શિવભક્તો માટે મહારાશિવરાત્રીના વધારાની બેસ્ટની બસો દોડશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બેસ્ટ ઉપક્રમ દ્વારા શુક્રવાર, ૮ માર્ચના મહારાશિવરાત્રીના પાવન દિવસ નિમિત્તે ભક્તોની સગવડ મુંબઈના અમુક પર્યટન વિસ્તારમાં વધારાની બસ દોડવવામાં આવવાની છે.
બેસ્ટ પ્રવક્તાના જણાવ્યા મુજબ કાન્હેરી ગુફામાં રહેલા શિવ મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં આવતા ભક્તો અને પ્રવાસીઓ માટે બસ રૂટ નંબર ૧૮૮ લિમિટેડ બસ રૂટ પર સંજય ગાંધી નેશનલ પાર્કથી કાન્હેરી ગુફા દરમિયાન સવારના ૧૧ વાગ્યાથી સાંજના ૭.૩૦ વાગ્યા સુધી કુલ છ વધારાની બસ દોડાવવામાં આવવાની છે. બોરીવલી રેલવે સ્ટેશન (પૂર્વ)થી કાન્હેરી ગુફા દરમિયાન નિયમિત બસ સેવા ચાલુ જ રહેશે. પ્રવાસીઓના માર્ગદર્શન માટે ભીડના સમયે ખાસ કરીને સંજય ગાંધી નેશનલ પાર્કના દરવાજા પાસે, એલોરા ચોકી (બોરીવલી સ્ટેશન પૂર્વ) તેમ જ કાન્હેરી ગુફા પાસે બસ ટિકિટ ચેકર સહિત કર્મચારી હાજર રહેશે.
એ સિવાય દક્ષિણ મુંબઈના પ્રખ્યાત બાબુલનાથ શિવ મંદિરની મુલાકાતે આવનારા ભક્તોની સગવડ માટે સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી બસ નંબર ૫૭, ૬૭ અને ૧૦૩ આ રૂટ પર કુલ છ વધારાની બસ દોડાવવામાં આવવાની છે.