લાડકી

રાજકારણમાં સ્ત્રીઓને સમાન તકની વાતો, પણ હકીકત સાવ અલગ

વિશેષ -કવિતા યાજ્ઞિક

ફરી એકવાર મહિલા દિવસ આવી ગયો છે. રાજકારણીઓથી લઈને, સામાજિક સંસ્થાઓ અને લોકો પણ મહિલાઓ વિશે સારું સારું બોલશે અને લખશે. મહિલા માતા, પત્ની, બહેન અને દીકરી જેવા કર્તવ્યો નિભાવે છે, નારી શક્તિ છે અને આપણા શાસ્ત્રોએ તેમના ગુણગાન ગાયા છે તેની એજ જૂની અને જાણીતી કેસેટ વગાડવામાં આવશે. અને તેના બીજા દિવસથી ફરીથી દેશ અને દુનિયામાં સહુ કોઈ નવા વિષય ઉપર ચર્ચા ચાલુ કરશે અને નારીને ભૂલી જશે!

આપણા દેશમાં વસ્તીની દ્રષ્ટિએ સ્ત્રી-પુરુષ ગુણોત્તરની વાત કરીએ તો લગભગ ૫૨% પુરુષોની સામે લગભગ ૪૮% સ્ત્રીઓની વસ્તી છે. તે મુજબ તો દેશની અડધો અડધી વસ્તી સ્ત્રીઓની છે. તેમ છતાં, એક વરવી હકીકત છે કે સમાજના કોઈપણ ક્ષેત્ર ઉપર નજર કરીએ તો સ્ત્રીઓની ભાગીદારી સાવ નગણ્ય જોવા મળે છે. મહિલા દિવસ નિમિત્તે સૌથી વધુ જે જમાત બોલવાની છે એ નેતાઓની છે. એટલે આપણે રાજકારણમાં જ સ્ત્રીઓની ભાગીદારીનો વિચાર કરીએ તો સલમાન ખાનની ફિલ્મના પેલા બહુ જાણીતા ડાયલોગના શબ્દો બદલીને કહેવું પડે, કે નેતાઓ મહિલાઓ વિશે “જે બોલે છે એ નથી કરતા અને જે નથી બોલતા એ તો ક્યારેય નથી કરતા. સ્ત્રી સમ્માન, સ્ત્રી સશક્તિકરણની વાત આવે ત્યારે લોકશાહીમાં સ્ત્રીઓની ભાગીદારી ઉપર વિચાર કરવો જ રહ્યો.

તાજેતરના સમયમાં ભારતીય ચૂંટણીઓમાં આનંદની વાત જોવા મળી રહી છે. વર્ષ ૨૦૨૨માં યોજાનારી ચૂંટણીમાં મહિલાઓના મતદાનમાં ઉછાળો જોવા મળતા સાત રાજ્યોમાં દેશમાં મહિલા મતદારો દ્વારા મતદાનમાં વધારો થયો છે. ૨૦૧૯ની ભારતની સંસદીય સામાન્ય ચૂંટણી દરમિયાન ૬૭.૦૯% પુરુષોએ મતદાન કર્યું હતું, જેની સામે મહિલાઓના મતદાનની ટકાવારી ૬૫.૬૩% હતી. આમ, માત્ર વસ્તીની દ્રષ્ટિએ નહીં, પણ મતદાનની દ્રષ્ટિએ પણ મહિલાઓનો ફાળો લગભગ પુરુષોને સમાન છે. આ સ્થિતિ આશાસ્પદ લાગે છે, પરંતુ સવાલ એ છે કે સ્થાનિક ચૂંટણીઓ, રાજ્યની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીઓમાં મહિલા મતદારોનું આ વધતું પ્રમાણ મોટા પાયે ચૂંટણી લડતી સ્ત્રીઓમાં પ્રતિબિંબિત થયું ખરું?

રાજકારણમાં ભાગીદારીનો અર્થ માત્ર મતાધિકાર નથી, પણ રાજકીય સક્રિયતા અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલગીરી પણ છે. સંસદમાં મહિલાઓના પ્રતિનિધિત્વની દ્રષ્ટિએ ભારત વિશ્ર્વમાં નીચેથી ૨૦મા ક્રમે છે. કેટલાક આંકડાઓ આપણી આંખ ખોલનારા છે. ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (આઈપીયુ) દ્વારા સંકલિત કરાયેલા ડેટા અનુસાર, ભારતમાં ૧૭મી લોકસભામાં કુલ સભ્યપદના માત્ર ૧૪.૪૪% મહિલાઓનું પ્રતિનિધિત્વ છે. ભારતના ચૂંટણી પંચના નવીનતમ ઉપલબ્ધ અહેવાલ મુજબ, મહિલાઓ સંસદના તમામ સભ્યોમાં માત્ર ૧૦.૫% પ્રતિનિધિત્વ કરે છે (ઓક્ટોબર ૨૦૨૧ સુધીમાં). રાજ્યની વિધાનસભાઓના કિસ્સામાં, મહિલા વિધાનસભ્યોનું પ્રતિનિધિત્વ સરેરાશ ૯% છે. આપણા દેશમાં એક મહિલા વડા પ્રધાન બની છે, રાષ્ટ્રપતિ એક મહિલા બની શકી હોય ત્યાં નિર્ણાયક પ્રક્રિયાઓમાં આટલું ઓછું પ્રતિનિધિત્વ? ભારતે ૧૯૬૩માં પહેલા મહિલા મુખ્ય પ્રધાનના રૂપમાં ઉત્તર પ્રદેશમાં સુચેતા કૃપલાણી જોયા, ત્યારથી ૧૬ મહિલા મુખ્ય પ્રધાનો વિવિધ રાજ્યોમાં જોયા છે. તેમ છતાં રાજ્યોની વિધાનસભામાં જો
તેમનું પ્રતિનિધિત્વ માત્ર ૯% જેટલું હોય, તો આપણી કથની અને કરણીમાં કેટલો તફાવત છે તેનો આની ઉપરથી અંદાજ માંડી શકાય છે.

