ઇંગ્લૅન્ડના ક્રિકેટરોએ એવું શું કર્યું કે ચીનને મરચાં લાગ્યા?
ધરમશાલા: ઇંગ્લૅન્ડના ખેલાડીઓ ભારત સામેની છેલ્લી ટેસ્ટ માટે હાલમાં સ્વર્ગ સમા ધરમશાલા શહેરમાં છે. મૅચ ગુરુવાર, સાતમી માર્ચે શરૂ થઈ રહી છે, પરંતુ બુધવારે તેમણે કંઈક એવું કર્યું કે એનાથી ચીનના પેટમાં તેલ રેડાયું છે.
આમ તો ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ક્રિકેટ સિરીઝ સાથે ભારતના દુશ્મન દેશ ચીનને કંઈ જ લાગેવળગે નહીં, પરંતુ બ્રિટિશ ક્રિકેટરો ધરમશાલામાં મૅક્લિઓડગંજ વિસ્તારમાં તિબેટના ધર્મગુરુ દલાઈ લામાને મળવા ગયા અને તેમના આશીર્વાદ લેવા ગયા એ ચીનને નથી ગમ્યું. તિબેટને ચીને દાયકાઓથી પોતાના કબજામાં લીધું છે અને દલાઈ લામાએ ધરમશાલાને પોતાનું હોમ સ્વીટ હોમ બનાવ્યું છે. ઇંગ્લૅન્ડના ખેલાડીઓએ દલાઈ લામા સાથેની તસવીરને સોશિયલ મીડિયામાં વાયરલ કરી એનાથી ચીનને મરચાં લાગી ગયા છે.
1959થી દલાઈ લામાએ ભારતમાં આશ્રય લીધો છે અને એ સામે પણ ચીનને વર્ષોથી વાંધો રહ્યો છે.
ચીન એટલી હદે દલાઈ લામાથી ત્રસ્ત છે કે દલાઈ લામા જે દેશની મુલાકાત લે એ દેશની સરકાર સમક્ષ રોદણા રડવા લાગે છે. તિબેટને ચીન પોતાનો હિસ્સો ગણે છે અને દલાઈ લામા એની વિરુદ્ધમાં છે. એ જ કારણસર દલાઈ લામાને ચીન અલગતાવાદી માને છે.
દલાઈ લામા હંમેશાં તિબેટની આઝાદીની અપીલ કરે છે.