કોંગ્રેસને મોટો ઝટકો: કેરળમાં 4 વખતના CM કરુણાકરણની પુત્રી પદ્મજા ભાજપમાં જોડાયા
નવી દિલ્હી: કેરળના પૂર્વ મુખ્યમંત્રી કે કરુણાકરણની પુત્રી ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસના નેતા પદ્મજા વેણુગોપાલ તેમના કોંગ્રેસી પિતાનો વારસો છોડીને ભાજપમાં જોડાયા છે. ગુરુવારે સાંજે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પદ્મજાને પાર્ટીની સદસ્યતા આપી હતી. સભ્યપદ સ્વીકાર્યા બાદ પદ્મજાએ કહ્યું કે તે પોતાની રાજકીય કારકિર્દીમાં પ્રથમ વખત રાજકીય પક્ષ બદલી રહી છે. તેમણે કહ્યું કે તેઓ લાંબા સમયથી કોંગ્રેસની કાર્યશૈલીથી નાખુશ હતા.
પદ્મજાના કોંગ્રેસ પર પ્રહાર
પદ્મજા વેણુગોપાલે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ હાઈકમાન્ડને તેમની પીડા અને ફરિયાદ જણાવવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે વધુમાં કહ્યું કે તે દિલ્હી કોંગ્રેસના ટોચના નેતૃત્વને મળવા માટે કેરળથી આવી હતી, પરંતુ તેમણે કોઈ ભાવ આપ્યો નહોતો. કોઈએ મળવાની પણ તસ્દી લીધી નહીં. પદ્મજાના કહેવા પ્રમાણે, ‘હું સોનિયા ગાંધીનું ખૂબ સન્માન કરું છું પરંતુ તેમણે મને ક્યારેય સમય આપ્યો નથી.’
કેરળના ચાર વખત મુખ્યમંત્રી રહી ચુકેલા કરુણાકરણની પુત્રી પદ્મજાનું ભાજપના સભ્ય બનવું આ દૃષ્ટિકોણથી પણ મહત્વનું છે, કારણ કે તેના જનાધારને વધારવા માટે ભાજપ દક્ષિણ ભારત સહિતના એવા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જ્યાં પાર્ટી પાસે પૂરતા મતો નથી અને સાંસદો-ધારાસભ્યો પણ નથી.
ભાઈ મુરલીધરન થયો દુ:ખી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રણ દિવસ પહેલા સુધી કોંગ્રેસના કાર્યક્રમોમાં સામેલ રહી ચુકેલા પદ્મજા અંતે આજે ગુરુવારે બીજેપીમાં સામેલ થઈ ગા હતા. આ નિર્ણયથી દુઃખી થયેલા પદ્મજાના ભાઈ મુરલીધરે કહ્યું છે કે તેમના પિતાનો આત્મા તેમના આ કૃત્યને ક્યારેય માફ નહીં કરે. વડકારા લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા સાંસદ મુરલીધરને કહ્યું કે તેઓ પદ્મજા સાથેના તમામ સંબંધો તોડી રહ્યા છે.