બાળક મોબાઈફોનમાં રમવામાં વ્યસ્ત હતો, ઘરમાં ઘૂસી આવ્યો દીપડો અને પછીં થયું કંઈક એવું કે…
આજકાલના બાળકોમાં મોબાઈલને લઈને ખૂબ જ ક્રેઝ જોવા મળે છે. કલાકોના કલાકો સુધી બાળકો મોબાઈલ ફોન પર ગેમ રમ્યા કરે છે. પરંતુ મહારાષ્ટ્રના નાશિકના માલેગાંવ ખાતે મોબાઈલમાં ગેમ રમી રહેલાં બાળક સાથે કંઈક એવું બન્યું હતું કે જેના વિશે વિચારીને કે સાંભળીને પણ તમારા રૂંવાડા ઊભા થઈ જશે. આવો જોઈએ શું છે આ આખી ઘટના…
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં માલેગાંવ ખાતે એક દીપડો રખડતો રખડતો મેરેજ લોનમાં પહોંચી ગયો ગતો અને ત્યાર બાદ તે એક રૂમમાં ઘૂસી ગયો હતો. આ રૂમમાં દરવાજા પાસે જ એક સોફો હતો જેના પર બેસીને એક બાળક મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. મોબાઈલમાં વ્યસ્ત બાળકને એની જાણ પણ નથી થતી. પણ જેવી એને જાણ થાય છે ત્યાર બાદ તેણે જે કર્યું એ જોઈને તમે પણ ચોંકી ઉઠશો.
વીડિયોમાં આગળ એવું જોવા મળી રહ્યું છે કે જેવી બાળકને જાણ થાય છે કે તેના રૂમમાં એક વિશાળકાય દીપડો ઘૂસી આવ્યો છે એ જોઈને તરત જ તે જરા પણ ગભરાયા કે અવાજ કર્યા વિના રૂમમાંથી બહાર નીકળી જાય છે અને દરવાજો બંધ કરી દે છે. આ જોઈને નેટિઝન્સ આ બાળકની સૂઝબૂઝના ખૂબ જ વખાણ કરી રહ્યા છે અને આ બાળકની ઓળખ મોહિત વિજય આહિરે તરીકે કરવામાં આવી છે અને ઘટના માલેગાંવના સાંઈ સેલિબ્રેશન લોનની છે.
કોઈ પણ વ્યક્તિ દીપડાને જોઈને ગભરાઈ જાય અને બૂમાબૂમ કરવા લાગે પણ આ નાનકડા બાળકે જેટલી ધીરગંભીરતાથી કામ લીધું અને બહાદુરી દેખાડી એ ખરેખર સરાહનીય છે. દીપડા જેવા સ્ફૂર્તીલા પ્રાણીને પણ કંઈ ખબર પડે એ પહેલાં બાળકે તેને રૂમમાં પૂરી દીધો હતો.
બાદમાં બાળકે પોતાના પરિવારને આ ઘટનાની જાણ કરી અને ત્યાં લોકોની ભીડ થવા લાગી હતી. પોલીસ, વન વિભાગ, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને નાસિકથી રેસ્ક્યુ ટીમ બોલાવવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમે દીપડાને ટ્રેન્ક્યુલાઈઝ કરીને પિંજરામાં બંધ કરીને વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.