબસિરિઝ- વિદેશોમાં અપાતા બે પીપલ્સ ચોઈસ એવોર્ડ ઉપરાંત નિર્માત્રી તરીકે (‘વેન્ટિલેટર’ અને ‘પાની’ ફિલ્મ માટે) ચાર નેશનલ એવોર્ડ પણ પદ્મશ્રી પ્રિયંકા ચોપરા જોનસના નામને ચાર ચાંદ લગાવે છે, પણ…

આ જ પ્રિયંકાની આસપાસ ભેદભરમનું એક જાળું પણ કાયમ ગૂંથાયેલું રહ્યું છે અને એ ભવિષ્યમાં પણ ઉકેલાશે નહીં એ પણ સ્વયં સ્પષ્ટ છે. બોલીવુડમાં આશરે ૬૦ જેટલી ફિલ્મ અને દેશી ગર્લ (‘દોસ્તાના’ ફિલ્મ)નો ટેગ મેળવીને પછી એના જીવનમાં કંઈક એવું બન્યું કે દૈશા હોલીવુડ તરફ ફંટાઈ ગઈ…

પ્રિયંકા ચોપરાએ અનફિનિશ્ડના નામે લખેલી પોતાની સ્મરણગાથામાં એ વાતનો સ્વીકાર ર્ક્યો છે કે પિતા આર્મીના ડો. અશોક ચોપરાનું ર૦૧૩માં અવસાન થયું એ પછીનો સમયગાળો એના માટે ભારે પીડાદાયી હતો. પિતા સાથેનો લગાવ પ્રિયંકા ચોપરાનો એવો તીવ્ર હતો કે ર૦૧૩ પહેલાં જ એણે પોતાના હાથ પર ટેટુ કોતરાવ્યું હતું: ‘ડેડીસ લિટલ ગર્લ’
… પણ ફિલ્મી સચ્ચાઈ એ છે કે પ્રિયંકા ચોપરા અને શાહરૂખ ખાન વચ્ચેની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રિ દર્શકોને બેહદ ગમતી હતી અને આ વાતથી બન્ને વાકેફ પણ હતા. શાહરુખ સાથે હિરોઈન તરીકે તો એણે ‘ડોન’ સિરિઝની બે ફિલ્મ જ કરી હતી, પણ શાહરુખના હોમ પ્રોડકશનની ફિલ્મોમાં (રાવન અને બિલ્લુ બાર્બર) પ્રિયંકા ચોપરાના કેમિયો રોલ હતા. આ વાત એ બન્ને વચ્ચેનું બોન્ડિંગ બતાવે છે, પણ ર૦૧૧માં આવેલી ‘ડોન’ સિરિઝની બીજી ફિલ્મ પછી બન્ને વચ્ચેનું અનુસંધાન તૂટી ગયું હતું. એ વાત ભલે ગોસિપની જેમ બહાર આવી પણ એ ખોટી નથી. એ પછી અફવાઓનું અને વિવિધ કલ્પનાનું જે ઘોડાપુર ઉમટ્યું તેના વિશે લખીએ તો એક આખો લાંબો લેખ થાય, આ પણ ધડ-માથાં વગરની એવી વાતો કોલમનો વિષય કદાપિ ન હોય શકે.

પ્રિયંકા-શાહરુખ વચ્ચેના સંબંધનો આપસી પૂલ તૂટયા પછી, જે સતસવીર સમાચારો પ્રસિદ્ધ થયા એ મુજબ સલમાન ખાનના ગેલેક્સી અપાર્ટમેન્ટના ઘરેથી વહેલી સવારે પ્રિયંકા બહાર આવી હતી. આ ઘટના એ સમયગાળાની હતી, જયારે શાહરુખ-સલમાન વચ્ચે ખટાશ ફેલાયેલી હતી. એ પછી પ્રિયંકાએ એ મતલબનું સ્ટેટમેન્ટ પણ ર્ક્યું હતું કે જાણે બોલીવુડે એનો બહિષ્કાર ર્ક્યો હોય એ રીતે એને કામ મળતું બંધ થઈ ગયું હતું. પ્રિયંકા વિષે તો શાહરુખ ખાને છેલ્લાં દશ વરસમાં એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી એ વાત પણ નોંધીએ તો સાફ થાય છે કે સોફટ કોર્નરનો તાંતણો જ નહીં, એમની બાંધી રાખતી આખી ડોર તૂટી ગઈ હતી એ વાતમાં સો ટકા વજૂદ છે.

