યશસ્વીએ વિક્રમોનો ખડકલો કરી દીધો
ધરમશાલા: ૧૯૭૧માં સુનીલ ગાવસકરે બાવીસ વર્ષની ઉંમરે વેસ્ટ ઇન્ડિઝમાં ટેસ્ટ-કરીઅરની ધમાકેદાર શરૂઆત કરી હતી અસ્સલ એવો જ આરંભ બાવીસ વર્ષના યશસ્વી જયસ્વાલે તેની ટેસ્ટ કારકિર્દીમાં કર્યો છે. નવાઈની વાત એ છે કે યશસ્વીએ ગાવસકરના વિક્રમને તોડી નાખ્યો છે. ગાવસકરે પહેલી ૧૧ ટેસ્ટમાં ૧,૦૦૦ રન પૂરા કર્યા હતા, જ્યારે યશસ્વીએ માત્ર નવ ટેસ્ટમાં ૧,૦૦૦મો રન બનાવ્યો છે. એક રીતે યશસ્વી ડૉન બ્રૅડમૅન પછી બીજા નંબરે છે. બ્રૅડમૅન માત્ર પહેલી સાત ટેસ્ટમાં ૧,૦૦૦ રન સુધી પહોંચી ગયા હતા. આ રેકૉર્ડમાં યશસ્વી બીજા સ્થાને એવર્ટન વીક્સ, હર્બર્ટ સટક્લિફ અને જ્યોર્જ હેડલી સાથે જોડાયો છે.
યશસ્વીએ ગઈ કાલે ઇંગ્લૅન્ડ સામેની પાંચમી ટેસ્ટના પ્રથમ દિવસે ૫૭ રન બનાવીને બીજા કેટલાક રેકૉર્ડ પોતાના નામે કર્યા હતા તો અન્ય કેટલાકમાં તે દિગ્ગજોની હરોળમાં આવ્યો હતો.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ૨૦૨૩-૨૫ની સીઝનમાં યશસ્વી ૧,૦૦૦ રન બનાવનારો વિશ્ર્વનો પહેલો જ બૅટર બન્યો છે.
ગુરુવારે પ્રથમ દિવસની રમતને અંતે ભારતનો સ્કોર એક વિકેટે ૧૩૫ રન હતો. એ પહેલાં, ટૉસ જીત્યા બાદ ઇંગ્લૅન્ડની ટીમ ૨૧૮ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.