સ્પોર્ટસ

કુલદીપ-અશ્ર્વિનના તરખાટ પછી ઇંગ્લૅન્ડને ભારતનો સજ્જડ જવાબ

બેન સ્ટૉક્સની ટીમના 218 બાદ રોહિત ઍન્ડ કંપનીના એક વિકેટે 135

ધરમશાલા: અહીં પાંચમી અને છેલ્લી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી લાઇવ)ના પ્રથમ દિવસે ટૉસ ઇંગ્લૅન્ડે જીત્યો અને પહેલા જ દિવસે મૅચ પર મજબૂત પકડ ભારતે જમાવી હતી.

સવારના અને બપોરના સત્ર લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ તથા ઑફ સ્પિનર રવિચન્દ્રન અશ્ર્વિનના હતા તો સાંજનું સત્ર યશસ્વી જયસ્વાલના નામે લખાયું હતું. કુલદીપના પાંચ વિકેટના તરખાટને કારણે અને 100મી ટેસ્ટ રમી રહેલા અશ્ર્વિનની ચાર વિકેટને લીધે ઇંગ્લૅન્ડની ટીમ માત્ર 218 રનમાં ઑલઆઉટ થઈ ગઈ ત્યાર પછી ભારતે રમતના અંત સુધીમાં 30 ઓવરમાં એક વિકેટના ભોગે 135 રન બનાવ્યા હતા.

યશસ્વી જયસ્વાલ અનેક વિક્રમો રચીને 57 રનના પોતાના સ્કોર પર આઉટ થઈ ગયો હતો, પરંતુ કૅપ્ટન રોહિત શર્મા બાવન રને અને શુભમન ગિલ 26 રને રમી રહ્યો હતો. યશસ્વી ઉપરાંત રોહિત અને ગિલ પણ આક્રમક મૂડમાં રમ્યા હતા. ત્રણેય બૅટરે મળીને કુલ સાત છગ્ગા ફટકાર્યા હતા. એની તુલનામાં આખી ઇંગ્લૅન્ડની ટીમમાં ફક્ત ત્રણ સિક્સર હતી.

યશસ્વીએ 57 રન ત્રણ સિક્સર અને પાંચ ફોરની મદદથી બનાવ્યા હતા, જ્યારે રોહિતના બાવન રનમાં બે સિક્સર, છ ફોર તેમ જ ગિલના 26 રનમાં બે સિક્સર અને બે ફોર સામેલ છે.

યશસ્વીની વિકેટ સ્પિનર શોએબ બશીરે લીધી હતી. યશસ્વી સ્ટમ્પ-આઉટ થયો હતો. તેની અને રોહિત વચ્ચે 104 રનની પાર્ટનરશિપ થઈ હતી. આ સિરીઝમાં ભારતની આ સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી હતી.

યશસ્વી અને રોહિતની ઓપનિંગ જોડીએ ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર તેમ જ સ્પિનરની શરૂઆતથી જ ખબર લઈ નાખી હતી. યશસ્વીએ સ્પિનરોના આગમનની રાહ જોઈ અને તેમને આક્રમણમાં મુકાયા કે તરત તેણે ધમાકેદાર બૅટિંગ શરૂ કરી દીધી હતી. તેણે શોએબ બશીરની પહેલી જ ઓવરમાં ત્રણ સિક્સર ફટકારી દીધી હતી. રોહિતે માર્ક વૂડના કલાકે 150 કિલોમીટરની ઝડપે ફેંકાયેલા બૉલને ફાઇન લેગની ઉપરથી બાઉન્ડરી લાઇનની બહાર મોકલી દીધો હતો.

એ પહેલાં, બેન સ્ટૉક્સે ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી. ઓપનર ઝૅક ક્રૉવ્લીના 79 રન બ્રિટિશ ટીમમાં હાઈએસ્ટ હતા. તેના સિવાય બીજો કોઈ બૅટર 30 રન પણ નહોતો બનાવી શક્યો.
રમતના અંતે ભારતનો સ્કોર 135/1 હતો અને ઇંગ્લૅન્ડના 218 રનથી ભારતીય ટીમ ફક્ત 83 રન પાછળ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…