હવે સંદેશખાલી જતા ભાજપનાં મહિલા નેતાઓની કરાયી અટકાયત, જાણો કેમ?
કોલકાતાઃ ભાજપના રાજ્ય મહાસચિવ અગ્નિમિત્રા પોલ અને લોકેટ ચેટરજીની આગેવાનીમાં પાર્ટીની મહિલા નેતાઓને બંગાળ પોલીસે ગુરૂવારે બપોરે કોલકાતાની બહારના વિસ્તારમાં આવેલા ન્યૂ ટાઉનમાં સંદેશખાલી તરફ જતા અટકાવ્યા હતા. આ દરમિયાન મહિલા આગેવાનો અને પોલીસ વચ્ચે મારામારી અને ઉગ્ર બોલાચાલી થઇ હતી બાદમાં તેઓની અટકાયત કરવામાં આવી હતી.
તેમ જ જ્યાં તેમને રોકવામાં આવ્યા હતા ત્યાં ઘણા નેતાઓ વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. નેતાઓએ આરોપ લગાવ્યો કે વિસ્તારના કેટલાક ભાગોમાં સીઆરપીસીની નિષેધાત્મક કલમ ૧૪૪ લાગુ હોવાના આધારે તેમને સંદેશખાલી જવાથી અટકાવવામાં આવ્યા હતા.
પૂર્વ આઇપીએસ અધિકારી અને ભાજપની ટીમના સભ્ય ભારતી ઘોષે કહ્યું હતું કે આ અત્યંત અપમાનજનક છે. સંદેશખાલીમાં આંદોલનના પ્રતિબંધને ટાંકીને પોલીસ અમને કોલકાતામાં કેવી રીતે રોકી શકે? આસનસોલ દક્ષિણના વિધાનસભ્ય પૌલે કહ્યું કે ટીમનો હેતુ માત્ર સંદેશખાલીના તે વિસ્તારોની મુલાકાત લેવાનો હતો, જે કલમ ૧૪૪ના દાયરાની બહાર છે. તેમણે આગળ પૂછ્યું કે શું કોલકાતામાં કલમ ૧૪૪ લાગુ છે?
પોલીસ અમારા આંદોલનને ક્યા આધારે રોકી શકે? તો વળી હુગલીના સાંસદ ચેટરજીએ કહ્યું કે સંદેશખાલીમાં પોલીસ અને તૃણમૂલને હજુ પણ ઘણું છુપાવવાનું બાકી છે, તેમ છતાં ત્યાં આચરવામાં આવેલા ઘણા અત્યાચારોનો પર્દાફાશ થઇ ચૂક્યો છે. ભાજપ નેતા ફાલ્ગુની પાત્રા પણ ટીમમાં સામેલ હતા.
જ્યારે ચેટરજીને અન્ય મહિલા નેતાઓ સાથે પોલીસ વાનમાં બેસવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણીએ ત્યાં હાજર પોલીસ અધિકારી સાથે ઝઘડો શરૂ કર્યો હતો. ગયા અઠવાડિયે પણ તેમને ભોજેરહાટમાં રોકવામાં આવ્યા હતા.
તૃણમૂલ નેતા કુણાલ ઘોષે કહ્યું કે ભાજપના નેતાઓ વિસ્તારના લોકોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પરિસ્થિતિને સામાન્ય થવા દેતા નથી. તેમણે કહ્યું હતું કે પોલીસ તેમનું કામ કરી રહી છે અને સંદેશખાલીમાં સ્થિતિ સામાન્ય છે.