લાડકી

હે, ઈશ્ર્વર તમે સાંભળો છો?

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી

મહેક અને ખુશાલી આમ એ બન્નેને એકબીજા સાથે કોઈ નાતો નહીં સિવાય કે સાથે ભણતાં ક્લાસમેટ.

બન્નેએ ક્યારેય વાત પણ નહીં કરી હોય. ક્યારેય એકબીજાની હાજરીની નોંધ પણ નહીં લીધી હોય. ઉલ્ટું મહેક જેનો અજાણતા જ હિસ્સો બની ગયેલી એ નવ્યા એન્ડ ગ્રુપ તો ખુશાલીની ખુશીઓ છીનવવા હંમેશાં તત્પર રહેતું. મહેકને એ ગમતું નહીં, પણ એ ક્લાસમાં નવી આવેલી ત્યારથી જ ‘નરોવા-કુંજરોવા’ની જેમ વર્તતી. એવામાં માસિકધર્મ ને પ્યુબર્ટીની સમસ્યાઓ વિશે સ્કૂલમાં સેમિનારનું આયોજન થયું. મહેકને તો આવા કોઈ બદલાવ હજુ શરૂ જ નહોતા થયા એટલે એ મનોમન ઉદાસ રહેતી તો વળી ખુશાલીને એ શરૂ થવા દેવું જ નહોતું, પણ કુદરતી પ્રક્રિયા છે એટલે ગમે ત્યારે ટપકી તો પડશે એ વિચારે એ પરેશાન રહેતી. મહેકના મનમાં ઠસી ગયેલું કે જો આ ઉંમરે પિરિયડ્સ ના આવે તે એ અત્યંત ખરાબ કહેવાય, જ્યારે ખુશાલીના ઘરમાં મેન્સ્ટ્રુએશન જે પ્રતિબંધ લઈને આવતું અને મમ્મીને ભાગે જે મુશ્કેલીઓ વેઠવાની આવતી એ જોઈ પોતાને આવું કંઈના જ આવે એની તે મનોમન પ્રાર્થના કરતી.

સેમિનારમાં પાપ-પુણ્ય જેવી વાતો સાંભળી મહેકથી થોડે દૂર બેસેલી ખુશાલીના મનમાં સવાલ સળવળ્યો: ‘મેન્સ્ટ્રુએશન ખરાબ કે સારું? જો મેડમ કહે છે. એમ સારું અને જરૂરી હોય તો પછી ઘરમાં દાદી-મમ્મી કે
ફોઈ મને કેમ એમ કહે છે કે એ ખરાબ ગણાય? ભગવાનને અડાય નહીં, મંદિરે જવાય નહીં? શાસ્ત્રોમાં એને કેમ ખોટું-ખરાબ કહેવાયું છે?’ ખુશાલી આવા પ્રશ્ર્નો બધા વચ્ચે ઊભી થઈને પૂછી શકે એવી હિંમતનહોતી ધરાવતી એટલે ના એણે કોઈ સવાલ પૂછ્યો ને ના આવો કોઈ ઉલ્લેખ કે એવો ખુલાસો સેમિનારમાં સ્પીકર્સે કર્યો.

ધર્મ અને માસિકધર્મ સાથે સંકળાયેલા નીતિનિયમો, માન્યતાઓ, ગેરમાન્યતાઓ અને પાપ-પુણ્ય,ઈત્યાદિને લઈને ટીનએજર્સના મનોભાવ- મનોવ્યથાને સાંભળવા તેમજ સમજવા અત્યંત અગત્યના છે. મેન્સ્ટ્રુએશન- માસિકસ્રાવ સાથે અનેક પ્રકારની માન્યતા સંકળાયેલી છે, જેને ‘મેન્સ્ટ્રુએશન મીથ’ કહેવામાં આવે છે.

