ખોટા પ્રશ્નનો ઉત્તર એટલે પત્નીનું મૌનકપરા સમયની શ્રેષ્ઠ પ્રતિક્રિયા એટલે પત્નીનું સ્મિત…
સાત્વિકમ્ શિવમ્ – અરવિંદ વેકરિયા
આમ તો દર શુક્રવારે મારી કોલમ વાંચકોને પસંદ પાડે છે એ મારે માટે શેર લોહી ચઢે એવી વાત છે, પણ આજે મારી આ સફર એક વીક માટે કામચલાવ થોભાવીશ,કારણ કે આજે વિશેષ ‘મહિલા દિવસ’છે. ઘણા કલમકારો એમની રીતે મહિલાના ગુણગાનની માંડણી કરશે, પણ હું તો મારી સીધી સરળ ભાષામાં મારી વાત વ્યકત કરીશ.
પહેલા તો નવાઈ એ વાતની લાગે છે કે આ એક માત્ર દિવસે જ ‘મહિલા દિન’ કેમ? જાત સાથે એની સેવાનું સરવૈયું માંડો તો આ તો રોજ ઉજવવાનો દિવસ છે. ઉજવણીને આ નામનો સિક્કો લગાડી એનું મહત્ત્વ જ ઘટાડી દીધું છે. ઠીક છે, જૈસી જિસકી સોચ..
જો કે, મહિલા દિન’નું મારે મન અદકેરું મહત્વ છે અને રહેશે. આજે મહિલા-સ્ત્રી-નારી અને નર કે પુરુષ વચ્ચે ભેદ રહ્યાં નથી એવું લખાય જરૂર છે, પણ એવું મનાય છે કે નહિ એ તો સંશોધનનો વિષય છે અને રહેશે.
દેશનો વિકાસ તો થતો રહેશે, પણ આ ભેદ માટે માનસિક વિકાસ થાય તો આનંદની વાત હશે.સ્ત્રી આજે પુરુષનો ખભેખભો મિલાવીને જોબ કરી ઘરમાં પૈસાનું ઉપાર્જન કરી પતિને મદદરૂપ થઇ રહી છે.
જોબ કરતાં કરતાં એ પોતાની મા તરીકે, પત્ની તરીકે, ઘરની એક આદર્શ વહુ તરીકે પણ પોતાની ફરજ સુપેરે પાર પાડતી રહે છે.
પુરુષ ભલે મહિને અમુક રકમ ઘરમાં આપી જાણે પોતાની ‘જવાબદારી પૂરી’ એવું માનતો હોય છે. એવા પુરુષની ટકાવારી વધુ છે. મેં ઘણા પુરુષને, જેમાંથી અમુક તો મારા મિત્રો છે -એમને કહેતા સાંભળ્યા છે કે ‘આપણું કામ આપણો પરિવાર સુખી રહે એ જોવાનું છે..’ . એ માટે પુરુષ તનતોડ મહેનત પણ કરે છે, પણ સામે પક્ષે સ્ત્રીએ કેટલા મોરચા સંભાળવા પડે છે?.! એની સરખામણી કરીએ ત્યારે થાય કે પુરુષનુ-પતિનું પત્નીને દેવાતું એ ‘માસિક-પેકેજ’ તો સાવ નગણ્ય છે
સવારે પતિનું ટિફિન- બાળકોને તૈયાર કરી- એમનું લંચ-બોક્ષ તૈયાર કરી સ્કૂલે રવાના કરવાની સાથે-એની સમાંતરે ઘરના અન્ય સભ્યોની નાની-મોટી ડિમાંડ પૂરી કરવાની અનેક કામગીરી પણ બજાવવાની..
એમાંય જો પોતે જોબ કરતી હોય તો એની પણ તૈયારી કરવાની હોય. આ બધું કરવા માટે સ્ત્રીને ‘પગાર’ નથી જોઈતો, પણ એને જોઈતો હોય છે, તમારો ‘સમય’ -તમારું થોડું ‘વ્હાલ’. તમે થોડો સમય આપો તો એને પોતાના વિચાર- પોતાની પીડા કે કોઈ ઘરના પ્રોબ્લેમ શેયર કરવા હોય છે, પણ કેટલા પુરુષ એવો સમય આપે છે? જો કે એમાંય પુરુષનો પણ વાંક નથી. એનું એક જ મિશન હોય છે કે મારો પરિવાર હસતો રમતો રહે. એ માટે એ દિવસ -રાત મજૂરી પણ કરે છે . એની આવી બધી રોજિંદી કામગીરી પછી એ એટલો થાકી જાય છે કે ‘પેલા સમય’ આપવાની ઇચ્છા હોય તોય એનું બાષ્પીભવન થઇ જાય છે અને આ ઘટમાળ ચાલતી જ રહે છે. પત્ની પણ આ વાત સમજી મનમાં હિજરાતી રહે છે. સ્ત્રીને કોઈ બદલાની અપેક્ષા નથી હોતી.
તમે વાંચતા હશો કે મારા કોલમના ‘ડબ્બલ રીચાર્જ’માં ક્યારેક પત્ની પરના જોક લખું પણ છું. પત્ની વિશેના જોક્સ અઢળક લખાયા કરે છે અને લખાતા રહેશે. હસવા માટે આવી રમૂજ હાથવગી ભલે રહી, પત્ની પણ તમારી સાથે કે તમારા કહેવાતા જોક્સ ઉપર કદાચ હસી પણ લે તોય એનાં મનમાં ખટકો તો રહે છે કે ‘પતિની નજરમાં હું આવી?’ ‘ઘણી વાર તો આવી’ રમુજ એને દુ:ખ આપતી હૈયા સોંસરવી ઊતરી જતી હોય છે.