જરા ૨૦૧૪ની લોકસભા ચૂંટણીના આંકડા પર નજર નાખો. આ ચૂંટણીમાં કુલ ૧૧ હજાર ૩૨૦ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેમાં પુરુષ ઉમેદવારોની સંખ્યા ૧૦,૩૨૧ હતી. જ્યારે મહિલાઓ માત્ર ૯૯૦! ટકાવારીની દૃષ્ટિએ જોવામાં આવે તો તે માત્ર ૮.૭૪ ટકા થાય. જ્યારે ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં મહિલાઓની વસ્તી દર હજાર પુરુષોએ ૯૪૦ છે. તેમાંથી પણ ઉમેદવારી પત્રો રદ થયા હોય, અને ઉમેદવારી પાછી ખેંચી લીધી હોય તેની પણ સંખ્યા બાદ કરીએ તો મહિલાઓની સંખ્યા ૬૬૮ રહી ગઈ હતી જેની સામે કુલ પુરુષ ઉમેદવારો હતા ૮૨૫૧. ૨૦૧૯ માં મહિલા ઉમેદવારોની સંખ્યામાં વધારો નોંધાયો અને ૭૨૩ ઉમેદવાર મેદાનમાં હતા, પણ આખરે જીતીને આવેલી મહિલાઓની સંખ્યા ૭૬ હતી. ૫૪૩ સભ્યોની લોકસભામાં મહિલાઓનું પ્રતિનિધત્વ માંડ ૧૩.૯૯% મહિલા સાંસદો સુધી પહોંચ્યું. પંચાયત સ્તરે તો મહિલાઓનું પ્રતિનિધિત્વ તેનાથી પણ નીચલા સ્તરે હતું. ૧૯૯૨માં પસાર થયેલા બંધારણના ૭૩માં સુધારામાં પંચાયત ચૂંટણીમાં મહિલાઓને ૩૩% અનામત આપવામાં આવી પછી આ સ્થિતિમાં ફરક પડ્યો. પણ તેમાં પણ ઘણીવાર ચૂંટાયેલ પ્રતિનિધિ મહિલા હોય અને હકીકતમાં રાજ તેના પતિનું ચાલતું હોય એવા કિસ્સા પણ જોવાયા હતા અને આજે પણ એવું જોવા મળે જ છે ને? બિહારના મુખ્યમંત્રીને જેલ થઇ એટલે તેમના પત્નીને મુખ્ય પ્રધાનની ખુરશીએ બેસાડી દેવાયા, જેમને રાજકારણનો કોઈ અનુભવ જ નહોતો. આ સ્ત્રીનું સમ્માન કે તેનું સશક્તિકરણ નથી, આ તો દુનિયા સામે દેખાડો કરીને સ્ત્રીને કઠપૂતળી બનાવી દેવાની એક રીત છે.

સૌથી પહેલો સવાલ એ છે કે હંમેશાં મહિલા ઉત્થાનની ગુલબાંગો પોકારતા રાજકીય પક્ષો સ્વયં મહિલાઓનું પ્રતિનિધિત્વ કેમ વધારતા નથી? આ બાબતમાં વર્ષોથી તેમના અભિગમમાં રહેલો દંભ જોવો હોય તો નજીકના ઇતિહાસ પર નજર નાખવી જરૂરી છે. પંચાયતરાજ પછી ૧૯૯૬માં મહિલા આરક્ષણ બિલ રજૂ કરવામાં આવેલું.૧૯૯૮ થી ૨૦૦૩ વચ્ચે ચાર વખત તેને સંસદના ટેબલ પર મૂકવામાં આવ્યું પરંતુ દરેક વખતે તે નિષ્ફ્ળ ગયું. કારણ? કેમકે કેટલાક રાજકીય પક્ષો સ્ત્રીઓને વધુ પ્રતિનિધિત્વ પોતે તો આપતા નહોતા, પરંતુ કાયદા દ્વારા તેમને મળે તેવી પણ રાજકીય ઇચ્છાશક્તિ નહોતી. ૨૦૦૯માં બિલ ફરી રજૂ કરવામાં આવ્યું ત્યારે પણ વિરોધના સૂર ઊઠ્યા હતા અને રાજ્યસભામાં પસાર થયું પણ ખરું. પરંતુ સંસદની મુદત પૂરી થતાં એ પણ નિષ્ફ્ળ ગયું. આખરે ૨૦૨૩માં સંસદના બંને ગૃહોએ આ બિલ પસાર કર્યું. પણ તેનો અમલ ૨૦૨૯થી જ થવાનો છે.

