પ્રજામત
કાશ્મીરમાં લોક પ્રતિનિધિત્વ ક્યારે?
કાશ્મીરનો ખાસ દરજ્જો નાબૂદ કરી ત્યાની ધારાસભા ભંગ કરી કાશ્મીર પ્રદેશને બે કેન્દ્રિય પ્રદેશોમાં વહેંચવાના કેન્દ્ર સરકારના નિર્ણયને ૫ વર્ષ થયા. કેન્દ્ર સરકારના આ નિર્ણય પર સર્વોચ્ચ અદાલતની બંધારણીય ખંડપીઠે મંજૂરીની મહોર પણ લગાવી દીધી છે. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતના નિર્ણયને આવકાર્યો પણ છે.
કેન્દ્ર સરકાર સમયાંતરે જાહેર કરે છે કે કાશ્મીરમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે. ધારાસભા બરખાસ્ત થયાને પાંચ વર્ષનો સમય થયો છે. હવે ત્યાં લોકપ્રતિનિધિત્વ ધારા મુજબ ચૂંટણી યોજાવી જોઈએ અને લોકોને પોતાનો અવાજ રજૂ કરવા માટે લોકપ્રતિનિધિત્વ પુન: પ્રાપ્ત થવું જોઈએ.
– અશ્ર્વિનકુમાર ન. કારીઆ
સુપ્રીમ કોર્ટનો ઔતિહાસિક ચુકાદો
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને દાન માટેની ચૂંટણી બોન્ડની વ્યવસ્થાને ગેરકાયદે ગણાવી તેના પર પ્રતિબંધ મૂક્યો છે. સ્ટેટ બૅંક ઓફ ઈન્ડિયાને નવા ઈલેક્ટોરલ (ચૂંટણી) બૉન્ડ ઈસ્યુ કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. સ્ટેટ બૅંક ઓફ ઈન્ડિયાએ ૧૨મી એપ્રિલ, ૨૦૧૯થી અત્યાર સુધી ખરીદવામાં આવેલ ચૂંટણી બોન્ડ વિશેની માહિતી ૬ માર્ચ સુધીમાં ચૂંટણી પંચને આપવી પડશે અને ૧૩ માર્ચ સુધીમાં ચૂંટણી પંચે કયા રાજકીય પક્ષના કોણે કેટલાના ચૂંટણી બોન્ડ ખરીદીને દાન કર્યું તેની વિગતો વેબસાઈટ પર મૂકવી પડશે. ઈલેક્ટોરલ (ચૂંટણી) બોન્ડ ખરદનારનું નામ અત્યાર સુધી ખાનગી રખાતું હતું પણ હવે સુપ્રીમ કોર્ટના આદેશને લીધે આ નામ ગુપ્ત નહીં રાખી શકાય તે જાહેર કરવા પડશે. જેથી રાજકીય પક્ષોને કોણે કેટલું દાન કર્યું છે તે જાણવા મળશે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી એ વાત હવે પુરવાર થઈ છે કે રાજકીય પક્ષો ભલે પોતાને અનુકૂળ આવે તેવા કાયદા ઘડે કે વ્યવસ્થા ગોઠવે પણ સુપ્રીમ કોર્ટ બંધારણને જ મહત્ત્વ આપી તેને લક્ષમાં લઈ ચુકાદો આપે છે. તેથી સુપ્રીમ કોર્ટના ચુકાદાને અવશ્ય ઐતિહાસિક ગણી શકાય.
- મહેશ વી. વ્યાસ
પાલનપુર