ઉપરવાળો ન્યાય કરવામાં અવ્વલ હોય છે. કેવાં કેવાં પાત્રો સ્ત્રીના જીવનમાં આવતા રહે છે. પહેલા દીકરી કોઈની બહેન, પછી પ્રેયાસી ને પત્ની બને…પછી માતા. આ બધાની એક જ અપેક્ષા હોય એ ‘સમય’, જે એને નથી મળતો.
માતાની તોલે તો કોઈ ન આવે. આ મારો અનુભવ છે. પાલવના છેડે રૂપિયા બાંધી રાખતી. મા વર્ષો પહેલા પણ એનાં સંતાન માટે એટીએમ જ હતી. માગો ત્યારે આપતી હતી... . મા પીન પણ ક્યા માગતી હતી?!
બીજું પાત્ર,જે તમારે માટે ભેખ ધરતું હોય તો એ છે પત્ની. મહિને જે રકમ એના હાથમાં મૂકો એમાં પરિવારને ‘રાજા’ની જેમ રાખે એવી ‘રાણી’…!
સ્ત્રીનાં લાગણીનાં પુર તો એ હંમેશાં વહેતા જ રહે છે, પણ આપણે એ પ્રેમમાં પ્રેમથી તરવાને બદલે એકલા કિનારે પહોંચી જઈએ અને એ બિચારી મઝધારમાં પ્રેમ મેળવવા તલસતી રહે છે. પત્ની માટે તો ખોટા પ્રશ્નનો ઉત્તર એટલે ‘મૌન’ અને કપરા સમયની શ્રેષ્ઠ પ્રતિક્રિયા એટલે એના હોઠ પર આવતું એમનું સ્મિત.પુરુષની કોઈ ભૂલ સામે પુરુષને ‘અહમ’ બહુ નડતો હોય છે. સ્ત્રીને પણ અહમ હોય છે, પણ એણે કોરાણે મૂકી દઈ વાતાવરણને હસતું કરી દેવાની એનામાં અદભુત શક્તિ છે. સ્ત્રીને ત્યાગની ‘મૂર્તિ’ કહી છે. એનામાં પણ કઈ કેટલાંય અરમાનો નહિ ધરબાયેલા હોય? મા-બાપનું ઘર છોડી સાસરે આવી બધાના સ્વભાવ સાથે પોતાના સ્વભાવને એ બધા સાથે એકરસ કરવો એ ખાવાના ખેલ તો નથી જ નથી. સ્ત્રી છે તો ઘર છે. બહુ સહેલું છે જમીન પર ઘર બનાવવું, પણ કોઈના દિલમાં જગ્યા બનાવવા સ્ત્રી પોતાનાં અરમાનોની આહુતિ આપતી જ રહે છે એ વાતની નોંધ કેટલા પુરુષોએ લીધી હશે કે લે છે ? અરીસામાં જોઇને સાજ સજતી સ્ત્રી એટલું તો સમજતી હોય છે કે અરીસામાં અને સંસારમાં સુખ હોતું જ નથી- એ ફક્ત ભ્રમ હોય છે,છતાં સ્ત્રીની પ્રકૃતિ એ ભ્રમને તોડવા અથાગ પ્રયત્નો કરતી રહે છે.
સાસરે આવતા એણે એક ગાંઠ વાળી લીધી હોય છે કે તમે સહેલા થઇ જાવ પછી કઈ અઘરું નહિ રહે અને આ વાળેલી ગાંઠની સાથે જ એ જીવનમાં કોઈ ‘મડાગાંઠ’ ન પડે એની તકેદારી રાખે છે.
સ્ત્રી કહેતી હોય છે કે પ્રભુ, મને એવી સવાર આપો કે ‘હું તમારી પાસેથી કઈ ન માગું, એની જગ્યાએ તમે જે આપ્યું છે તેને માણતા શીખું.’
ક્યારેક પુરુષની વધુ પડતી અપેક્ષાઓ અને એની થતી ઉપેક્ષાઓથી એને સમજાતું નથી કે આ જિંદગી છે કે જલેબી સાલી મીઠ્ઠી તો લાગે છે પણ ગૂંચવાડા બહુ છે. પરંતુ એ ગૂંચવાડા દૂર કરી મીઠાશ ફેલાવી દે છે.સ્ત્રીને એટલે જ ‘શક્તિ’ કહી છે. ક્યારેક એણે ‘રણચંડી’ બનવું પડે ત્યારે એ રૂપ પણ એને ધારણ કરતાં આવડે છે.
મારી નાટ્ય સફરમાં મને ઘણી સ્ત્રીઓના સારા-માઠા અનુભવો થયા છે, પણ એ વિશે ફરી કોઈ વાર…આજે તો આ મહિલા દિનના અવસરે હું મારી પત્ની ભારતીને તો ઠીક, પણ દુનિયાની દરેક મહિલાને ‘સેલ્યુટ’ કરું છું. એમને એક સંદેશ:
‘પ્રેમ -લાગણી કે ચાહતની દ્રષ્ટિએ માનવીએ ક્યારેય એટલા પરાધીન ન થવું કે પોતાના શ્ર્વાસથી પણ હાથ ધોવાનો વારો આવે. અહીં તો છાયા-પડછાયા વચ્ચે પણ ગહન રમત રમાય છે, વાતે-વાતે એક થાય ને ક્ષણમાં અલગ થતા વાર નહીં…! ’
બસ, આ હકીકત સામે ટ્ક્કર લઈને જે ટ્કી જાય એ ખરી નારી…