ર૦ર૧માં પેગ્વિંન પબ્લિશીંગ જેવા પ્રતિષ્ઠિત હાઉસે પ્રસિદ્ધ કરેલી પ્રિયંકા ચોપરાનાં સંસ્મરણો આલેખતી ‘અનફિનિશ્ડ’ પુસ્તકે પણ (આડક્તરી રીતે) એ વાત પર મતું મારી દીધું છે કે પ્રિયંકા – શાહરુખ વચ્ચે કશુંક એવું વસુકી ગયું છે કે બન્ને પક્ષે ચૂપકિદી રાખવાનું જ મુનાસિબ માન્યું. અઢીસો જેટલાં પાનાંમાં પથરાયેલી ‘અનફિનિશ્ડ’ કિતાબમાં પ્રિયંકાએ બચપનથી માંડીને નિક જોનસ સાથેના લગ્નની વાત કરી છે. પોતાને નાકમાં થયેલી ઈજા પછી પ્રથમ હિન્દી ફિલ્મ છૂટી ગઈથી લઈને નાકની પ્લાસ્ટિક સર્જરી અને પ્રથમ તામિલ ફિલ્મથી માંડીને છેલ્લી વેબસિરિઝ ‘સિટાડેલ’ની તેમજ હિન્દી
ફિલ્મોની વાત કરી છે, પણ શાહરુખના નામનો ઉલ્લેખ સુધ્ધાં પુસ્તકમાં નથી ર્ક્યો. ‘ડોન-ટૂ’ ફિલ્મનો અન્ય ફિલ્મ સાથે ઉલ્લેખ ર્ક્યો છે. ‘ક્રિશ’ ફિલ્મ અને પિતાની બીમારી વખતે રોશન પિતા-પુત્રએ કરેલી મદદગારીની વાતો અને ફોટા પુસ્તકમાં છે, પણ શાહરુખ સાથેનો એક ફોટો પણ પુસ્તકમાં નથી.

ઓકે, પોતાનો પુસ્તકમાં કોનો ઉલ્લેખ કરવો અને ક્યો ફોટો લેવો એ લેખકની મુનસૂફીની વાત છે, પણ ર૦૧૩માં પિતાના મૃત્યુના લાગેલા આઘાતનો ચાર વરસ પછી ઉલ્લેખ કરતાં અનફિનિશ્ડમાં (પાનું : ૧૬૬) પ્રિયંકા લખે છે :
ર૦૧૭ સુધી હું પિતાને ગુમાવી દેવાના દર્દ અને ઉદાસીમાં સંપૂર્ણ ડૂબી ચૂકી હતી. હું હજુ પણ ન્યુયોર્કમાં જ રહેતી હતી. મારા પિતાને ખોવાનો ગહરો શોક અને એક ટૂટેલાં સંબંધનું દુ:ખ પણ હતું. એ વખતે ક્વોન્ટિકો સિરિઝની આખરી સિઝન પણ ચાલી રહી હતી… હું એકલા ખાતી, એકલાં એકલાં ટીવી જોતી અને રાત આખી જાગતી. જે થોડીઘણી ઊંઘ મને આવતી હતી, એમાં પણ સુકૂન નહોતું મળતું.

આ ગ્લોબલ આઈકને- એક સ્વયંસિદ્ધાએ સ્વયં લખેલા આ એક વાક્ય પર ફરી નજર ફેરવી જઈએ:
‘એક ટૂટેલાં સંબંધનું દુ:ખ પણ હતું.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button