લીકર કેસમાં સંજય સિંહ અને સિસોદિયાને કોર્ટે રાહત આપી નહીંઃ ચૂંટણી ટાણે ‘આપ’ને ફટકો
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ (Sanjay Sinh) અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મનીષ સિસોદિયા (Manish Sosodiya) ને દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાંથી રાહત મળી નથી. આ કેસમાં ફરી એકવાર કોર્ટે બંને નેતાઓની જ્યુડિશિયલ કસ્ટડી 19 માર્ચ સુધી લંબાવી છે.
છેલ્લી સુનાવણીમાં એટલે કે શનિવારે (2 માર્ચ)ના રોજ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એક્સાઇઝ પોલિસી કેસમાં AAP નેતાઓ મનીષ સિસોદિયા અને સંજય સિંહની જ્યુડિશિયલ કસ્ટડી પાંચ દિવસ માટે વધારી દીધી હતી, જે આજે જ સમાપ્ત થઈ રહી હતી.
મનીષ સિસોદીયા દિલ્હીના મુખ્ય પ્રધાન અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ (Arwind Kejriwal)ની ખૂબ નજીક માનવામાં આવે છે. તેઓ ચૂંટણી સમયે પ્રચારમા અને રણનીતિમાં પણ મોટી ભૂમિકા ભજવે છે. લોકસભાની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થશે. આપએ ઈન્ડિયા બ્લોક સાથે ગઠબંધન કર્યુ છે, પરંતુ પંજાબની ચૂંટણી એકલા લડવાની જાહેરાત કરી છે.
દિલ્હી મામલે હજુ અસમંજસ જેવો માહોલ છે. ગુજરાતમાં કૉંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે. આ રીતે પોતાના વર્ચસ્વ વિનાના રાજ્યોમાં તે ગઠબંધનમાં છે. લોકસભાની ચૂંટણી કેજરીવાલની પાર્ટી માટે ઘણી મહત્વની છે ત્યારે તેમના બન્ને મજબૂત નેતા જેલમાં છે, જે પક્ષ માટે ઝટકા સમાન છે.