આજકાલ આ મીથ્સ-ખોટી માન્યતા વિશે સોશિયલ મીડિયામાં નાની-મોટી ઝુંબેશ કે પછી જાતભાતની ચર્ચા ચાલતી રહેતી હોય છે. આ વિશે સાયન્સ શું કહે છે એ જણાવવા અનેક માધ્યમનો ઉપયોગ થઈ રહ્યો છે તેમ
છતાં મોટાભાગની ટીનેજર્સના મનમાં મેન્સ્ટ્રુએશન આવે એ પહેલા એની ‘મીથ્સ’ એટલેકે ગેરમાન્યતાઓ ઘુસાડી દેવામાં આવે છે.

જો કે, મહેકનું જીવન પિરિયડ્સ અને એની ઉત્સુકતા સિવાય પણ અન્ય એક મુદ્દા આસપાસ વણાયેલું હતું એટલે એ અંગે એણે ફટાક ઊભા થઈને પૂછી લીધું કે, દરેકને પોતાનો ધર્મ પસંદ કરવાની છૂટ મળવી જોઈએ કે નહીં? આપણે જન્મ લઈએ ત્યારે જ આપણો ધર્મ નક્કી થયેલો હોય એવું શા માટે?

ક્યા ધર્મને અનુસરવો એ અંગે આપણી પસંદ કે ના પસંદનો કેમ કોઈ વિચાર કરવામાં નથી આવતો? ’
ખુશાલીની માફક મહેક શરમાળ નહોતી, થોડી ઉતાવળી ખરી એટલે સેમિનારનો વિષય ભલે માસિકધર્મનો હોય પણ પાપ-પુણ્ય ને ધર્મ જેવા શબ્દો કાને પડતાં એણે આવા પ્રશ્ર્ન પૂછી લીધા. આ સાંભળીને કાઉન્સેલર તરીકે બેઠેલી સુરભીના કાન ચમક્યા, પણ જવાબ આપવાને બદલે ‘આ વિષય અલગ છે’ તેમ કહી મહેકને બેસાડી દેવામાં આવી, પણ મહેકે અચાનક આવા સવાલો કેમ પૂછ્યા એની પાછળનું કારણ જાણવાની ચટપટી તો ત્યાં હાજર રહેલા લગભગ સૌને થઈ હતી.

-તો વાત જાણે એમ હતી કે, મહેકના પિતા હિન્દુ છે અને માતા ક્રિશ્ર્ચિયન. બન્નેએ પોતાના પરિવાર વિરુદ્ધ જઈ લગ્ન કર્યા અને એ ઈચ્છે છે કે મહેકે મોટી થયા બાદ પોતે ક્યો ધર્મ અપનાવવા માગે છે એ નક્કી કરવું. જો કે, એની દાદી ઈચ્છે છે કે મહેક મંદિરમાં જાય, સેવા-પૂજા કરે જ્યારે એના નાના એવું ઈચ્છે છે કે એ બને તેટલું જલ્દી ક્રિશ્ર્ચિયનિટી અપનાવે. આ બંનેની લડાઈ વચ્ચે મહેકનો ઈશ્ર્વર પ્રત્યેનો જે મોહ, શ્રદ્ધા, આસ્થા, લગાવ છે એ અચાનક જ ભંગ થવા લાગ્યો છે. એ નથી ઈચ્છતી કે ધર્મના કારણે પોતાના પરિવારમાં કોઈ ક્લેશ કે કોઈ કલહ ઉત્પન્ન થાય. પોતાના ગ્રાન્ડપેરેન્ટ્સ વચ્ચે ઝગડા ન થાય એટલા માટે જ એનું નાજુક મન એવું નક્કી કરી લે છે કે, મારે કોઈ જ ધર્મ નથી અપનાવવો… મારી પાછળ ધર્મના નામનું કોઈ લેબલ નથી લગાડવું…એ બસ માત્ર મહેક રહેવા માગે છે કોઈ પણ ધર્મ વગરની માત્ર માણસ…! એને લાગે છે કે ધર્મજડતાને કારણે જ પોતાની મમ્મીને એના મમ્મી-ડેડીથી અલગ થવું પડ્યું હતું માટે મહેકને ધર્મના નામનો કોઈ ખટરાગ જ હવે નથી જોઈતો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button