અશ્વિન હર્ષનાં આસું રોકી ન શક્યો, પ્રતિષ્ઠિત કૅપ દીકરીને સોંપી
ધરમશાલા: ભલભલા બૅટરને ચક્કર ખવડાવી દે એવા બૉલ રવિચન્દ્રન અશ્વિનના હાથમાંથી છૂટતા હોય છે. ક્યારેક ચર્ચાસ્પદ મુદ્દે તેના મોંમાંથી શબ્દોના તીર પણ છૂટતા હોય છે અને ગુરુવારે સવારે ધરમશાલાના મેદાન પર તે હર્ષના આસુંને પણ બહુ લાંબો સમય રોકી નહોતો શક્યો. જોકે અવસર અને ક્ષણ જ એવા હતા કે કોઈ પણ ખેલાડી ભાવુક થઈ જ જાય.
100મી ટેસ્ટ રમવા બદલ પ્રતિષ્ઠિત કૅપ સોંપી ત્યાર માત્ર અશ્ર્વિન નહીં, તેની પત્ની પ્રીતિ પણ લાગણીવશ થઈ ગઈ હતી અને તેમની બન્ને પુત્રીઓ અખિરા તથા આધ્યા કદાચ આ ઘટનાની પૂરેપૂરી ગંભીરતા નહીં જાણતી હોય એટલે થોડા હળવા મૂડમાં હતી.
હેડ-કોચ રાહુલ દ્રવિડે ઇમોશનલ સ્પીચ બાદ અશ્વિનને યાદગાર કૅપ સુપરત કરી હતી.
અશ્વિને હજી થોડા જ દિવસ પહેલાં 500મી ટેસ્ટ વિકેટ લઈને કંઈ કેટલાય રેકૉર્ડ પોતાના નામે કર્યા હતા. ખાસ કરીને, 500મી વિકેટ લેનાર વિશ્ર્વનો સેક્ધડ ફાસ્ટેસ્ટ બોલર બન્યો હતો અને ભારતમાં સૌથી વધુ વિકેટ લેનારાઓમાં અનિલ કુંબલેને પાછળ રાખીને મોખરાનો ભારતીય બોલર બન્યો હતો.
અશ્વિનને 100મી ટેસ્ટ બદલ સ્પેશ્યલ કૅપની ભેટ બીસીસીઆઇ તરફથી અપાઈ હતી. આ કૅપને કાચના બૉક્સમાં રાખવામાં આવી હતી. અશ્ર્વિને તરત જ આ કૅપ પુત્રીને સોંપી હતી. ત્યાર બાદ એક પછી એક ભારતીય ટીમના દરેક ખેલાડીએ અશ્ર્વિનને અભિનંદન આપ્યા હતા.
રોહિત શર્માએ બુધવારે જ કહ્યું હતું કે ‘અશ્ર્વિન ટીમનો મૅચ-વિનર બની રહ્યો છે. 100મી ટેસ્ટ કોઈ પણ ખેલાડી માટે મોટી સિદ્ધિ કહેવાય. અશ્વિને ટીમ માટે જે કર્યું એ વ્યક્ત કરવા માટે શબ્દો ઓછા પડે. છેલ્લા પાંચ-સાત વર્ષમાં તેણે કમાલનું પર્ફોર્મ કર્યું છે. તેણે દરેક સિરીઝમાં મોટું યોગદાન આપ્યું છે. કોઈ પણ ટીમને તેના જેવો ખેલાડી ભાગ્યે જ મળતો હોય.’
રોહિત શર્માએ અશ્વિનને ‘ક્રિકેટ સાયન્ટિસ્ટ’ તરીકે ઓળખાવ્યો હતો. રોહિતે એક મુલાકાતમાં કહ્યું, ‘કૅપ્ટન તરીકે હું તેને અન્ડર-19 અને અન્ડર-17ના દિવસોથી ઓળખું છું. ત્યારે તે ઓપનર હતો અને સારી બૅટિંગ કરતો હતો. ત્યાર પછી તેણે ઑફ સ્પિન બોલિંગ પર એકાગ્રતા રાખી હતી અને અવ્વલ દરજ્જાનો બોલર બન્યો. અશ્વિન જેવો પ્લેયર જો ટીમમાં હોય તો કૅપ્ટને ખાસ કંઈ વિચારવાનું ન હોય. ગેમ-પ્લાનિંગની વાત કરીએ તો તેને જો બોલિંગની જવાબદારી સોંપવામાં આવે તો તે આખી બાજી સંભાળી શકે.’