નેશનલ

કર્ણાટકમાં પાણી માટે પોકાર, 123 તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર, બેંગ્લુરૂમાં સ્કૂલો અને કોચિંગ ક્લાસ બંધ

બેંગ્લુરૂ: ગાર્ડન સિટી તરીકે જગવિખ્યાત કર્ણાટકનું પાટનગર બેંગ્લુરૂ આજે પાણીના એક-એક ટીપા માટે તરસી રહ્યું છે. ઉનાળાના આગમન પહેલા જ શહેરમાં પાણીની તંગીની સમસ્યા વધુ વિકટ બની છે. આ માત્ર બેંગ્લુરૂ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. શહેરના કેટલાક વિસ્તારોમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે અહીંના કોચિંગ સેન્ટરો અને સ્કૂલો તેમના બાળકોને ઘરમાં રહીને જ ક્લાસ લેવાનું કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં, તાજેતરમાં જ બેંગ્લોર વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ (BWSSB) એ શટડાઉનની જાહેરાત કરી હતી, જો કે આ પગલું જરૂરી જાળવણી કાર્ય કરવા અને અનએકાઉન્ટેડ ફોર વોટર (UFW) સ્થાપિત કરવા માટે લેવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગે ઓછા વરસાદની આ પરિસ્થિતી માટે અલ નીનો અસરને જવાબદાર ગણાવ્યું છે.

સમસ્યા વધુ વિકટ બની

બેંગલુરૂના વિજયનગરમાં સ્થિત કોચિંગ સેન્ટરે પોતાના વિદ્યાર્થીઓને એક સપ્તાહ માટે ઈમર્જન્સીનું કારણ આપીને ઓનલાઈન ક્લાસ લેવા માટે કહ્યું છે. જ્યારે શહેરના બન્નેરઘટ્ટા રોડ પર આવેલી એક સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે. સ્કૂલના મેનેજમેન્ટએ વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ ક્લાસમાં ભાગ લેવાનું કહીં દીધું છે.

નેતાઓની પણ મુશ્કેલી વધી

બેંગ્લોરમાં બગડતી પરિસ્થિતિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે કુમારકૃપા રોડ પર કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની ઓફિસની અંદર પાણીના ટેન્કરો જોવા મળ્યા હતા. એ જ રીતે નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે તાજેતરમાં કહ્યું હતું કે સદાશિવનગર નગર સ્થિત તેમના ઘરનો બોરવેલ સુકાઈ ગયો છે. જ્યારે સદાશિવનગર સાંકી તળાવની બાજુમાં આવેલું છે.

કર્ણાટકની રાજધાનીમાં રસ્તાઓ પર પાણીના ટેન્કરો જોવા એ હવે સામાન્ય બાબત બની ગઈ છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે સામાન્ય દિવસોમાં પાણીના ટેન્કરની કિંમત રૂ. 700 થી રૂ. 800 હોય છે, જ્યારે વધુ માંગ હોય ત્યારે આ ટેન્કરો હાલ રૂ. 1,500 થી રૂ. 1,800માં મળી રહ્યા છે.

સરકારે શું પગલા લીધા?

બેંગલુરુ ડેલપમેન્ટના પ્રભારી ડેપ્યુટી સીએમ શિવકુમારે શહેરમાં પાણીની માંગને પહોંચી વળવા ખાનગી ટેન્કરો અને ખાનગી બોરવેલ ભાડે રાખવાની જાહેરાત કરી છે. પાણી પહોંચાડવા માટે દૂધના ટેન્કરનો પણ ઉપયોગ કરવામાં આવશે. સરકાર ટેન્કર દીઠ પાણીનો દર પણ નક્કી કરવા વિચારી રહી છે.

સીએમ સિદ્ધારમૈયાના જણાવ્યા અનુસાર, કર્ણાટકના 136 તાલુકાઓમાંથી 123 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે અને 109 ગંભીર રીતે અસરગ્રસ્ત છે. કર્ણાટક સરકારે પાણીની સમસ્યાના નિવારણ માટે તાલુકા સ્તરે કંટ્રોલ રૂમ અને હેલ્પલાઈન સ્થાપવાનો પણ નિર્ણય લીધો છે. પશુઓ માટે પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો અને ઘાસચારો મળી રહે તે માટે વિસ્તારના ધારાસભ્યના નેતૃત્વ હેઠળ તાલુકા કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.

અધિકારીએ જણાવ્યું કે બુધવારે બેંગ્લુરૂમાં તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જો કે તે 1986 ના તાપમાન કરતા ઓછું છે. માર્ચ, 1986માં તાપમાન 37.3 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, પરંતુ આ મહિનાના અંતમાં થયું હતું. માર્ચ મહિનો પુરો થવાને હજુ 24 દિવસ બાકી છે ત્યારે આ પરિસ્થિતી સર્જાઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button