ફરી વાત એ જ છે કે સ્ત્રીઓના અધિકારોની વાત કરવામાં આગળ પડતા રાજકીય પક્ષો જયારે તેમની ભાગીદારીની વાત આવે ત્યારે પાણીમાં બેસી જાય છે. જયારે હકીકત એ છે કે રાજકીયપક્ષોના કાર્યકર્તાઓમાં એક મોટો વર્ગ મહિલાઓનો હોય છે. દરેક રાજકીય પક્ષોએ પોતાની મહિલા પાંખ કાર્યરત કરી છે. રાજકીય પક્ષોમાં ૨૦૦૯માં ટોચના બે પક્ષો ભાજપ અને કૉંગ્રેસની વાત કરીએ તો તેમણે અનુક્રમે ૪૪ અને ૪૩ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. એટલે કે તેમના કુલ ઉમેદવારોનાં લગભગ ૧૦%. એ જ રાજકીય પક્ષોએ ૨૦૧૯માં અનુક્રમે ૫૫ અને ૫૪ મહિલા ઉમેદવારો મેદાનમાં હતા. આંકડાની દ્રષ્ટિએ વધારો દેખાતો હોય તો પણ, ટકાવારીની દ્રષ્ટિએ તે લગભગ ૧૩% જેટલા જ થવા જાય છે. અર્થાત કે બહુ મોટો ફરક આટલા વર્ષે પણ પડ્યો નહોતો. મોટાભાગના અન્ય રાજકીય પક્ષોમાં પણ એ જ જોવા મળતું હતું. જોકે, એ તૃણમૂલ કૉંગ્રેસે લગભગ ૩૭% મહિલા ઉમેદવાર પસંદ કર્યા હતા એ નોંધવું જોઈએ. પોતાની મરજીથી ૩૩% જેટલી મહિલાઓને જો રાજકીય પક્ષો ટિકિટ આપતા હોત તો એમણે ભેગા મળીને સંસદમાં કાયદો બનાવવાની જરૂર પડત ખરી?

રાજકારણમાં મહિલાઓના ઓછા પ્રતિનિધિત્વ માટે ઘણા કારણો છે. જેમકે,
પુરુષપ્રધાન માનસિકતા, સામાજિક રૂઢિઓ અને માન્યતા જે મુજબ મહિલાઓએ ઘર સંભાળવું જોઈએ, સત્તા નહીં, નિરક્ષરતા અથવા ઓછું શિક્ષણ,
રાજકીય દળોમાં પ્રતિનિધિત્વનો આ અભાવ રાજકીય પક્ષોમાં હાજર લિંગ પૂર્વગ્રહનું પરિણામ ગણી શકાય અને એવી ધારણા છે કે મહિલાઓ પુરુષો જેટલી ચૂંટણી જીતવા સક્ષમ નથી.

રાજકારણમાં સક્રિય મહિલાઓને ઘણીવાર હિંસા અને ઉત્પીડન (શારીરિક અને ઓનલાઈન બંને)ના ભોગ બનવું પડે છે, જે મહિલાઓને રાજકારણમાં પ્રવેશવા અથવા વિવિધ મુદ્દાઓ પર અવાજ ઉઠાવવાથી હતોત્સાહ કરી શકે છે. રાજકારણમાં સલામત અને સમાવિષ્ટ તકોનો અભાવ મહિલાઓની ભાગીદારીમાં મોટો અવરોધ છે.

રાજકારણમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓને ઘણી વાર ઓછું ભંડોળ કે વેતન, સંસાધનોની ઓછી ઍક્સેસ અને મર્યાદિત નેટવર્કિંગ જેવી અસમાન તકોનો સામનો કરવો પડે છે.

પિતૃસત્તાક સ્થિતિ અને નોકરી-વિશિષ્ટ જરૂરિયાતો અને માંગણીઓ સાથે કૌટુંબિક પ્રતિબદ્ધતાઓને સંતુલિત કરવા જેવી સેવાની શરતો એ કેટલાક સામાજિક પરિબળો છે જે નાગરિક સેવાઓમાંથી મહિલાઓને બાકાત રાખવામાં ફાળો આપે છે.

તદુપરાંત, એક સામાન્ય માન્યતા છે કે સમાજ કલ્યાણ, સંસ્કૃતિ, મહિલા અને બાળવિકાસ જેવા ‘સોફ્ટ’ મંત્રાલયો માટે મહિલાઓને પ્રાથમિકતા આપવી જોઈએ.
હવે એ જોવું રસપ્રદ થઇ રહેશે કે ૨૦૨૪ની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષો કેટલી મહિલા ઉમેદવારોને ટિકિટ આપે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…