ઝવેરી બજાર, વર્સોવામાં ડીઆરઆઇની રેઇડ: દુબઇથી સોનાની દાણચોરી પ્રકરણે પાંચ જણની ધરપકડ
મુંબઈ: દુબઇથી દાણચોરી દ્વારા લવાયેલું સોનું ભારતમાં વેચનારી ટોળકીના પાંચ જણને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ને ઝડપી પાડ્યા હતા. આ પ્રકરણે ડીઆરઆઇની ટીમે ઝવેરી બજાર, મુંબાદેવી અને વર્સોવા વિસ્તારમાં રેઇડ પાડીને 14 કિલોથી વધુનું સોનું, બે કરોડની રોકડ તથા 4,600 પાઉન્ડ જપ્ત કર્યા હતા.
આ ટોળકી બેથી ત્રણ હજાર રૂપિયા પ્રતિકિલો કમિશન પર દાણચોરી કરીને લાવેલું સોનું ઓછી કિંમતે વેચતી હતી. જપ્ત કરાયેલા સોનાની કિંમત રૂ. 8.25 કરોડ છે. આ પ્રકરણમાં સંડોવાયેલી એક મહિલા સહિત દુબઇના મુખ્ય આરોપી વિશે ડીઆરઆઇને માહિતી મળી છે.
ડીઆરઆઇ દ્વારા ધરપકડ કરાયેલા પાંચેય જણની ઓળખ મોહંમદ રફીક રઝવી (58), મહેન્દ્ર જૈન (52), સમીર મર્ચન્ટ ઉર્ફે અફઝલ હારુન બટાટાવાલા (56), ઉમેદ સિંહ (24) અને મહિપાલ વ્યાસ (42) તરીકે થઇ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ સમીર મર્ચન્ટ સોનાની દાણચોરીમાં સક્રિય હોવાની માહિતી ડીઆરઆઇના અધિકારીઓને મળી હતી. આ દાણચોરી બટાટાવાલાના માધ્યમથી કરાતી હતી. બાદમાં ભારતીય બજારમાં વેચવા માટે આ સોનું રઝવીને આપવામાં આવતું હતું. સોનાનું વેચાણ મઝગાંવ ખાતેના એજન્ટ મારફત કરવામાં આવતું. આ અંગે ડીઆરઆઇના અધિકારીઓ છેલ્લા કેટલાક દિવસથી તપાસ કરી રહ્યા હતા. ઝવેરી બજાર ખાતે બે સ્થળેથી આ વ્યવહાર ચાલતો હોવાનું ડીઆરઆઇને જાણવા મળ્યું હતું. આથી અધિકારીઓએ વિઠ્ઠલવાડી રોડ પરની દુકાનમાં છાપો માર્યો હતો, જ્યાં 10 કિલો સોનું મળી આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ડીઆરઆઇએ 1997માં હોંગકોંગથી વિદેશી ચલણ લાવવા બદલ સમીર મર્ચન્ટની ધરપકડ કરી હતી. ત્યાર બાદ 2004માં અમદાવાદ એનસીબી દ્વારા તેની ધરપકડ કરાઇ હતી.